આંગણું : આંગણું અથવા આંગણ એટલે ઘરની આગળનો ખુલ્લો બાંધકામુક્ત ભાગ. જેને ફળિયુx અને પ્રાંગણ પણ કહેવાય. અમુક સંજોગોમાં તેને વંડો પણ કહેવાય છે. ઉપયોગિતા અને અનુભૂતિની દૃષ્ટિએ પરંપરાગત ઘરનો આ સૌથી જીવંત ભાગ હોય છે. આંગણાની શેરી તરફની ધાર પર દીવાલ હોય પણ ખરી અને ન પણ હોય. જો દીવાલ હોય તો તેમાં એક ઝાંપલી મૂકેલી હોય. ઘરનો જે ભાગ આંગણા તરફ હોય ત્યાં સામાન્ય રીતે વરંડો જોવામાં આવે છે. આંગણ અને ઘરના આંતરિક ભાગ વચ્ચે આ વરંડો અંતરાલનું કામ કરે.

આંગણું 

આંગણું ખુલ્લાપણું અને મુક્તતા દર્શાવતું સ્થાન છે. આંગણું બધાને હૂંફ આપે અને દરેક પરિસ્થિતિમાં બધાંનો સ્વીકાર કરે છે. આંગણાં સાથે સમગ્રતામાં અને આંગણાના કોઈક ભાગ સાથે વ્યક્તિગતતાના ધોરણે, કુટુંબની દરેક વ્યક્તિ તાદાત્મ્યતા – પોતાપણું સ્થાપી શકે છે. અહીં બધાં માટે સ્થાન છે, અને અહીંનું સ્થાન બધાં માટે છે. આંગણું જેટલું ઘરની વ્યક્તિઓ માટે છે તેટલું જ ત્યાં રહેલ ઝાડપાન તથા પાળેલાં પશુ માટે છે. આંગણું મહેમાન અને યજમાન બંનેને સમાન મહત્ત્વ આપે છે. આંગણામાં કોઈના માટે કોઈ પણ પ્રકારનો બાધ ન હોય તેમ જણાય છે. વળી આંગણામાં એક સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ સંભવી શકે. એક તરફ બાળકો રમતાં હોય તો બીજી તરફ ઘરની નાર પાપડ સુકવતી હોય. પરંપરાગત જીવનશૈલી પ્રમાણે વિવિધ પ્રકારની વ્યક્તિગત, કૌટુંબિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ ત્યાં થતી જ રહે. મોટાભાગના કિસ્સામાં આંગણમાં એક વૃક્ષ રહેલું હોય જે આબોહવાનાં વિપરીત પરિબળો સામે રક્ષણ આપે. પરંપરાગત સ્થાપત્યમાં આંગણમાં માટી પર કોઈ પણ પ્રકારની લાદી જડવામાં ન આવે.

એક રીતે જોતા આંગણું એ ઘર અને શેરી વચ્ચેનું અંતરાલ છે. તે એક વચગાળાના સ્થાન તરીકે કાર્ય કરે છે. શેરી એ સંપૂર્ણ જાહેરસ્થાન છે જ્યારે ઘર એ સંપૂર્ણ અંગત સ્થાન છે. આંગણું આ બે વચ્ચેનો ગાળો છે જે આ બે વિરોધી બાબતોને નરમાશથી પરસ્પર સાંકળી દે છે. આંગણું ઘર અને શેરીને જોડતું માધ્યમ છે – તે ઘર પણ નથી અને શેરી પણ નથી અથવા તો તે ઘર પણ છે અને શેરી પણ છે. આંગણાની આવી સંભાવના એ સ્થાપત્યની એક અનેરી ઘટના છે. આ સંભાવનાનો પરંપરાગત જીવનશૈલીમાં ખૂબ અસરકારક ઉપયોગ થતો રહ્યો છે.

હેમંત વાળા