અળિકોડ, સુકુમાર (જ. 14 મે 1926, અળિકોડ, કિન્નોળ, જિ. કેરળ; અ. 24 જાન્યુઆરી 2012 ત્રિશૂર, કેરળ) : મલયાળમ પત્રકાર અને વિદ્વાન વિવેચક. તેમને તેમની કૃતિ ‘તત્વમસિ’ માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને અને 1958માં સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1981માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વળ હતી.
1953થી તેમણે મલયાળમ અને સંસ્કૃતના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરેલી. પાછળથી તેઓ કાલિકટ યુનિવર્સિટીમાં મલયાળમના પ્રાધ્યાપક અને એ જ વિભાગના વડા બન્યા અને પછી કુલપતિપદે પહોંચ્યા હતા. તેઓ કાલિકટ યુનિવર્સિટીના રિસર્ચ જરનલ ‘મલયાળ વિમર્શમ્’નું સંપાદનકાર્ય સંભાળતા હતા. તેમણે અનેક ગ્રંથો લખ્યા છે અને સંખ્યાબંધ વિદ્વત્તાપૂર્ણ સામયિકો માટે નિયમિતપણે લેખનકાર્ય કરતા હતા. તેમની કૃતિ ‘મલયાળ સાહિત્ય વિમર્શનમ્’(1981)ને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો અને અનેક માન-સન્માનો મેળવ્યાં હતા. જેમાં લિટરરી ક્રારિટીસિઝમ માટે કેરળ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ (1984), વાયલાર ઍવૉર્ડ (1989), એઝુતચ્છન પુરસ્કાર (2004), વલ્લાથોળ ઍવૉર્ડ (2007) તેમજ પદ્મશ્રી ઍવોર્ડ (2007) જાહેર થયો હતો જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે.
પુરસ્કૃત કૃતિ ‘તત્વમસિ’ ઉપનિષદોનો અભ્યાસગ્રંથ છે. તેનો વ્યાપક પરિપ્રેક્ષ્ય, તેમાં જોવા મળતી વિશ્લેષણાત્મક સ્પષ્ટતા અને પારદર્શકતા તથા ગહન દાર્શનિક સૂઝને લીધે સમકાલીન સાહિત્યમાં તે ગણનાપાત્ર છે.
બળદેવભાઈ કનીજિયા