અલ્-બત્તાની (જ. આશરે 858, હરાન, તુર્કી; અ. 929, સમરા, ઇરાક) : આરબ ખગોળશાસ્ત્રી–ગણિતશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ અબ્દ અલ્લાહ મોહંમદ ઇબ્ન જબીર ઇબ્ન સિનાન અલ-બત્તાની અલ-હરર્રાની અસસબિ. એને લૅટિનમાં ‘અલબતેનિયસ’ (Albatenius) તરીકે ઓળખવામાં આવે છે.
એવું મનાય છે કે ઈ. સ. 858માં ઉર્ફા પાસે આવેલ હરાન ખાતે અથવા તો એની પાસે આવેલ કોઈક સ્થળે તેનો જન્મ થયો હશે. આ સ્થળ આજના તુર્કીમાં આવેલું છે.
આરબ વિદ્વાનોએ ખાલ્ડિયા, ઇજિપ્ત, ગ્રીસ તેમજ ભારતની ગાણિતિક તેમજ ખગોળશાસ્ત્રીય વિદ્યાઓને ટકાવી રાખી; એટલું જ નહિ, પણ ક્યાંક એને પરિશુદ્ધ કરીને આગળ પણ વધારી. આ માટે આરબોએ બગદાદ ઉપરાંત અન્ય સ્થળોએ પણ વેધશાળાઓ બાંધી હતી. અલ-બત્તાની એના જમાનાનો મોટો વેધકાર અને ખગોળશાસ્ત્રી હતો. એની વેધશાળા અલ-રક્ (al-Raqqua) ખાતે આવેલી હતી. આ સ્થળ હાલના સિરિયામાં આવેલું છે. ત્યાંની યુફ્રેટિસ નદીને ઉત્તર કિનારે આવેલાં એલેપ્પોથી પૂર્વ તરફ આશરે 160 કિમી. (100 માઈલ) દૂર આવેલી તેની વેધશાળા ઈ. સ. 877થી શરૂ થઈ હોવાનું મનાય છે. ઘણાં વર્ષો સુધી અલ-બત્તાનીએ અહીંથી ખગોળીય વેધો લીધેલા.
એના પિતા એક અચ્છા કારીગર હતા અને એમણે ખગોળમાં ઉપયોગી એવાં કેટલાંક ઉપકરણો બનાવ્યાં હતાં. અલ-બત્તાનીએ પણ પિતાનો વારસો જાળવી રાખીને ગ્રીકોએ બનાવેલાં ઉપકરણો કરતાં વધુ સારાં ઉપકરણો બનાવ્યાં હતાં. સંભવ છે કે આમાં એના પિતાનું માર્ગદર્શન પણ મળ્યું હોય. આ સાધનોમાં મુખ્ય છે છાયાયંત્ર (sundial). એક નવા પ્રકારનું વલયામ ગોલીય (armillary sphere), દીવાલ ઉપર ટીંગાવી શકાય એવું મોટું વૃત્તપાદ (quadrant) અને ‘મ્યુરાલ ક્વૉડ્રન્ટ’ જેવાં યંત્રો પણ બનાવ્યાં. વૃત્તપાદની જેમ કામ કરતું એક નવા પ્રકારનું ઉન્નતાંશ-માપક (triquetrum) પણ એણે બનાવેલું. આ બધાં ઉપકરણો વડે એણે લીધેલા વેધો તો એટલા સૂક્ષ્મ હતા કે પાછળથી યુરોપના પંદરમીથી માંડીને સત્તરમી સદી સુધીના ગાળામાં ઝળકેલા કૉપરનિક્સ, ટાયકો બ્રાહે, કૅપ્લર, ગેલિલિયો વગેરે જેવા ખગોળશાસ્ત્રીઓને બહુ ઉપયોગી થઈ પડેલા.
