આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund) : આંતરરાષ્ટ્રીયક્ષેત્રે નાણાકીય સહકાર માટેની સંસ્થા. 1929થી શરૂ થયેલી વિશ્વમંદી દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષેત્રે જે અનવસ્થા સર્જાઈ હતી તેનું પુનરાવર્તન બીજા વિશ્વયુદ્ધ પછી ન થાય તે હેતુથી 1944ના જુલાઈમાં અમેરિકામાં બ્રેટનવૂડ્ઝ ખાતે 44 દેશોની ‘યુનાઇટેડ નેશન્સ મૉનિટરી ઍન્ડ ફાઇનાન્શિયલ કૉન્ફરન્સ’ મળી હતી. આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ તેમજ વિશ્વબૅંક રચના અંગે સમજૂતી સાધવામાં આવી. નાણાભંડોળના કામકાજનો પ્રારંભ માર્ચ, 1947થી થયો.
નાણાભંડોળની સ્થાપના જે ઉદ્દેશો માટે કરવામાં આવી હતી તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : વિશ્વના વ્યાપારનો સમતોલ વિકાસ કરીને દુનિયામાં આવક તથા રોજગારીને ઊંચી સપાટીએ ટકાવી રાખવાં, હૂંડિયામણના દરની સ્થિરતા જાળવવી અને ચલણનાં સ્પર્ધાત્મક અવમૂલ્યનો અટકાવવાં, સભ્ય દેશોને તેમનાં લેણદેણનાં સરવૈયાં પરની ખાધ ઘટાડવા માટે તેમજ હૂંડિયામણ પરના અંકુશો નાબૂદ કરવા માટે સહાય કરવી.
નાણાભંડોળના સભ્ય થનાર દેશને જે કેટલીક જવાબદારીઓ સ્વીકારવી પડતી હતી, એ પૈકી બે નોંધપાત્ર છે : એક, સભ્ય દેશે પોતાના ચલણનું મૂલ્ય સોનામાં તેમજ અમેરિકામાં ડૉલરમાં સત્તાવાર રીતે મુકરર કરીને તેની જાણ નાણાભંડોળને કરવાની હતી. બીજું, અધિકૃત રીતે જાહેર કરવામાં આવેલા ચલણના આ બાહ્ય મૂલ્યમાં સભ્ય દેશ નાણાભંડોળની સંમતિ વિના એક ટકાથી વધુ વધઘટ કરી શકતો ન હતો અર્થાત્, તેણે હૂંડિયામણના સત્તાવાર દરને ટકાવી રાખવાનો હતો. આ ઉપરાંત સભ્ય થનાર દેશોએ હૂંડિયામણના અંકુશો તેમજ હૂંડિયામણના દર અંગે કેટલીક બીજી જવાબદારીઓ પણ અદા કરવાની હતી.
નાણાભંડોળ પોતાના સભ્યોને પોતાનાં સરવૈયાંમાં ખાધ ઊભી થાય ત્યારે ‘ધિરાણ’ના રૂપમાં સહાય કરે છે. આવી સહાય કરવા માટે નાણાભંડોળે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
સભ્ય દેશોને મળતી સહાય તેમજ નાણાભંડોળ પરના અંકુશની ર્દષ્ટિએ સભ્ય દેશનો ક્વોટા અગત્યનો છે. સભ્ય દેશનાં ભરણાં નક્કી કરતી વખતે દેશની રાષ્ટ્રીય આવક, વિદેશી ચલણની અનામતો, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દેશનો હિસ્સો વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. જાન્યુઆરી, 1948માં સભ્યોના ભરણા(quota)માં વધારો કરવામાં આવ્યો, એ પછી ભરણાની કુલ રકમ 6૦ અબજ SDR થઈ છે. સભ્યને પોતાના ભરણાની 25 ટકા રકમ ડૉલર વગેરે ચોક્કસ વિદેશી ચલણમાં અને બાકીની 75 ટકા રકમ પોતાના ચલણમાં ચૂકવવી પડે છે.
સભ્ય દેશ માટે ભરણાં ત્રણ રીતે અગત્યનાં છે : (1) નાણાભંડોળમાં દરેક સભ્ય દેશનો ફાળો ભરણાં દ્વારા નિર્ધારિત થાય છે. (2) નાણાભંડોળની કામગીરીમાં જ્યાં મતદાનથી નિર્ણય લેવાય છે ત્યાં સભ્યના મત તેના ભરણાંના પ્રમાણમાં ગણવામાં આવે છે. (3) નાણાભંડોળ પાસેથી જે ધિરાણ દેશને પ્રાપ્ત થાય છે તે ભરણાંના આધારે નક્કી થાય છે. દેશ તેના ભરણાંના 125 ટકા સુધીનું કુલ ધિરાણ મેળવી શકે.
ધિરાણ આપવાની ભંડોળની પદ્ધતિ વિશિષ્ટ છે. દેશ ધિરાણ મેળવવા ભંડોળ પાસેથી પોતાના ચલણની ચુકવણી કરીને અન્ય ચલણ ‘ખરીદે’ છે. આ રીતે ખરીદવામાં આવેલું વિદેશી ચલણ ત્રણથી પાંચ વર્ષની મુદતમાં નાણાભંડોળને પાછું આપીને દેશે પોતાનું ચલણ મેળવી લેવું પડે છે. આ મુદત દરમિયાન ખરીદવામાં આવેલા વિદેશી ચલણ પર વ્યાજ પણ ચૂકવવું પડે છે.
