અશરફી મહલ : માંડુ(માંડવગઢ)માં સુલતાન મુહંમદ ખલજીએ પંદરમી સદીમાં બંધાવેલો મહેલ. મુહંમદ ખલજીના પિતા હોશંગશાહે (1405-34) માંડુના કિલ્લામાં સુંદર સ્થાપત્યો બંધાવવાની શરૂઆત કરી હતી. માંડુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઇન્દોરથી પશ્ચિમે 99.2 કિમી. દૂર આવેલું ઇતિહાસપ્રસિદ્ધ નગર છે. હોશંગશાહે બંધાવેલ જામી મસ્જિદ સામે અશરફી મહલ નામે રાજમહલ બંધાવેલ છે. અશરફી મહલની ચારેબાજુ મિનારાઓ હતા. અશરફી મહલનો ઘુમ્મટ ખૂબ ઊંચો હતો અને તેને સળંગ સીધી કમાનો હતી અને રંગીન નળિયાંથી તે આચ્છાદિત હતો. એની ચારેય બાજુના મિનારામાં એક હપ્તમંજિલ સાત માળનો હતો અને તે હોશંગશાહના વંશજ સુલતાન મુહંમદ ખલજીએ કુંભારાણા પર મેળવેલ વિજયના સ્મારકરૂપે બંધાવેલો હતો. આજે તેનો એક મજલો જ ઊભો છે. ત્યાંના દિલ્હી દરવાજાની આસપાસના સમૂહમાં હોડી મહલ અને હિંડોલા મહલ પ્રસિદ્ધ છે. હોડી મહલ તલાવ વચ્ચે હોડીઆકારના જલમંદિર જેવો છે.
કૃષ્ણવદન જેટલી