અવતલન (subsidence) : ભૂપૃષ્ઠની નાના કે મોટા પ્રદેશના પેટાળમાં ગરક થઈ જવાની, બેસી જવાની કે દબી જવાની ક્રિયા. આ માટેનાં કારણોમાં મુખ્યત્વે તો ભૂસંચલનક્રિયાને જવાબદાર લેખી શકાય અને એ સંદર્ભમાં જોતાં અવતલનને એક એવા પ્રકારનું ભૂસંચલન ગણાવી શકાય, જેમાં બેસી જતા ભાગની એક પણ બાજુ મુક્ત હોતી નથી. ભૂપૃષ્ઠનો ખડકજથ્થો સીધેસીધો જ નીચે તરફની લંબદિશામાં તૂટી પડે છે, બેસી જાય છે કે સરકી પડે છે. અવતલન થોડાક સેન્ટિમિટરથી ઘણા મીટર સુધીનું હોઈ શકે છે.
અવતલન થવા માટે કુદરતી કે કૃત્રિમ કારણો જવાબદાર હોય છે.
કુદરતી કારણો : (1) ક્યારેક કોઈક વિસ્તારનું ભૂસ્તરીય માળખું એવી ખડકરચનાથી બનેલું હોય કે જેથી અવતલન શક્ય બને – જેમ કે, શેલ અને પિટ (કનિષ્ઠ કોલસો) જેવા નબળા અને પ્લાસ્ટિક ગુણધર્મવાળા તેમજ મોટે ભાગે સમતલ સપાટ સ્તરો ભૂપૃષ્ઠ નીચે ગોઠવાયેલા હોય, તેમના ઉપર આચ્છાદિત ખડકજથ્થો બોજ રૂપે એકધારો દબાણ કરતો રહેતો હોય તો એવા વિસ્તારોનું અવતલન થાય છે.
(2) કેટલાક ખડકો માટે ભૂગર્ભજળ સક્રિય દ્રાવણની ગરજ સારે છે. રાસાયણિક રીતે સુગ્રાહ્ય (susceptible) ન હોય એવા ખડકોનું ભૂગર્ભજળના ઘસારા અને ધોવાણની અસર હેઠળ અંશત: કે પૂર્ણપણે દ્રાવણમાં રૂપાંતર થતાં, ઉપર રહેલા વિસ્તારનું અવતલન થાય છે.
આ જ પ્રમાણે, કેટલીક ખાણોમાં ખનનકાર્યને કારણે તૈયાર થયેલાં પોલાણોની આજુબાજુના ખડકજથ્થાઓની સમતુલા જાળવી રાખવા માટે જરૂરિયાત મુજબ થાંભલાઓ ગોઠવવામાં આવે છે, પરંતુ એવા ખડકોમાં ભેજ કે પાણીને લીધે જો ચીકાશ ઉત્પન્ન થતી જાય તો એવો ખડકજથ્થો પોલાણોમાં સરકી પડે છે અને અવતલન થાય છે. વળી ભૂકંપને ગ્રાહ્ય પ્રદેશોમાં અવારનવાર થતી રહેતી ઓછીવધતી ધ્રુજારી દરમિયાન તાણ-દાબનાં બળો કાર્યશીલ રહેતાં હોવાથી તે તે વિભાગો ખેંચાણ-દબાણની અસર હેઠળ આવતાં અવતલનના સંજોગો માટે અનુકૂળતા ઉત્પન્ન થાય છે. વિશેષત: ર્દઢીભૂત થયા વિનાના ખડકસ્તરોમાં બાંધેલી ઇમારતો કે બાંધકામોની નીચે અવતલન થવાની સંભાવનાઓ વધી જાય છે.
કૃત્રિમ કારણો : (1) આર્થિક મહત્વ ધરાવતાં ઘન કે પ્રવાહી ખનિજ-દ્રવ્યોની ખનનક્રિયાથી કોટરો કે પોલાણો ઉત્પન્ન થતાં રહેતાં હોય છે. કોલસો, તેલ કે ધાતુખનિજના જથ્થા કાઢી લીધા બાદ ઉત્પન્ન થતાં પોલાણોમાં ઉપરના ખડકોનું અવતલન થઈ શકે છે અને એ કારણથી જ ખાણોમાં કે તેલવિસ્તારોમાં અવતલનની ક્રિયા સર્વસામાન્યપણે જોવા મળતી હોય છે. ક્યારેક ભૂગર્ભજળ વધુ પડતા જથ્થામાં કાઢી લેવાથી પણ અવતલન થાય છે. ક્યારેક તો આવા સંજોગો હેઠળ ત્યાંના ભૂપૃષ્ઠનું સંકોચન થતાં અવતલન થાય છે.
(2) રાષ્ટ્રીય ધોરી માર્ગો, રેલમાર્ગો, બોગદાં, બંધ, જળસંચય, મોટા પુલ, જળવહન કરતી કે તેલવહન કરતી મહાનલિકાઓ જેવાં ઇજનેરી કાર્યોમાં નીચેના ખડકો મૃદુ હોય, મૃણ્મય હોય, રેતાળ હોય, પિટના બનેલા હોય, ત્યારે એવા વિસ્તારનું અવતલન થવાની પૂરી શક્યતાઓ રહે છે. આવા વિસ્તારો પર નિક્ષેપક્રિયાને કારણે જો વધુ પડતો બોજ થઈ જાય તોપણ અવતલન થઈ શકે છે. આ ઉપરાંત તેમાં તડો, ફાટ કે ચીરા પડે છે, ક્યારેક તો નીચેનું ભૂગર્ભજળ ઉપર તરફ ધસી આવી પથરાઈ જાય છે, કાયમી કે હંગામી ધોરણે ખેતીલાયક જમીનો, ઇમારતો કે બાંધકામોનો નાશ થાય છે. આથી જ્યાં જ્યાં કૃત્રિમ કારણોથી અવતલન થવાની શક્યતા જણાતી હોય ત્યાં સર્વેક્ષણ કરી શક્ય હોય ત્યાં ખનન–પોલાણોની પુન:પૂરણી કરી દેવી જોઈએ. કુદરતી કારણોની અગાઉથી જાણ થવી શક્ય ન હોઈ તે માટે કોઈ ઉકેલ સૂચવી શકાય નહિ.
ગિરીશભાઈ પંડ્યા