અસ્થિશોથ, સમજ્જા (osteomyelitis) : હાડકાનો તથા તેના પોલાણમાં આવેલી મજ્જાનો ચેપ (infection). તેને અસ્થિ–અસ્થિમજ્જાશોથ પણ કહી શકાય. પરુ કરતા પૂયકારી જીવાણુ(pyogenic bacteria)થી થતા શોથ(inflammation)ને સમજ્જા અસ્થિશોથ કહે છે. ક્ષય અને ઉપદંશ (syphilis) પણ આવો સમજ્જા અસ્થિશોથ કરે છે. સમજ્જા અસ્થિશોથ ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic) પ્રકારનો હોય છે. ઉગ્રશોથ, શિશુઓ (infants) અને બાળકોના વૃદ્ધિ પામતા હાડકાના પરાદંડ(metaphysis)માં લોહી વાટે પ્રવેશેલા પૂયકારી જીવાણુથી થાય છે. ક્યારેક ખૂબ ઝડપથી વિકાસ પામીને આ રોગ મૃત્યુ ઉપજાવે છે. બાળકોમાં સીધી ઈજા, અપૂરતું પોષણ, અશુદ્ધ વાતાવરણ અને ગૂમડું કે કાકડાશોથ (tonsilitis) આ ચેપના મૂળમાં હોય છે. રુધિરલયી ગોલાણુઓ (haemolytic staphyllococci), હીમોફીલસ ઇન્ફ્લુએન્ઝી, ફેફસી ગોલાણુઓ (pneumococci) તથા સાલમોનેલા જેવા જીવાણુઓ આ રોગ કરે છે. હાડકાના અંત:સ્તર(medulla)માં શરૂ થતું પરુ વૉકમનની નળીઓ દ્વારા હાડકાની સપાટી, હાડકાના આવરણરૂપ પરિઅસ્થિકલા (periosteum), આસપાસની પેશી તથા ચામડીમાં ફેલાય છે. પરંતુ હાડકાના વૃદ્ધિકારક ભાગ અને સાંધાઓમાં એ મોટેભાગે ફેલાતું નથી.
પરુ અંદર દબાણ વધારી, લોહીની નસો બંધ કરી દઈ કે પરિઅસ્થિકલાને ઉખાડી મૂકીને હાડકાને મળતું લોહી બંધ કરે છે, જેથી હાડકાના કોષો મરી જાય છે. મરી ગયેલો હાડકાનો ભાગ, મૃતાસ્થિ (sequestrum), રૂઝ આવતી અટકાવે છે. પરિ-અસ્થિકલાની નીચે નવું અસ્થિ (involucrum) બને છે. તે હાડકાના ખાલી પડેલા ભાગનું આવરણ બનાવે છે. પરુને કારણે તાવ, સોજો, દુખાવો, સ્પર્શજન્ય વેદના (tenderness), ઠંડી લાગવી, હૃદયના ધબકારા વધવા વગેરે થાય છે. અંગ(limb)નું હલનચલન ઘટે છે. લોહીમાં શ્વેતકોષોનું પ્રમાણ વધે છે.લોહી અને પરુમાંના જીવાણુઓને ઉછેરીને (culture) તેમને પારખી શકાય છે.
એક્સ-રે ચિત્રણ નિદાનમાં ઉપયોગી છે. જોકે પ્રથમ દસેક દિવસમાં કોઈ પણ વિકૃતિ જણાતી નથી, પરંતુ પછીથી એક્સ-રે ચિત્રણમાં પરાદંડની ઘટ્ટતા ઘટે છે, પરિઅસ્થિકલાનો સોજો દેખાય છે, મૃતાસ્થિ ઘટ્ટ અને આસપાસના હાડકાથી છૂટું દેખાય છે, તથા રૂઝ આવે ત્યારે તંતુકાઠિન્ય (sclerosis) માલૂમ પડે છે અને પરિઅસ્થિકલાની નીચે બનેલું નવું હાડકું દેખાય છે. જીવાણુના પ્રકાર પ્રમાણે ઍન્ટિબાયૉટિક દવાઓ અપાય છે. દર્દીને પથારીમાં સંપૂર્ણ આરામ આપવામાં આવે છે, ઊંચું કરી કર્ષણ(traction)થી ખેંચી રાખવામાં આવે છે, જેથી તેનું હલન-ચલન ઘટે. આનુષંગિક તકલીફરૂપે ક્યારેક પરુ લોહીમાં ફેલાય છે (septicaemia) અથવા પાસેના સાંધામાં ચેપ લગાડે છે (arthritis). ક્યારેક હાડકાની લંબાઈ વધતી અટકે છે. ક્યારેક લાંબા ગાળા સુધી અસ્થિશોથ મટતો નથી, તેને દીર્ઘકાલી (chronic) અસ્થિશોથ કહે છે. જ્યારે હાડકાની અંદરના ભાગમાં કોષનાશ(necrosis)થી પરુ જેવું પ્રવાહી એકઠું થયું હોય અને બહારથી રૂઝપેશી (granulation tissue) તેનું આવરણ બનાવે ત્યારે તેને બ્રૂડીનું ગૂમડું કહે છે. આવા કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા આવશ્યક બને છે.
સુંદરલાલ છાબરા
અનુ. હરિત દેરાસરી