અશ્વગંધા : દ્વિદળી આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Withania somifera Dunal. છે. ભોંયરીંગણી, ધતૂરો, તમાકુ અને રાતરાણી તેનાં સહસભ્યો છે. સં. अश्वगंधा;  હિં.  असगंध.

Ashwagandha

અશ્વગંધા

સૌ. "Ashwagandha" | CC BY-SA 2.0

તારાકાર નાની રુંવાટીવાળો બારમાસી અનુક્ષુપ (undershrub). પીલુડી કે કોમળ આકડા જેવાં પાન. પીળાં-લીલાં પંચાવયવી પુષ્પો. દલપુંજ સાથે જોડાયેલાં પુંકેસર. બીજાશય બે. પ્રારંભમાં લીલું પણ પાકતાં રાતું ફળ.

આયુર્વેદ પ્રમાણે પૌષ્ટિક, સપ્તધાતુવર્ધક, કાંતિકર, વય:સ્થાપક, રસાયણ, ગર્ભપ્રદ છે. કૃશતા, અલ્પનિદ્રા, કટિશૂળ, પ્રદર, ક્ષય, શુક્રદોષ, બાળશોષ વગેરેમાં ઉપયોગી છે. તેમાંથી અશ્વગંધાદિ ચૂર્ણ, અશ્વગંધારિષ્ટ, અશ્વગંધા ઘૃત, અશ્વગંધા પાક, અશ્વગંધા ઘનવટી વગેરે પ્રચલિત ઔષધો બને છે.

શોભન વસાણી

સરોજા કોલાપ્પન