આઇવન્હો (1819) : બ્રિટિશ લેખક સર વૉલ્ટર સ્કૉટ(1771-1832)ની નવલકથા. એમાં ઇંગ્લૅંડના રાજા સિંહહૃદયી પ્રથમ રિચાર્ડના સમયની વાત છે. સૅક્સન અને નૉર્મન લોકો વચ્ચે દુશ્મનાવટ હતી. કથાનાયક આઇવન્હો અને રાજા રિચાર્ડ બંને છૂપા વેશમાં હોય છે. આઇવન્હો (વિલ્ફ્રેડ) સૅક્સન ઠાકોર સેડ્રિકનો પુત્ર છે. તે તેના પિતાની આશ્રિત કન્યા રોવેનાને ચાહે છે. આઇવન્હોએ રાજા રિચાર્ડને ધર્મયુદ્ધમાં સાથ આપ્યો તેથી પિતાએ તેનો વારસહક્ક છીનવી લીધો છે. સેડ્રિક રોવેનાનું લગ્ન સૅક્સન એથેલ્સ્ટાન સાથે કરવા ઇચ્છે છે. રાજા રિચાર્ડ યુદ્ધમાં ગયો હોવાથી તેના ભાઈ જૉને ઇંગ્લૅંડના રાજ્યનો ગેરકાયદે કબજો લીધો છે.
બે મુખ્ય ઘટનાઓ પર નવલકથાના કથાનકનું ચણતર થયું છે. એક ઘટના એશ્બી દે લા ઝૌચ પાસે સંઘર્ષમાં આઇવન્હો રાજા રિચાર્ડની મદદથી જૉનરાજાના સરદારોની ટુકડીને હરાવે છે તે. બીજી ઘટના ટૉરક્વિલસ્ટોમના કિલ્લાના ઘેરાની છે. અહીં સેડ્રિક અને રોવેના, ઘાયલ આઇવન્હો, ઍથલેસ્ટાન, યહૂદી ઇઝાક અને સુંદર બહાદુર પુત્રી રેબેકા નૉર્મન અમીરોનાં કેદી બનેલાં છે. રિચાર્ડ લૉક્લસી ઉર્ફે બહારવટિયો રૉબિનહુડ તેમના સાથીઓની મદદથી કિલ્લો કબજે કરી રેબેકા સિવાયના કેદીઓને બચાવે છે. સર બ્રાયન રેબેકાના પ્રેમમાં છે. રેબેકાને બ્રાયનના પંજામાંથી ગ્રાંડ માસ્ટર બચાવે છે, પરંતુ તેના પર તે ડાકણ છે તેવો આક્ષેપ થયો છે અને તેથી તેને મોતની સજા થાય છે. રેબેકા દ્વંદ્વયુદ્ધની માગણી કરી મોતની સજામાંથી બચે છે. તેણે ઘાયલ આઇવન્હોની સારવાર કરી હોવાથી આઇવન્હો તેની તરફથી બ્રાયન સાથે લડે છે. બ્રાયન મૃત્યુ પામે છે. રાજા રિચાર્ડ વચ્ચે પડવાથી પિતા સેડ્રિક સાથે આઇવન્હોનું સમાધાન થાય છે અને તેનું લગ્ન રોવેના સાથે થાય છે. રેબેકા, જે આઇવન્હોને ચાહતી હતી તે તેના પિતા સાથે ઇંગ્લૅંડ છોડી જાય છે. આ નવલકથામાં રેબેકાનું પાત્ર રોવેનાના પાત્ર કરતાં વધુ પ્રભાવક આલેખાયું છે. ભાષા કૃત્રિમ અને પાંડિત્યપ્રચુર છે, પરંતુ વાર્તારસનો પ્રવાહ અસ્ખલિત વહ્યો જાય છે. આ નવલકથાનો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે.
કૃષ્ણવદન જેટલી