અશ્રુમતી (1895) : ઐતિહાસિક વસ્તુવાળું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. શ્રી દેશી નાટક સમાજે ઈ. સ. 1895-96માં ભજવ્યું હતું. લેખકનાં આગલાં નાટકો કરતાં આ નાટકની ભાષા વધારે અસરકારક અને ઔચિત્યપૂર્ણ છે. સંવાદમાં લય અને આરોહઅવરોહ ઉપરાંત ભાવસભરતા છે. જયંતિ દલાલે એ જ નામે તેને ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો – મણકો 3’માં ઈ. સ. 1969માં ગુજરાત નૃત્ય નાટ્ય અકાદમી દ્વારા છપાવી પ્રસિદ્ધ કર્યું છે.
મૂળ કથા મેવાડની છે. પ્રતાપે ચિતોડ છોડ્યું એ જ દિવસે અશ્રુમતીનો જન્મ થયો માટે તેનું નામ અશ્રુમતી પાડ્યું. અશ્રુમતી કમલમેર પર્વત પરના કિલ્લામાં ભિલ્લરાજને ત્યાં ઊછરે છે. અશ્રુમતીને પૃથ્વીરાજ જોડે વરાવવા રાણી સૂચન કરે છે, પરંતુ સલીમ અને અશ્રુમતીનું મિલન થાય છે. માનસિંહ અશ્રુમતીના ભાઈ અમરની આંખો ફોડે છે. અશ્રુમતી છેવટે જોગણ બને છે. અશ્રુમતીના જન્મ પહેલાં રાજખટપટનું ચિત્ર આવે છે. સાથે દરજી-દરજણનું પ્રહસન પણ છે.
આ નાટક મૂળ જ્યોતિરિન્દ્રનાથ ઠાકુરના બંગાળી નાટક ‘અશ્રુમતી’ને આધારે રચાયું છે. નાટ્યકારે વસ્તુ, પ્રસંગરચના, સંવાદ, સંવિધાન અને ભાષામાં ઘણા ફેરફાર કર્યા છે. આંખો ફોડવાના પ્રસંગ ઉપર શેક્સપિયરના ‘કિંગ જૉન’ની અસર છે. શુદ્ધ ગુજરાતી નાટક રૂપે ગુજરાતી રંગભૂમિ ઉપર ગરબા સાથે આ નાટક જ્યારે રજૂ થયું ત્યારે સારો આવકાર પામ્યું હતું. એ જમાનામાં ગુજરાતી રંગભૂમિને જે પ્રકારના નાટકની જરૂર હતી તે પ્રકારનું આ નાટક નહોતું. ઐતિહાસિક પ્રસંગોની રચનામાં ઐતિહાસિક ક્રમ જળવાયો નથી. નાટકના છેડે આવતા યુદ્ધમાં વડનગરના ત્રણ નાયક કલાકારોએ બંને હાથે રંગમંચ પર એવી તો પટાબાજી કરી કે એના પર મુંબઈ ગાંડું થયું હતું. એ પછી ગુજરાતી રંગમંચ પર ઐતિહાસિક નાટકોમાં બેતબાજી અને તલવારબાજીનાં દૃશ્યો રજૂ કરવાની પ્રથા ચાલી હતી.
દિનકર ભોજક