અશ્રુ (1942) : મરાઠી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા વિ. સ. ખાંડેકરની આ કથામાં આસપાસના બાહ્ય વિશ્વમાં પ્રવર્તતાં ‘સત્ય અને દંભ, ત્યાગ અને સ્વાર્થ, માણસાઈ અને રાક્ષસીપણું એ દ્વંદ્વો’ની રમત જોઈને તેનું નિરૂપણ કર્યું છે. આ કથાનું કેન્દ્ર શંકર નામનું પાત્ર છે. શંકરમાં લેખકે મધ્યમ વર્ગના, અને તે પણ નીચલા મધ્યમ વર્ગના એક સામાન્ય માણસનું ચિત્રણ કર્યું છે. શંકર પરંપરાગત ગોરપદના ઘસાતા જતા ધંધાને મૂકી અંગ્રેજી શિક્ષણ લઈ શિક્ષકની નોકરી સ્વીકારે છે. એ દેખીતું છે કે આ પૂર્વેના સાહિત્યમાં નાયક વિશેનો જે ખ્યાલ હતો તેવું શંકરમાં કશું જ નથી. એ સામાન્ય છે અને લેખકના વિચાર પ્રમાણે તે હકીકત જ તેનામાં વાચકને પડનારા અસામાન્ય રસની ચાવી બની શકે. વાર્તામાં શંકર ઉપરાંત તેની પત્ની ઉમા, તેની બહેન સુમિત્રા, તેની અપર મા, તેનો દીકરો ચંદુ, ભાઈ અરવિંદ અને તેની શિષ્યા અપર્ણા એમ વિવિધ પાત્રો ચીતરાયાં છે. આ વર્તુળની બહાર એક પ્રબળ પાત્ર દિગંબરનું છે. દિગંબર અને શંકર પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિનાં પાત્રો છે. જો શંકર સાદો, ભલો ને ચારિત્ર્યશીલ છે તો દિગંબર છાકટો, જુગારી અને એકાકી છે. શંકર અને દિગંબર બે મિત્રો છે. વાર્તાનો એક સ્પર્શી જાય એવો પ્રસંગ આ બેને જોડે છે. શંકરને તેના દીકરા ચંદુ માટે એક ટ્રાઇસિકલ લેવી છે, તે માટે તેને રૂ. 3૦ દિગંબર આપે છે. શંકર માટે તેનું આ દેવું એક અસહ્ય કાંટારૂપ બની રહે છે. આ બધા ઉપરાંત એક પાપાસાહેબ નામનું પાત્ર છે, જે ધનિક અને વગવાળું છે. શંકરને તે નીતિના માર્ગ પરથી ચલિત કરવા ચાહે છે. વાર્તાના અંતે શંકરને સામાન્ય હોવા છતાં આદર્શવાદી અને એથીયે વધુ શ્રદ્ધાવાદી દર્શાવવામાં આવ્યો છે. વાર્તાનું શીર્ષક કથામાં આવતા શંકરના વાક્યમાં સાર્થક થાય છે. એ કહે છે, ‘ભગવાન! તું મારી આંખો ભલે લઈ જાય, પણ આંખોમાંથી વહેતાં મારાં અશ્રુ કોઈ કાળે ઝૂંટવી લઈશ નહિ.’
સ્મિતા મહેતા