અષ્ટગ્રહયુતિ : આઠ ગ્રહોની યુતિ. ખગોળશાસ્ત્રીય પરિભાષા મુજબ જ્યારે કોઈ પણ બે જ્યોતિઓના ભોગાંશ-ક્રાંતિવૃત્ત ઉપરનાં તેમનાં સ્થાનો-રાશિ, અંશ અને કળામાં એકસરખાં થાય ત્યારે તેમની સૂક્ષ્મયુતિ થઈ એમ કહેવાય. તે વખતે તેમનાં ક્રાંતિવૃત્તથી ઉત્તર/દક્ષિણ અંતર – શરાન્તર – પણ જો એકસરખાં થાય તો તેમનું પિધાન (occultation) થાય અથવા તેમની પરિધિ એકબીજાને અડકતી હોય તેવું દેખાય. પરંતુ કોઈ ખગોલીય જ્યોતિઓના ભોગાંશમાં માત્ર રાશિ અને અંશ એકસરખાં હોય તો તેને અંશાત્મક યુતિ થઈ તેમ કહેવાય; ભોગાંશમાં ફક્ત રાશિ જ એકસરખી હોય તો રાશ્યાત્મક યુતિ થઈ ગણાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ-કેતુને પણ ગણતરીમાં લેતાં છ, સાત અથવા આઠ ગ્રહોના ભોગાંશમાં ઉપર મુજબની સમાનતા થાય ત્યારે તેમની યુતિને અનુક્રમે ષડ્ગ્રહ, સપ્તગ્રહ કે અષ્ટગ્રહયુતિને નામે ઓળખવામાં આવે છે.
સૂક્ષ્મ અષ્ટગ્રહયુતિ તો કળિયુગમાં આરંભકાળે, ઈ. સ. પૂ. 3101ની સાલમાં થઈ હતી, ત્યારે આઠ ગ્રહો અશ્વિની નક્ષત્રના આરંભસ્થાને હતા. રાશ્યાત્મક અષ્ટગ્રહયુતિ તાજેતરનાં વર્ષોમાં (5મી ફેબ્રુઆરી, 1962) વિક્રમ સંવત 2018ની પોષ વદ 30(અમાવસ્યા) ને રવિવારે થઈ હતી તે સમયે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં 22, મંગળ 9, શનિ 10, બુધ તથા શુક્ર 24 અને ગુરુ તેમજ કેતુ 25 સ્થાને હતા. ભૂતકાલીન ગ્રહસ્થિતિનું ગણિત તપાસતાં, તેની પહેલાંની રાશ્યાત્મક અષ્ટગ્રહયુતિ વિ. સં. 1186ના ભાદરવા માસમાં થઈ હતી. ત્યારે ગ્રહો કન્યા રાશિમાં હતા. ઈ.સ. 1780થી 1950 દરમિયાન એટલે લગભગ 170 વર્ષોના સમયમાં રાશ્યાત્મક ષડ્ગ્રહયુતિ 16 વખત (આવી બે યુતિઓ વચ્ચેનો સરેરાશ સમયગાળો 10.5 વર્ષનો) અને સપ્તગ્રહયુતિ 5 વખત (સરેરાશ સમયગાળો 28.2 વર્ષનો) થઈ છે.
‘નાભસયોગો’માં એક રાશિમાં સાત ગ્રહો હોય તેને ‘ગોલયોગ’ તરીકે વર્ણવેલો છે. શ્રી ઢુંઢિરાજ આચાર્ય દ્વારા રચિત ‘जातकाभरणम्’ ગ્રંથમાં 32 પ્રકારના ‘નાસભયોગ’માં રાહુ-કેતુ છાયા ગ્રહનો સમાવેશ કરવામાં આવેલો નથી. જે મનુષ્યના જન્મકાળે ‘ગોલયોગ’ હોય છે તે મનુષ્ય વિદ્યા, બળ, ઉદારતા અને સામર્થ્યરહિત અનેક દુઃખોને પ્રાપ્ત, હંમેશાં વિવિધ પ્રવાસમાં જ રહેનાર અને અસત્યપ્રિય હોય છે. ‘ગોલયોગ’માં જન્મનાર વ્યક્તિ અઘટિત કાર્યો કરનાર અને અવિચારી હોય છે.
ઉપરના વર્ણન પ્રમાણે હાલમાં આઠ ગ્રહોમાં રાહુ-કેતુ(છાયાગ્રહ)નો પણ સમાવેશ થાય છે. જે જોતાં જવલ્લે જ બનતી આઠ ગ્રહોની યુતિવાળી જન્મકુંડળીનું ફળકથન કરતી વખતે ગ્રહોની અંશાત્મક સ્થિતિ, અવસ્થા, દશા-મહાદશા તથા ષડ્વર્ગનો પણ વિચાર કરવો અનિવાર્ય બને છે.
આચાર્ય વરાહમિહિરકૃત ‘મયૂરચિત્રક’ નામના જ્યોતિષ ગ્રંથમાં તેનું અશુભ ફળ કહ્યું છે. શ્રીમદ્ અવંતિકાચાર્ય વરાહમિહિરકૃત ‘मयूरचित्रकम्’ જ્યોતિષગ્રંથમાં વ્યક્તિગત ભવિષ્યકથન કરવામાં આવ્યું નથી, પરંતુ ગ્રહો-નક્ષત્રો-ગ્રહયુતિની મેદનીય અસરો, વૃષ્ટિયોગ તથા અન્ન ઉત્પાદન અને અછતની સ્થિતિ દર્શાવવામાં આવી છે. જો સાતગ્રહ એક રાશિમાં સ્થિત હોય તો ‘ગોલયોગ’ બને છે. આ યોગથી નિઃસંદેહ દુષ્કાળ, રાજપીડા અને પ્રજામાં ક્લેશ વર્તાય છે. વરાહમિહિરના ‘બૃહત્સંહિતા’ જેવા કેટલાક પ્રાચીન જ્યોતિષગ્રંથોમાં ગ્રહયુતિઓનું શુભાશુભ ફળ વર્ણવેલું છે. શુભ ગ્રહોની યુતિનું શુભ ફળ અને અશુભ ગ્રહોની યુતિનું અશુભ ફળ હોય છે. શુભ-અશુભ ગ્રહોની અષ્ટગ્રહયુતિનું અશુભ ફળ પણ વર્ણવેલું છે.
ઈન્દ્રવદન વિ. ત્રિવેદી
જયેશકુમાર સુ. રાવલ