અલ્-હસન (જ. 1 જુલાઈ 965, બસરા, ઇરાક; અ. 6 માર્ચ 1040, કેરો, ઇજિપ્ત) : આરબ ભૌતિકશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ-અલી-અલ્-હસન ઇબ્ન અલ્-હેયતામ (યા હૈશમ). એની પાછલી જિંદગી કેરો(કાહિરા, મિસર)માં વીતી હતી.
અલ્-હસન અને મિસરના તત્કાલીન ખલીફા અલ્-હકીમ અંગે બે વિરોધાભાસી કિંવદંતીઓ પ્રચલિત છે. નાઈલ નદીનાં વિનાશકારી પૂરને ખાળી શકે તેવી તરકીબ તેની પાસે છે, એવી અલ્-હસનની જાહેરાતથી આકર્ષાઈને મિસરના આ ખલીફાએ તેને એ કામગીરી સોંપી. એ જમાનામાં આવું ઇજનેરી કૌશલ શક્ય ન હોઈ અલ્-હસન આ કામગીરી બજાવી શક્યો નહિ; પરિણામે જુલમી અને કંઈક અંશે પાગલ એવા ખલીફાએ તેને મૃત્યુદંડની સજા ફટકારી. લોકવાયકા એવી છે કે જીવ બચાવવા અલ્-હસનને ખલીફાના મૃત્યુ પર્યંત પોતે પાગલ હોવાનું નાટક કરવું પડ્યું. તો વળી બીજી અનુશ્રુતિ આથી તદ્દન વિપરીત છે. એ મુજબ આવી કામગીરી કરવા પોતે અસમર્થ છે, એવું કબૂલી દઈ ખલીફાની માફી માગી લેતાં ખલીફાએ તેને પોતાના દરબારમાં ઉચ્ચ પદે સ્થાપ્યો. ખલીફા અલ્-હકીમનું મૃત્યુ ઈ. સ. 1021માં થતાં રાજ્યાશ્રય છોડી (યા સ્વેચ્છાએ સ્વીકારેલું પાગલપણું છોડી) એ કાહિરામાં જ આવેલી અલ્-અજહર મસ્જિદમાં રહેવા લાગ્યો. જીવનનિર્વાહ માટે વિદ્યાર્થીઓને એ ભણાવતો. કહેવાય છે કે અહીં રહીને જ એણે યૂક્લિડની ભૂમિતિ અને ક્લૉડિયસ ટૉલેમીના ‘સિન્ટેક્સિસ’ જેવા ગ્રંથોનો અરબીમાં ‘અલ્-મજિસ્તી’ નામે ઉતારો કર્યો, જે પાછળથી ‘અલ્-માજેસ્ટ’ તરીકે મશહૂર બન્યો.
પ્રકાશશાસ્ત્ર (optics) એ અલ્-હસનનો પ્રિય વિષય હતો. એની પહેલાં થઈ ગયેલા હીરો અને ટૉલેમી જેવા ગ્રીક વિદ્વાનો એવું માનતા હતા કે મનુષ્યની આંખમાંથી નીકળીને પ્રકાશ વસ્તુ ઉપર પડે છે અને ત્યાંથી પરાવર્તન પામીને પાછો આવે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. અલ્-હસને આંખ અને પ્રકાશ વચ્ચેના સંબંધનો ઊંડો અભ્યાસ કર્યો અને આ વાતનું ખંડન કર્યું. એણે કહ્યું કે સૂર્ય યા એવા કોઈ પણ પ્રકાશ ઉત્સર્જિત કરતા સ્રોતમાંથી નીકળતો પ્રકાશ વસ્તુ ઉપર પડતાં, ત્યાંથી પરાવર્તિત થઈ આંખમાં આવે ત્યારે તે વસ્તુ દેખાય છે. એણે દૃગકાચો (lenses) અને અરીસાઓ(mirrors)નો ઊંડો અભ્યાસ કર્યો. દૃગકાચમાંથી પસાર થતાં પ્રકાશનાં કિરણો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થઈ શકવાનું કારણ આપતાં એણે લખ્યું છે કે આ માટે દૃગકાચનો વળાંક એટલે કે વક્રતા (curvature) જવાબદાર છે. વળી એણે દૃગકાચ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન (refraction) માપ્યું, તો અરીસા દ્વારા થતું પરાવર્તન (reflection) પણ સમજાયું. ગોલીય (spherical) અને પરવલયિક (parabolic) દર્પણો તૈયાર કરીને એણે ભૂમિતીય પ્રકાશિકી(geometrical optics)નો પાયો નાખ્યો. કહેવાય છે કે અલ્-હસનની આવી પાયાની શોધોને કારણે જ પાછળથી યુરોપમાં ચશ્માં બનવા લાગ્યાં અને આગળ જતાં, કદાચ સંભવ છે કે, દૂરબીન પણ બન્યું.