ટૉલેમી પછી ગ્રીક ખગોળશાસ્ત્રની પ્રગતિ અટકી ગઈ હોય એમ લાગે છે. એણે લખેલું ‘સિન્ટેક્સિસ’ (અલમાજેસ્ટ) આશરે દોઢ હજાર વર્ષ સુધી હતું તેમ ટકી રહ્યું. એમાં કોઈ ખાસ સુધારા થયા નથી. માત્ર અલગ અલગ ભાષાંતરો થયાં છે. અલ-બત્તાની સહિત અન્ય આરબ પંડિતોએ જોયું કે ટૉલેમીનાં કોષ્ટકો અને વેધસિદ્ધ ગ્રહસ્થિતિઓમાં ફરક જણાતો હતો. તેથી નવા વેધો લેવા જરૂરી હતા. આ કામ અલ-બત્તાનીએ ઉપાડ્યું. એ સર્વવિદિત છે ક સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો સંપૂર્ણ ગોળ નહિ, પણ સહેજ લંબગોળ આકારની કક્ષા બનાવીને પરિભ્રમણ કરે છે અને સૂર્ય એના મધ્યબિંદુથી સહેજ ખસેલો રહે છે. પૃથ્વીની આવી કક્ષીય ઉત્કેન્દ્રતા યા કક્ષીય કેન્દ્રચ્યુતિ(orbital eccentricity)ને કારણે વર્ષ દરમિયાન પૃથ્વી-સૂર્યનું અંતર સતત બદલાતું રહે છે. આને પરિણામે સૂર્યના દૃષ્ટ (પ્રત્યક્ષ) વ્યાસ(apparant diameter)માં અંતરને અનુરૂપ વધ-ઘટ થતી જોવા મળે છે. આવી વધ-ઘટની અલ-બત્તાનીએ ખૂબ ઝીણવટપૂર્વક કરેલી નોંધો જોવા મળે છે. તે પરથી સમજાય છે કે તે કેવો ઉત્તમ વેધકાર હતો. આ અભ્યાસ પરથી એણે વર્ષમાં જે બિંદુએ (અથવા વર્ષના કયા ચોક્કસ સમયે) સૂર્યનો દૃષ્ટ વ્યાસ નાનામાં નાનો થઈ જાય છે (અર્થાત્, પૃથ્વી-સૂર્ય વચ્ચેનું અંતર વધુમાં વધુ થઈ જાય છે) તે શોધી કાઢ્યું. આ બિંદુ આજે સૂર્યોચ્ચ બિંદુ (aphelion) તરીકે ઓળખાય છે. એણે શોધી કાઢ્યું કે ટૉલેમીએ દર્શાવેલ બિંદુ કરતાં તે ખસેલું હતું એટલે કે ટૉલેમીએ પ્રમાણેલા સૂર્યના દૃષ્ટ વ્યાસનું બિંદુ વર્ષો પછી બદલાયું હતું. આધુનિક ખગોળશાસ્ત્ર આ વાતને અનુમોદન આપે છે. આમ એણે સૂર્યોચ્ચ બિંદુ બદલવાના પરિણામે સૂર્યનાં કંકણ-ગ્રહણો (annular eclipses) થયા કરે છે તે સાબિત કર્યું. આ ઉપરાંત એણે ચંદ્ર અને ગ્રહોની ગતિવિધિઓનાં વેધો લઈ એમનાં સ્થાનનિર્દેશ કરતાં કોષ્ટકો બનાવ્યાં, જે ટૉલેમીએ લીધેલા વેધો કરતાં વધુ ચોક્કસ છે. તેવી જ રીતે, એ સમયે ઉપલબ્ધ ખગોળીય કોષ્ટકો પણ એણે સુધારીને ‘કિતાબ અલ-ઝીચ’ (Kitab al-Zij) નામનું ખગોળીય કોષ્ટકોનું પુસ્તક લખેલું. (અરબીમાં ‘ઝીચ’ – Zij – નો અર્થ ‘ખગોળીય કોષ્ટકો’ એવો થાય છે.)
