આંધ્ર મહાભારતમ્

January, 2002

આંધ્ર મહાભારતમ્ (11મીથી 13મી સદી) : મધ્યકાલીન તેલુગુ મહાકાવ્ય. તે તેલુગુની સર્વપ્રથમ કાવ્યકૃતિ મનાય છે. એની પૂર્વનું સાહિત્ય ગ્રંથાકારે ઉપલબ્ધ નથી. આ રચના નન્નય ભટ્ટુ, તિક્કન સોમયાજી તથા એરપ્રિગડ નામના ત્રણ કવિઓની સંયુક્ત રચના ગણાય છે. ત્રણમાં નન્નય ભટ્ટુ પ્રથમ હતા. તેમણે અગિયારમી સદીમાં આ કાવ્ય રચવાનો આરંભ કરેલો. એમણે આદિપર્વ, સભાપર્વ તથા વનપર્વના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું. એમાં મૂળ મહાભારતની કથામાં લેખકે ફેરફાર કર્યા છે. પછી તેરમી સદીમાં તિક્કન સોમયાજીએ બાકીનાં પંદર પર્વો પૂરાં કર્યાં, પણ વનપર્વ અધૂરું રહી ગયું. એ અધૂરા વનપર્વને ચૌદમી સદીમાં એરપ્રિગડ નામના કવિએ પૂરું કર્યું અને ‘આંધ્ર મહાભારતમ્’ને પૂર્ણ રૂપ આપ્યું. આમ ‘આંધ્ર મહાભારતમ્’ ત્રણ જુદી જુદી સદીઓના ભિન્ન ભિન્ન કવિઓના પ્રયત્નોનું સુગ્રથિત પરિણામ છે. સમગ્ર કૃતિનું કાવ્યશિલ્પ મનોહારી છે.

સંસ્કૃત ‘મહાભારત’નો આધાર લઈને ત્રણેય કવિઓએ સ્વતંત્ર રીતે મહાભારત લખ્યું હોય એમ લાગે છે. મૂળ કથાવસ્તુમાં કોઈ પણ પ્રકારનું મહત્વનું પરિવર્તન કર્યા વિના ક્યારેક મૂળનો સંક્ષેપ કર્યો છે, તો ક્યારેક વિસ્તાર કર્યો છે, તો ક્યારેક સ્થાનિક રંગો પૂર્યા છે. એક આલોચકે કહ્યું છે તેમ સંસ્કૃત મહાભારત ઇતિહાસ કે પુરાણ છે તો ‘આંધ્ર મહાભારતમ્’ કાવ્યમંજરી છે. પ્રેમાનંદે જેમ મહાભારતનાં પાત્રોને ગુજરાતી સ્વરૂપ આપ્યું તેમ તેમણે આંધ્રવાસી બનાવ્યાં નથી. એમનું મૂળ રૂપ યથાવત્ રાખ્યું છે. જેવું હિન્દીમાં ‘રામચરિતમાનસ’નું સ્થાન છે તેવું જ તેલુગુમાં ‘આંધ્ર મહાભારતમ્’નું છે.

ચન્દ્રકાન્ત મહેતા