જ્યારે પ્રકાશનાં કિરણોને કોઈ બારીક છિદ્રમાંથી પસાર થવા દેવામાં આવે છે ત્યારે તે દૃશ્યને ઊલટા રૂપમાં પ્રતિબિંબિત કરે છે. આનું કારણ એ છે કે પ્રકાશનાં કિરણો કોઈ પણ એક માધ્યમમાં માત્ર સીધી રેખામાં જ મુસાફરી કરતાં હોય છે. એક ખોખામાં આવું છિદ્ર પાડીને એણે આ અંગેના પ્રયોગો કર્યા. આવા ઉપકરણને આજે લેન્સ વગરનો કૅમેરા યા પિનહોલ કૅમેરા (સૂચિ-છિદ્ર કૅમેરા) કે પછી કૅમેરા ઑબ્સક્યૂરા કહેવામાં આવે છે. દુનિયાનો આવો પહેલવહેલો કૅમેરા અલ્-હસને જ બનાવ્યો. એના મૃત્યુ પછી 506 વર્ષે એટલે ઈ.સ. 1544માં 25મી જાન્યુઆરીના રોજ થયેલા સૂર્યગ્રહણને નિહાળવા માટે એક ડચ વૈજ્ઞાનિકે આ કૅમેરાનો ઉપયોગ કર્યો હોવાનું નોંધાયું છે. એ પછી યોહાન્નીસ કૅપ્લરે (1571-1630) એમાં સુધારા કરીને બહિર્ગોળ (convex) અને અંતર્ગોળ (concave) દૃગકાચોનો ઉપયોગ કરવાનું સૂચવ્યું હતું. (આવું ઊલટું પ્રતિબિંબ ઘસેલા કે દૂધિયા કાચ ઉપર યા ટિશ્યૂપેપર જેવા પારદર્શક સૂક્ષ્મ કાગળ ઉપર કે પછી ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઝીલી શકાય. પિનહોલ કૅમેરાનો સિદ્ધાંત આજે પણ સૂર્યગ્રહણને નિહાળવા માટે ઉપયોગમાં લેવાય છે. એક પૂંઠામાં 25 પૈસાના સિક્કા જેટલું કાણું પાડી એમાંથી મળતું પ્રતિબિંબ મેળવીને સૂર્યગ્રહણને કોઈ જાતના જોખમ વિના નિહાળી શકાય છે.
એણે મેઘધનુષનો પણ વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો અને કહ્યું કે પૃથ્વીથી આશરે 15 કિમી. જેટલી ઊંચાઈએ આવેલા વાતાવરણ(atmosphere)માં તે થાય છે. એણે સૂર્યોદયની આભાનો અભ્યાસ કરીને વાતાવરણની ઊંડાઈ માપવાના પ્રયત્નો કર્યા તો ક્ષિતિજની નીચે સૂર્ય 19 અંશ સુધી પહોંચે ત્યાં સુધી એની આભા રહેતી હોવાનું એણે લખ્યું છે (હાલ તે 18 અંશ હોવાનું મનાય છે). આ ઉપરાંત અલ્-હસને પૃથ્વીનો પરિઘ માપી તે 41,834 કિમી. ઠરાવ્યો. ધાતુઓની વિશિષ્ટ ઘનતા દર્શાવતા કોઠાઓ પણ તેણે બનાવ્યા છે.
એણે ઘણા વૈજ્ઞાનિક ગ્રંથો લખ્યા હોય તેમ લાગે છે, પણ એમાંથી બહુ થોડા જ આજે તો ઉપલબ્ધ છે. આવો એક ગ્રંથ છે ‘Optical Thesaurus’, અર્થાત્ પ્રકાશનો ભંડાર; જે ઈ. સ. 1572માં લૅટિનમાં પ્રસિદ્ધ થયો છે. તેરમી સદીમાં એ મૂળ અરબીમાંથી અનુવાદ પામ્યો હશે. આ ગ્રંથમાં અલ-હસને આંખની રચના અને કાર્યપદ્ધતિ સમજાવતી આકૃતિ આપી છે, જે ઘણી જ યથાર્થ અને વૈજ્ઞાનિક છે. કાંઈક આવી જ આકૃતિ રૉજર બેકન (1220-1292) નામના અંગ્રેજ વિદ્વાને ઈ. સ. 1268માં પ્રસિદ્ધ થયેલા પોતાના પુસ્તકમાં આપી છે.
અલ્-હસનનાં પ્રકાશશાસ્ત્રનાં અને ખાસ તો વક્રીભવન અંગેનાં સંશોધનો આશરે છ સદી પછી પણ, કેપ્લરને ખૂબ ખપ લાગ્યાં હતાં. એક રીતે કહીએ તો ‘અલ્ મનાજિર’ ગ્રંથના આ રચયિતાએ પ્રકાશશાસ્ત્રનો પાયો નાખ્યો, અને એથી જ વિજ્ઞાનના એક ઇતિહાસકાર, અલ્-હસનને સર્વોત્તમ ઇસ્લામી ભૌતિકશાસ્ત્રી અને જગતના એક શ્રેષ્ઠ પ્રકાશવિદ તરીકે ઓળખાવે છે.
સુશ્રુત પટેલ