અહમદ, ફખરુદ્દીન અલી (જ. 13 મે 1905, જુની દિલ્હી; અ. 11 ફેબ્રુઆરી 1977, નવી દિલ્હી) : ભારતના રાષ્ટ્રપતિ (1974-1977). દિલ્હીની સ્ટીફન કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનના બાર-ઍટ-લૉ થઈ આવ્યા હતા. શરૂઆતમાં વકીલાત કર્યા પછી 1931થી કૉંગ્રેસમાં જોડાયા. 1935માં આસામ વિધાનસભાના સભ્ય બન્યા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન તેઓ બે વાર જેલમાં જઈ આવ્યા હતા. 1938-39માં તે સમયના આસામ પ્રાંતના નાણા અને મહેસૂલ મંત્રી બનેલા. સ્વતંત્રતા બાદ આસામમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા (1954થી ’57).
આસામ રાજ્યમાં, નાણાખાતું, કાયદાખાતું વગેરે જુદા જુદા ખાતાના પ્રધાન તરીકે તેમણે કાર્ય કરેલું (1957-66). 1974માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમના રાષ્ટ્રપ્રમુખપદના સમયનો મહત્વનો બનાવ તે 25 જૂન 1975ના રોજ ભારતમાં કટોકટી લાદવામાં આવી તે છે. તેમને રમતગમતમાં ઘણો રસ હતો. ભારતીય ટેનિસ એસોસિયેશનના તેઓ પ્રમુખ હતા.
દેવવ્રત પાઠક