આંતરતારકીય માધ્યમ : આકાશગંગા અને વિશ્વના તારાઓ વચ્ચે આવેલું માધ્યમ. આ અત્યંત વિસ્તૃતિવાળો અવકાશ છે. આ માધ્યમની દ્રવ્યસંપદા આકાશગંગા વિશ્વ(મંદાકિનીવિશ્વ)ની દ્રવ્યસંપત્તિના હિસાબે પાંચ ટકા જેટલી છે.
અવકાશમાં આવેલું આંતરતારકીય દ્રવ્ય ત્રણ પ્રકારનું છે. (1) નિહારિકાઓમાં આવેલું મોટા જથ્થાનું દ્રવ્ય. આ દ્રવ્ય વાયુ અને ધૂળના કણોનું બનેલું છે. (2) સામાન્ય આંતરતારકીય વાયુ અને (3) સામાન્ય આંતરતારકીય ધૂળ.
નિહારિકાઓ બે પ્રકારની છે : શ્વેત અને શ્યામ. શ્વેત નિહારિકાઓ તેમની અંદર તેમજ તેમની આજુબાજુમાં આવેલા તારાઓના તેજનું પરાવર્તન કરે છે. વળી નજદીકમાં આવેલા ગરમ તારાઓના અલ્ટ્રાવાયલેટ વિકિરણથી ઉત્તેજિત થઈ તેજ પ્રકટાવે છે. શ્યામ નિહારિકાઓ ઊલટા પ્રકારની છે. પોતાના પર પડતા તારાઓના તેજને તે અવશોષી લે છે અને તે કારણે તે કાળી દેખાય છે. વાસ્તવમાં શ્વેત અને શ્યામ નિહારિકાઓના દ્રવ્યમાં કશો જ ફરક નથી. જે ફરક દેખાય છે તે કેવળ કાળા-ધોળા રૂપનો છે.
આ નિહારિકાઓ ઉપરાંત વિશિષ્ટ તારાઓની આજુબાજુ વાયુ અને રજનાં વાદળ ધરાવતી ગ્રહરૂપ નિહારિકા(planetary nebula)ઓ તેમજ પરમ સ્ફોટક(supernova)ના કારણે ઉત્પન્ન થયેલી કર્ક નિહારિકા(Crado nebula)ઓ જેવી નિહારિકાઓ પણ આંતરતારકીય માધ્યમમાં અસ્તિત્વ ધરાવે છે. આપણા મંદાકિની-વિશ્વની શ્વેત નિહારિકાઓમાં મૃગની શ્વેત નિહારિકા (great nebula in Orion) અને ધનુની ત્રિદેહી નિહારિકા (trifid nebula in Sagitarius) પ્રખ્યાત છે. શ્યામ નિહારિકાઓ પૈકી સ્વસ્તિક મંડળ(Crux)ની કાજળથેલી (coal sack) અને આકાશગંગાના પટને બે ધારામાં વિભક્ત કરતી હંસમંડળ(Cygnus)ની કાળી નિહારિકા જાણીતી શ્યામ નિહારિકાઓ છે.
આંતરતારકીય વાયુ નિહારિકાસ્થિત વાયુના હિસાબે ખૂબ આછો-પાતળો છે. આંતરતારકીય વાયુનો મુખ્ય ઘટક શિથિલ (તટસ્થ-neutral) હાઇડ્રોજન (HI) છે. શિથિલ હાઇડ્રોજનની ખોજ રેડિયો દૂરબીન દ્વારા 21 સેમી.ની તરંગ-લંબાઈ પર થઈ હતી.
આંતરતારકીય વાયુ નિહારિકાઓની વચ્ચે પણ આવેલો છે, પણ ત્યાંનું એનું વિસ્તરણ-સ્તર પાતળું છે.
રેડિયો-ઉત્સર્જન અને અવશોષક વર્ણપટના અભ્યાસ દ્વારા માલૂમ પડ્યું છે કે આંતરતારકીય વાયુમાં હાઇડ્રોજન અને હિલિયમ ઉપરાંત સોડિયમ, કૅલ્શિયમ, લોહ, ટિટેનિયમ, કાર્બન, એમોનિયા, સાયનોજેન વગેરેના કણ (પરમાણુ/અણુ/આયન) આવેલા છે.
આંતરતારકીય રજ દૂર દૂરના તારાઓના તેજને અવશોષી તેને ઝાંખું પાડે છે. આંતરતારકીય રજની કુલ દ્રવ્યસંપત્તિ આંતરતારકીય વાયુસંપત્તિના એક ટકા જેટલી જ છે; પણ તેની પ્રકાશને રૂંધવાની શક્તિ અતિપ્રબળ છે. તારાઓ વચ્ચેના અવકાશ ઉપરાંત તે તારાવિશ્વના બાહુઓના બહારના ભાગે આવેલી જોવા મળી છે.
આંતરતારકીય દ્રવ્ય મહત્વનું છે. એમાંથી જ નવા તારા બંધાય છે. તારાવિશ્વના તારા પોતાનું દ્રવ્ય ગુમાવતા રહી આંતરતારકીય દ્રવ્યમાં ઉમેરો કરે છે. પરમ સ્ફોટક તારાના વિસ્ફોટકો દ્વારા હાઇડ્રોજન અને હિલિયમ કરતાં વધુ વજનદાર તત્વોનો ઉમેરો થાય છે.
છોટુભાઈ સુથાર