અહલુવાલિયા, રોશનલાલ (જ. 191૦) : પંજાબી નાટ્યકાર તથા વાર્તાકાર. વતન લુધિયાણા (પંજાબ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ત્યાં લઈને પછી સ્નાતક સુધીનું શિક્ષણ અમૃતસરમાં લીધું. બી.એ.માં અંગ્રેજી વિષય લઈને, સુવર્ણચંદ્રક મેળવ્યો. એમ.એ. પણ અમૃતસરમાં જ અંગ્રેજી વિષય લઈને કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. પછી તિબ્બી કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા. કૉલેજના અભ્યાસ દરમિયાન એમનાં વાર્તાઓ તથા લેખો, પંજાબી સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં. એમના વાર્તાસંગ્રહો ‘પરિવર્તન’ (1952), ‘વિકાસ’ (1952) તથા નવલકથા ‘જૌહર’ (1952) પ્રગટ થયેલ છે. એમાં ‘જૌહર’ને પંજાબ સરકારનો પુરસ્કાર મળેલો છે. ભારત-પાક વિભાજનની પાર્શ્વભૂમિકામાં એ કથા નિરૂપાઈ છે. 1954માં એમણે ‘ગાંધી’ નાટક લખ્યું, જેમાં ગાંધીજીના જીવનપ્રસંગો લઈને ગાંધીજીનું ગૌરવ રસપ્રદ રીતે ઊપસે એ રીતે નિરૂપણ કર્યું છે. ભજવણી વખતે નાટકનું દિગ્દર્શન પણ એમણે જ કરેલું. એનું હિન્દી રૂપાંતર પણ એમણે કરેલું. તેને હિન્દીભાષી પ્રદેશોમાં પણ સારો એવો આવકાર મળેલો.
ચન્દ્રકાન્ત મહેતા