અષ્ટમુદી : ભારતના કેરળ રાજ્યમાં આવેલું સરોવર, જે અરબી સમુદ્રને બે સ્થળે મળે છે. આ સરોવર ક્વિલોન જિલ્લામાં ક્વિલોન શહેર પાસે આવેલું છે. આ સરોવરના એક છેડે ક્વિલોન અને બીજે છેડે પેઇમતુરુતુ ટાપુ છે. સરોવર પર 204 મીટર લાંબો પુલ છે, જે 1975ના અરસામાં બનાવવામાં આવ્યો છે. સરોવરનું પાણી આશરે 9 મીટર ઊંડું છે. તેના પર ફેરી બોટ ચાલે છે. નૌકાવિહાર માટેનું તે એક આકર્ષક સ્થળ છે. માછીમારી માટે પણ આ સરોવર જાણીતું છે. મલયાળમ ભાષામાં ‘મુડી’ શબ્દનો અર્થ વીંધીને દાખલ થવું એવો થાય છે. અષ્ટમુદી સરોવરનું પાણી જુદાં જુદાં આઠ સ્થળે જમીન વીંધીને અંદર દાખલ થતું હોવાથી તેને અષ્ટમુદી (અષ્ટમુડી) નામ અપાયું હશે.

અષ્ટમુદી સરોવર

સૌ. "Ashtamudi lake" | CC BY-SA 4.0

મનુષ્યને આઠ (અષ્ટ) પ્રકારનો આનંદ (મુદ) પ્રદાન કરનારી માતા (માતૃકા) કે દેવીને પણ અષ્ટમુદી કહે છે. ઐહિક દૃષ્ટિએ વિચારીએ તો મનુષ્યને ઘણુંખરું આઠ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય છે : આકાંક્ષા, સ્મરણ, શ્રવણ, ચિન્તન, કથન, ઇષ્ટ તત્વનું દર્શન, ક્રીડન, મિલન અને પ્રણય. જે વ્યક્તિ આ આઠ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરે તે અષ્ટમોદી કહેવાય. પરંતુ ઐહિક આનંદનાં આઠ સ્વરૂપો ઉપરાંત સાત્ત્વિક અને આધ્યાત્મિક આનંદની પરિકલ્પના પણ કરી શકાય છે. તે આનંદની સિદ્ધિ જેની કૃપાથી થાય છે તે માતૃકા અષ્ટમુદી. આ સંબોધન પાર્વતી, શક્તિ અને દુર્ગાના સંદર્ભમાં પ્રયોજાય છે. દેવીના સ્વરૂપમાં પાર્વતીનું વર્ણન કરતી વેળાએ ચંદ્રકલાને તેમનું આભૂષણ માનવામાં આવ્યું છે. મુદીનું તાત્પર્ય ચંદ્રનાં શીતલ કિરણો જે માનવમનને આહ્લાદિત કરે છે, સંતપ્ત હૃદયને પરમ શાંતિ પ્રદાન કરે છે; તેવી જ રીતે અષ્ટભુજા દેવીની કરુણાર્દ્ર દૃષ્ટિ આર્ત માનવીના મનને અપૂર્વ શાંતિ બક્ષે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે