આંધળ્યાચી શાળા (ઈ. સ. 1933) : મરાઠી નાટક. અંગ્રેજી તથા વિદેશી નાટકોથી પ્રભાવિત થઈને શ્રી વી. વર્તકે કેટલાક નાટ્યલેખકોના સહયોગમાં મરાઠી સાહિત્યમાં નવું નાટક નિર્માણ કરવાના ઉદ્દેશથી નાટ્યમન્વન્તર નામની સંસ્થા સ્થાપેલી. એમાં નાટક વિશેની ચર્ચા થતી, વિદેશનાં ઉત્તમ નાટકો વંચાતાં અને એનાં રૂપાંતરો કરાતાં. આ સંસ્થામાં થોડો સમય કાર્યશીલ રહીને વર્તકે એક નૉર્વેજિયન નાટકનું મરાઠીમાં રૂપાંતર કર્યું, તે ‘આંધળ્યાચી શાળા’. એ 1933માં પ્રગટ થયું હતું. નાટક હાસ્યપ્રધાન છે. આત્મપ્રશંસામાં રાચતા ‘કૂપમંડૂકો’ને એમાં કટાક્ષનું લક્ષ્ય બનાવ્યા છે. લેખકે રૂપાંતર એટલી કુશળતાથી કર્યું છે કે એ રૂપાંતર છે એમ લેખકે કહ્યું ન હોત તો એ મૌલિક જ લાગત. એ મરાઠી રંગમંચ પર અનેક વાર સફળતાથી ભજવાયું છે.
ઉષા ટાકળકર