અહલ્યા : વાલ્મીકિરામાયણમાં જેનો ઉલ્લેખ છે તે, રામચંદ્રજીના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલી ગૌતમઋષિની પત્ની. હલનો અર્થ થાય છે કુરૂપતા. તેનામાં કુરૂપતા લેશમાત્ર નહિ હોવાથી બ્રહ્માએ તેનું નામ ‘અહલ્યા’ પાડ્યું હતું. તેના પિતાનું નામ મુદગલ હતું. બીજા મતે મેનકા તેની માતા અને વૃદ્ધાશ્વ તેના પિતા હતાં. વાલ્મીકિરામાયણ પ્રમાણે બ્રહ્માએ સત્યયુગમાં તેનું સર્જન શ્રેષ્ઠ સુંદરી તરીકે કર્યું અને ગૌતમઋષિને સમર્પિત કરી હતી. તેના સૌંદર્યને કારણે તેના પ્રત્યે દેવરાજ ઇંદ્ર આકર્ષિત થયો. તેણે છળ કરી મધ્યરાત્રિએ કૂકડાનો અવાજ સંભળાવી પ્રાત:કાળનો ભ્રમ ઊભો કર્યો અને એ રીતે ગૌતમ-ઋષિને પ્રાત:સ્નાન માટે રવાના કરી પોતે ગૌતમઋષિના છદ્મવેશે આશ્રમમાં આવ્યો અને અહલ્યાના સતીત્વને નષ્ટ કર્યું. ગૌતમઋષિને આ કપટની જાણ થતાં તેમણે ઇંદ્રને નપુંસકપણાનો અને અહલ્યાને પાષાણરૂપ થવાનો શાપ આપ્યો. ત્રેતાયુગમાં રામચંદ્રજીનાં ચરણોના સ્પર્શથી અહલ્યા શાપમુક્ત બની અને તે દિવ્ય દેહ પામી દેવલોકમાં જઈ પતિને મળી.
તે રાજા જનકના પુરોહિત શતાનંદની માતા હતી. પૌરાણિક પરંપરામાં અહલ્યા મહાસાધ્વી મનાઈ છે અને મહાપાતકોના નાશ માટે દ્રૌપદી, તારા, કુંતી અને મંદોદરીની સાથે સવારે પ્રથમ તેનું નામસ્મરણ કરવાનું જણાવ્યું છે.
બિહારીલાલ ચતુર્વેદી