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની વ્યવસ્થા નીચે હૂંડિયામણના દર અંગે જે પ્રથા ઉદભવી હતી તેને ‘ફેરફારક્ષમ સ્થિરતા’ની નીતિ તરીકે વર્ણવવામાં આવે છે. આ નીતિ પ્રમાણે દેશો હૂંડિયામણના દરને સામાન્ય રીતે સ્થિર રાખતા હતા, પરંતુ લેણદેણના સરવૈયામાં ‘મૂળભૂત અસમતુલા’ની સ્થિતિમાં હૂંડિયામણના દરમાં નાણાભંડોળની સંમતિથી ફેરફાર કરી શકાતો હતો.
1973થી નાણાભંડોળની જોગવાઈઓમાં અભિપ્રેત હૂંડિયામણના દરની નીતિનો અંત આવ્યો છે. 1973ના આરંભમાં કેટલાક ઔદ્યોગિક દેશોએ નાણાભંડોળની જોગવાઈઓની અવગણના કરીને પોતાનાં ચલણોના સત્તાવાર મૂલ્યને ટકાવી રાખવાની નીતિ પડતી મૂકી અને ચલણના વિનિમયદરને બજારનાં પરિબળો દ્વારા નક્કી થવા દેવાની નીતિ અપનાવી. 1976માં જમૈકા ખાતે મળેલી નાણાભંડોળની બેઠકમાં હૂંડિયામણના દર અંગેની વ્યવહારમાં અમલમાં આવી ચૂકેલી નીતિનો વિધિપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો. આ માટે નાણાભંડોળની જોગવાઈઓમાં કલમ 4 ઉમેરવામાં આવી, જે અનુસાર સભ્ય દેશોને તેમની પસંદગી પ્રમાણેની હૂંડિયામણના દર અંગેની પ્રથા અપનાવવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ ફેરફારક્ષમ રીતે સ્થિર હૂંડિયામણના દરની જૂની પદ્ધતિને સુધારા દ્વારા એવી રીતે દૂર કરવામાં આવી છે કે જેથી તેનો ફરીથી સ્વીકાર લગભગ અશક્ય બની જાય. એ જૂની પદ્ધતિને ફરીથી દાખલ કરવા માટે સંસ્થાના કુલ મતાધિકારના 85 ટકાની બહુમતી જોઈએ. અમેરિકા પાસે 15 ટકાથી અધિક મતાધિકાર હોવાથી એ ન ઇચ્છે ત્યાં સુધી હૂંડિયામણના સ્થિર દરોની નીતિ ફરીથી અમલમાં આવી શકે તેમ નથી.
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના આશ્રયે આંતરરાષ્ટ્રીય રોકડતાની સમસ્યાના એક ઉકેલ રૂપે 1967માં ‘વિશેષ ઉપાડ હક્ક’ (SDR) તરીકે ઓળખાતી યોજનાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. 1969માં નાણાભંડોળની જોગવાઈઓમાં તેનો સમાવેશ કરીને તેનો અધિકૃત રીતે સ્વીકાર કરવામાં આવ્યો અને 197૦માં સભ્ય દેશોને પ્રથમ વખત ‘વિશેષ ઉપાડ હક્ક’ ફાળવીને પ્રસ્તુત યોજનાને અમલમાં મૂકવામાં આવી. આ પગલા દ્વારા એક પ્રકારના આંતરરાષ્ટ્રીય નાણાંનું સર્જન કરવામાં આવ્યું છે, જાન્યુઆરી, 1999માં તેનું મૂલ્ય SDR 212૦ લાખ જેટલું થયું હતું. પરંતુ તેને અપેક્ષિત સફળતા સાંપડી નથી.
‘વિશિષ્ટ ઉપાડ હક્ક’ દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રારંભમાં તેનું મૂલ્ય અમેરિકાના ડૉલરના બાહ્ય મૂલ્ય બરાબર રાખવામાં આવતું હતું, પરંતુ 1974થી 1981 દરમિયાન તેનું મૂલ્ય વિશ્વનાં 16 જેટલાં મહત્વનાં ચલણો(basket of currencies)ના બજારમૂલ્યના આધાર પર નક્કી કરવામાં આવતું હતું. 1981માં આ ચલણોની સંખ્યા ઘટાડીને પાંચ ચલણો પૂરતી મર્યાદિત કરવામાં આવી, જેમાં બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ, અમેરિકન ડૉલર, ફ્રેન્ચ ફ્રૅંક, પશ્ચિમ જર્મનીના ડૉઇશ માર્ક તથા જાપાનના યેનનો સમાવેશ થાય છે.
1947માં કાર્યારંભ કર્યા પછી ડિસેમ્બર, 2૦11માં તેના સભ્યોની કુલ સંખ્યા 187 સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય તરલતાની દિશામાં આ સંસ્થાએ નોંધપાત્ર કામગીરી કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પરસ્પર વિચારવિનિમય અને સહકારના માધ્યમ તરીકે તેનું યોગદાન મહત્વનું રહ્યું છે. ઘણા વિકાસશીલ દેશોની લેણદેણની તુલાની ખાધનું નિવારણ કરવામાં તથા તેવા દેશોમાં આંતરિક નાણાકીય સ્થિરતા હાંસલ કરવાની દિશામાં ભંડોળે આપેલાં સહાય અને માર્ગદર્શન અસરકારક સાબિત થયાં છે. આંતરરાષ્ટ્રીય રાજકીય સ્તર પર આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું જે મોભાનું સ્થાન છે તેવું જ મોભાનું સ્થાન આંતરરાષ્ટ્રીય નાણાવ્યવસ્થામાં નાણાભંડોળનું છે.
રમેશ ભા. શાહ