આકાંક્ષા : પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ એક પદની અન્ય પદ સાથે જોડાવાની અપેક્ષા. નામ, સર્વનામ, વિશેષણ અને અવ્યય શબ્દો સુબન્ત (વિભક્તિ, પ્રત્યયાન્ત) હોય અને ધાતુઓ તિઙન્ત (કાલવાચી કે અર્થવાચી પ્રત્યયાન્ત) હોય ત્યારે તે પદ બને. અમુક એક પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ પરસ્પર સંબંધમાં આવેલાં પદોનો સમૂહ તે વાક્ય. પદોનો પારસ્પરિક સંબંધ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ (એટલે કે કાલકૃત સામીપ્ય) એ ત્રણ આવશ્યકતાઓને આધારે થાય છે. પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા માટે પ્રત્યેક પદની ક્રિયા કે અન્ય પદ સાથે જોડાવાની અપેક્ષા રહે છે. એટલે કે પદો કારક સંબંધ કે શેષ સંબંધે જોડાય ત્યારે તેમનો અર્થ આકાંક્ષાસહિત, પૂર્ણ બને. ગાય, ઘોડો, હાથી, માણસ એ પદસમૂહ હોવા છતાં તેમાંનાં પદો પરસ્પર સાકાંક્ષ નથી તેથી તે વાક્ય ન કહેવાય. ‘ગાય જાય છે’, ‘દેવદત્તની ગાય’ એ સમૂહોમાં પદો અર્થ પૂર્ણ કરવાની આકાંક્ષાથી પરસ્પર સંબંધમાં આવેલાં છે, તેથી તે વાક્ય કહેવાય.
નટવરલાલ યાજ્ઞિક