આઇડિયોગ્રામ (ચિત્રાક્ષર) : કોઈ ચોક્કસ શબ્દ કે ધ્વનિને રજૂ કરવાને બદલે સીધા વિચાર કે વસ્તુનું પ્રતિનિધાન કરતું લેખિત પ્રતીક. આ ભાવચિત્ર કે ચિત્રાક્ષર પ્રાચીન ઇજિપ્તની લિપિમાં કે પ્રાચીન ચીની લિપિમાં અવશિષ્ટ છે. પહેલાં તો ચિત્રો દ્વારા વસ્તુને રજૂ કરવામાં આવતી. (એમાં પુરુષો, સ્ત્રીઓ, વૃક્ષો, છોડ, ફૂલો શરીરનાં જુદાં જુદાં અંગો વગેરેનો ઉપયોગ થતો.) પ્રારંભમાં તો એક એક વસ્તુ માટે એક એક ચિત્ર વપરાતું. આમ દરેક વસ્તુ કે વિચાર માટે અલગ અલગ ચિહન પ્રયોજાય તો તેની સંખ્યાનો પાર ન આવે. તેથી સમય જતાં વસ્તુથી સૂચવાતા વિચારને અથવા તે વસ્તુમાં રહેલા ગુણધર્મને સૂચવવા પણ તેનો ઉપયોગ થતો. વસ્તુના નામના પહેલા અક્ષર પરથી તે અક્ષર માટે પણ ક્યારેક એ ચિત્ર વપરાવા લાગ્યું. (કેટલાંક પ્રતીકો કેટલાક અક્ષરોને રજૂ કરવા લાગ્યાં.) પછી એક એવી રૂઢિ ઊભી થઈ કે ચોક્કસ પ્રતીક ચોક્કસ વિચારને રજૂ કરે. આ પ્રતીકો ‘ચિત્રાક્ષર’ કહેવાયાં.
ફ્રેન્ચ કવિ અપોલિનેર ગિલોમે એના ‘કેલિગ્રામ્ઝ’ કાવ્યસંગ્રહની આકૃતિરચનાઓને દૃશ્ય હોવાથી ‘આઇડિયોગ્રામ્ઝ’ તરીકે ઓળખાવી છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા