અસ્કામત : વ્યક્તિ દ્વારા અંગત રીતે અથવા સમૂહ દ્વારા સંયુક્ત રીતે જેના પર માલિકીહક પ્રસ્થાપિત કરી શકાય તથા જેનું મૂલ્ય નાણાં દ્વારા આંકી શકાય તેવી કોઈ પણ ભૌતિક કે અભૌતિક, સ્થાવર કે જંગમ, કાયમી કે કામચલાઉ મિલકત. આવી મિલકતના માલિકીહક્કોનું આદાનપ્રદાન કે સ્થાનાંતરણ પણ થઈ શકે છે. ભૌતિક અસ્કામતોમાં દૃશ્ય સ્વરૂપની મિલકતો ઉમેરવામાં આવે છે. દા.ત., જમીન, મકાન, સોના-ચાંદી કે તેનાં ઘરેણાં, વાસણો, રાચરચીલું, યંત્રો, ઓજારો, કાચો માલ વગેરે. તેની સાથે અભૌતિક અસ્કામતોમાં અદૃશ્ય સ્વરૂપની મિલકતોનો સમાવેશ થાય છે. દા.ત., કોઈ કંપની કે વ્યાપારી પેઢીના શેર, ઉત્પાદક કે વ્યાપારીની શાખ, સનદી હક્ક (patent rights), પોતાની વિશિષ્ટ પ્રકારની કૃતિ પર મળતો કાનૂની હક્ક (copyright) વગેરે. આવી કોઈ પણ મિલકત કોઈ એક સમયગાળામાં કોના હસ્તક છે, તે પોતાનાં નાણાં દ્વારા ખરીદવામાં આવી છે કે ઉછીનાં નાણાં દ્વારા જેવી બાબતો અસ્કામતોના માલિકી-હક્કો પ્રસ્થાપિત કરવા માટે કાનૂની રૂએ પ્રસ્તુત ગણાતી નથી.
ભારતના 1957ના સંપત્તિવેરાના કાયદામાં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ જેની માલિકી ધારણ કરી શકાય તેવી દરેક સ્થાવર કે જંગમ મિલકતનો તેમાં સમાવેશ થાય છે.
1948ના કંપની કાયદાની જોગવાઈ મુજબ દરેક કંપનીના વાર્ષિક સરવૈયામાં કંપનીની કુલ અસ્કામતો તથા કુલ દેવાનું સાપેક્ષ વિવરણ અનિવાર્ય રીતે રજૂ કરવાનું હોય છે. કંપનીના કોઈ પણ સમયગાળા દરમિયાન તેની અસ્કામતોના મૂલ્યમાં થતા ફેરફારો તે કંપનીના તે સમયગાળા દરમિયાનના નફા-નુકસાનનો સ્પષ્ટ ચિતાર આપી શકે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે