અળવી : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ (olocasia esculenta (Linn.) Schott. syn C. antiquorum Schott. (સં. कचु; બં. આશુકચુ, કચુ, ગુરી; મ. અળુ, અળવી; ગુ. અળવી; અં. Elephant’s ear.) છે. સૂરપણખા, કૅલેડિયમ, સાપનો કંદ, જળશંખલાં, સૂરણ અને અડુની વેલ તેના સહસભ્યો છે. ગુજરાતમાં તેનાં પાન પાતરાં કે પતરવેલિયાં તરીકે જાણીતાં છે.
તેનું મૂળ વતન ફિજી અથવા હવાઈ ગણાય છે, પણ ઉષ્ણકટિબંધમાં સર્વત્ર માલૂમ પડે છે. ભારતમાં 2,5૦૦ મીટર સુધીની ઊંચાઈ સુધી જોવા મળે છે. તે સર્વત્ર વવાય છે. તેનો કંદ જમીનમાં રહે છે અને તેના ઉપરથી પાન નીકળે છે. પાન ઘેરાં લીલાં અથવા આછાં પીળાં લીલાં, હૃદયાકાર અને નીચે બાણાકાર, ૦.9 મીટર વ્યાસ સુધીનાં થાય છે. તેનો પુષ્પવિન્યાસ, માંસલ સૂકી (spike) મોટી નિપત્ર(bract)થી ઢંકાયેલો રહે છે. ફલિકા (fruitlet) બેરી પ્રકારની, રસદાર અને રાતા-પીળા રંગની. પાનની દાંડી વચમાં ચોંટેલી હોવાથી પાન છત્રાકાર (peltate) હોય છે. પુષ્પો ત્રણ પ્રકારનાં : ઉપર નર, વચમાં વંધ્ય અને નીચે માદા.
અળવીનો પાક ઉનાળા તથા ચોમાસામાં થાય છે. ઉનાળુ પાક માટે વાવણી ફેબ્રુઆરી-માર્ચમાં અને ચોમાસુ માટે જૂન-જુલાઈમાં કરાય છે. છોડની બે હાર વચ્ચે 45 સેમી. અને બે છોડ વચ્ચે ૩૦ સેમી. અંતર રહે તેમ અળવીની ફણગાવેલી ગાંઠો વવાય છે. એક હેક્ટરે ૩૫થી 4૦ હજાર ગાંઠો વવાય છે અને 4૦,૦૦૦ કિગ્રા. સેન્દ્રિય ખાતર તથા 6૦ કિગ્રા. નાઇટ્રોજન અપાય છે. આ પાકને શક્ય તેટલું વધુ પાણી અપાય છે. પાંદડાં દર ચોથે દિવસે કાપી શકાય છે અને એક હેક્ટરે પાંદડાંનો ઉતાર 2૦,૦૦૦થી ૩૦,૦૦૦ કિગ્રા. થાય છે. બહુ જ વરસાદને કારણે અળવીનાં પાનને ફાયટોફ્થોરા કોલોકેશી નામનો રોગ થાય છે. બોર્ડો મિશ્રણ આ રોગની સામે વપરાય છે.
અળવીનાં કંદ બાફીને બટાટાની જેમ શાક તરીકે અને પાંદડાં ભાજી તરીકે કે પાતરાં બનાવીને ખવાય છે. તેના પાનમાં કૅલ્શિયમ ઑક્ઝેલેટના સોયાકાર સ્ફટિકો વિપુલ પ્રમાણમાં દેખાય છે. પાનનો રસ કોઈ વાર ખૂજલી ઉત્પન્ન કરે છે.
આયુર્વેદ પ્રમાણે અળવી શીતક, અગ્નિદીપક, મૂત્રલ અને બળપ્રદ ગણાય છે.
સરોજા કોલાપ્પન