અષ્ઠીલા : પ્રૉસ્ટેટાઇટિસ. પ્રૉસ્ટેટ ગ્રંથિનો સોજો. પ્રાય: 6૦થી 7૦ વર્ષની ઉંમરના માત્ર પુરુષોને જ થતો મૂત્રગતિસંબંધી રોગ. પુરુષોની મૂત્રેન્દ્રિયના મૂળમાં, પેડુ(બસ્તિ)ના પોલાણમાં મૂત્રાશયની કોથળીની અંદર, મૂત્રનળીની શરૂઆત આગળ, મૂત્રનળીને વીંટળાઈને ‘અષ્ઠીલા’ (પૌરુષ)ગ્રંથિ એક ગાંઠ સમાન રહે છે. આ ગ્રંથિ માત્ર પુરુષોને જ હોય છે. તે ગ્રંથિની મધ્યમાં થઈ મૂત્રનળી પસાર થાય છે. કોઈ પણ કારણસર આ ગ્રંથિમાં સોજો આવી જાય કે તે કદમાં વધી જાય ત્યારે તેની વચ્ચેથી પસાર થતી મૂત્રનળી દબાઈ જવાથી મૂત્ર સરળતાથી બહાર નીકળી શકતું નથી. આ ગ્રંથિની તકલીફથી પેશાબ ખૂબ વેદના સાથે શરૂ થાય છે, શરૂ થવામાં વિલંબ થાય છે કે તે સાવ ટીપે ટીપે ધીમી ધારથી થાય છે. આમ, પેશાબનો નિકાલ થવામાં વિલંબ થાય છે. ઘણી વાર પૂરો નિકાલ થઈ શકતો નહિ હોવાથી મૂત્ર મૂત્રાશયમાં સંચિત થાય છે અને મૂત્રાશય પર ભારે દબાણ પેદા કરે છે, તે સાથે જાંઘના મૂળ તથા મૂત્રેન્દ્રિયની નીચેના ભાગે તીવ્ર પીડા થાય છે. જોર કરવા છતાં ક્યારેક મૂત્રવિસર્જન સરળતાથી ભાગ્યે જ થાય છે. રોગની ગંભીરાવસ્થા દર્દી માટે ક્યારેક પ્રાણઘાતક નીવડે છે. આયુર્વેદની દૃષ્ટિએ આ રોગ વાયુદોષજન્ય હોઈ, તેમાં ચંદ્રપ્રભાવટી, ગોક્ષુરાદિ ગૂગળ, કળથી, દિવેલ, જવ, શીલાજિત, ગોખરુ, ક્ષારપર્પટી જેવી મૂત્રલ દવાઓ ખાસ વપરાય છે. આ દર્દની સમયસર સારવાર ન થાય તો તેમાંથી મૂત્ર-વિષ (uremia) કે વૃક્ક(kidney)ની નિષ્ફળતા જેવાં દર્દો થઈ શકે છે. આ રોગમાં ઘણુંખરું શસ્ત્રક્રિયાનો આશ્રય આવશ્યક બને છે.
બળદેવપ્રસાદ પનારા