આકાશગંગા (milky way) : નિર્મળ અંધારી રાત્રિએ અગ્નિ-વાયવ્ય કોણમાં દેખાતો આછો પ્રકાશિત પટ્ટો. ભારતમાં તે મંદાકિની વિશ્વ (galaxy) તરીકે ઓળખાય છે.
ઘણી મોટી સંખ્યામાં રહેલા આછા પ્રકાશિત તારાઓની પ્રકાશતીવ્રતાની સમગ્ર અસર તે જ આ પ્રકાશિત પટ્ટો. વિશ્વને આ દૃશ્ય દેખાય છે. અંદરથી નિહાળતાં પુરીના આકારમાં પથરાયેલા હજારો લાખો તારાઓ તેમાં સમાયેલા છે. આ તારાસમૂહનો વ્યાસ 1,0,000 પ્રકાશવર્ષ છે. તેના મધ્યભાગની ઊંચાઈ 15,000 પ્રકાશવર્ષની છે. તેના કેન્દ્ર તળથી પૃથ્વી 30,000 પ્રકાશવર્ષ દૂર છે. આકાશગંગાની સપાટીને સમાન્તર ઘણાં તારકવૃંદ્દો જોવા મળે પણ લંબદિશામાં મુકાબલે ઓછા તારાઓ દેખાય છે. આકાશગંગાના કેન્દ્રમાંનું તારાવિશ્વ (galaxy) રજવાદળોથી છવાયેલું હોય છે, જે પૃથ્વી ઉપરથી જોનારની દૃષ્ટિને નડતરરૂપ પણ બને છે. આ કારણે ‘આકાશગંગા’ અણસરખી પહોળાઈવાળી અને ઘણાં કાળાં ધાબાંવાળી દેખાય છે. વળી તે નરાશ્વ (Centaurus) અને હંસનક્ષત્ર (Cygnus) એમ બે ભાગમાં વહેંચાયેલી છે. મંદાકિની વિશ્વ કેન્દ્રની સામાન્ય દિશામાં એટલે કે વૃશ્ચિક નક્ષત્ર (scorpious) અને ધનનક્ષત્ર (Sagittarius)ની દિશાવાળા ભાગમાં તેની પ્રકાશ-તીવ્રતા વિસ્તૃત ધ્યાન ખેંચે તેવી હોય છે.
આકાશગંગા વિરાટ ગૂંચળાનો આકાર ધારણ કરે છે. તેમાં કરોડો તારા સમાયેલા હોય છે, જેમાંનો એક આપણો સૂર્ય છે. ગૂંચળાકારના એક ભાગમાં દરેક કાળનાં, હજારો વર્ષથી માંડીને 10 કરોડ વર્ષ જેટલા આયુષના તારાઓ છે; હીલિયમ કરતાં ભારે દ્રવ્યમાનવાળાં મૂળ તત્વો તેમાં રહેલાં છે. બીજા ભાગમાં વૈશ્વિક (galactic) નાભિમાં અને ગૂંચળાની મધ્ય(spirical halo)માં આકાશગંગાને આવરતા પ્રભામંડળ (globar cluster)માં 12થી 15 કરોડ વર્ષ જૂના તારાઓ રહેલા છે. તેનો પુરી જેવો આકાર હોવાથી મધ્યમાંથી કિનારા તરફ જતાં જાડાઈ ઓછી થતી જાય છે.
ધન નક્ષત્ર પાસે આકાશગંગાની સપાટી જાડી હોય છે. બીજી દિશાઓમાં તે પાતળી હોય છે. તેમાં તારા રજકણો અને વાયુઓ હોય છે : 2 % હાઇડ્રોજન વાયુ અને 0.01 % રજના કણો હોય છે. મંદાકિનીવિશ્વનું કુલ દ્રવ્યમાન સૂર્ય કરતાં 200 અબજગણું વધુ હોય છે. મોટાભાગના તારાઓ દૃશ્યમાન હોતા નથી. આવાં બીજા 20 તારાવિશ્વો (galaxy) અવકાશમાં રહેલાં છે. મંદાકિનીવિશ્વનું પડોશી વિશ્વ એન્ડ્રોમા છે. તારાઓમાંથી આવતા પ્રકાશની આવૃત્તિ (frequency) ડોપ્લર અસરને કારણે રાતા કે જાંબલી પ્રકાશ તરફ સરે છે તે ઉપરથી તે આપણી નજદીક આવે છે કે દૂર જાય છે તેની ખબર પડે છે.
વૈશ્વિક કેન્દ્રની આસપાસ સમગ્ર તારાવિશ્વનું ભ્રમણ 250 કિ. મીટર/સેકન્ડની ગતિથી થાય છે. આ અક્ષભ્રમણ-વેગ કેન્દ્રમાં ઓછો અને કેન્દ્રથી દૂર જઈએ તેમ વધતો જાય છે. 21,000 પ્રકાશવર્ષના અંતર પછી તે પુન: ઘટવા લાગે છે.
ચૈતન્ય પંડ્યા