એણે પોતાનાં ઉપકરણોથી વર્ષ અને ઋતુઓની લંબાઈ બહુ ચોકસાઈપૂર્વક માપી છે. આ બધી ગણતરીઓ પાછળથી સાતેક સદીઓ બાદ જુલિયન કૅલેન્ડરમાં ગ્રેગોરિયન (Gregorean) સુધારા કરતી વખતે બહુ ઉપયોગી થઈ પડેલી. આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત (યા રવિમાર્ગ) વચ્ચેનો ખૂણો એટલે તિર્યક્ત્વ. અલ-બત્તાનીએ ક્રાંતિવૃત્તનું તિર્યક્ત્વ (obliquity of ecliptic) બહુ ચોકસાઈપૂર્વક માપ્યું છે. એટલે કે પૃથ્વીના પરિભ્રમણ-અક્ષ અને એના ભ્રમણતલ વચ્ચેનો કોણ બહુ ચોકસાઈપૂર્વક માપેલો જોઈ શકાય છે. અયનોની અને સંપાતોની, ક્રાંતિવૃત્ત પર પશ્ચિમ તરફની ગતિ કે પછી અયનાંશ પરનો વધારો એટલે અયનગતિ (precession of equinoxes). તેણે વસંતસંપાતનું ચોક્કસ સ્થાન (position of the equinoxes) શોધી કાઢીને વાર્ષિક અયનગતિ નવેસરથી શોધી હતી.
અલ-બત્તાનીએ ખગોળશાસ્ત્રમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો. ગ્રીક લોકોની જીવા (chord) તજી દઈને એટલે કે ભૂમિતિનો ત્યાગ કરીને, આર્યભટ્ટ જેવા ભારતીય પંડિતે શોધેલી જીવાર્ધ (half chord) એટલે કે ત્રિકોણમિતિને અપનાવી. આર્યભટ્ટે શોધેલી જ્યા (sine) કે અર્ધજીવા તેમજ કોજ્યા (cosine) એણે અપનાવી હતી. આમ છતાં સ્પર્શજ્યા (tangents) વગેરે જેવા ગુણોત્તરો (ratio) એણે વાપર્યા નથી અને ક્યાંક વાપર્યા છે તો ગૂંચવાડો ઊભો કર્યો છે; તેમ છતાંય એણે સૂચવેલી પદ્ધતિ સરળ હોઈ પાછળથી પંદરમી સદીમાં રીજિયૉમૉન્ટેનસ (Regiomontaneus. એનું ખરું નામ હતું : Johann Miiler; 1436-1476) જેવા જર્મન ખગોળશાસ્ત્રીએ અપનાવેલી જોઈ શકાય છે.
ભારતીય બ્રહ્મગુપ્તરચિત ‘બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત’ (સિદ્ધાંતગ્રંથ) અને ‘ખંડખાદ્યક’ ગ્રંથોનો અનુવાદ આશરે ઈ. સ. 773માં ખલીફ અલ-મનસુરે અરબીમાં અનુક્રમે ‘અલ સિંદહિંદ’ (સિંદહિંદ) અને ‘અલ-અર્કંદ’ નામે કરાવેલો. અરબીનાં આ જૂનાં ભાષાંતરો અલ-બત્તાનીને સંતોષજનક ન લાગતાં, તેણે જાતે જ એમનાં ફરીથી ભાષાંતર કર્યાં. એમાંનું એક તે ‘ઝીચ અલ સિંદહિંદ.’ અલ-બત્તાનીના ગ્રંથોની માંગ એમાંનાં ખગોળીય કોષ્ટકોને કારણે યુરોપમાં સારી એવી હતી. આવો એક ગ્રંથ ઈ. સ. 1116માં પહેલાં લૅટિનમાં અને ત્યારબાદ તેરમી સદીમાં સ્પૅનિશમાં અનુવાદ પામેલો જોઈ શકાય છે. ‘De motu stellarum’ (અર્થાત્ ‘On Stellar Motion’) નામના એના એક ગ્રંથનું પ્રકાશનવર્ષ ઈ. સ. 1537 છે. મંગળ ઉપર નહેરો હોવાની ચર્ચામાં ફસાયેલા ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગિયોવાની શિયાપરેલીએ (1835-1910) પાછલી ઉંમરે નિવૃત્તિ પછી ખગોળના પ્રાચીન ઇતિહાસમાં ખૂબ રસ લેવા માંડેલો. એણે પણ અલ-બત્તાનીના ગ્રંથનો લૅટિનમાં ‘Opus Astronomicum’ નામે અનુવાદ કર્યો છે; એટલું જ નહિ, પણ ઘણાં પ્રકરણોમાં પોતાનાં ટીકા-ટિપ્પણ પણ મૂક્યાં છે. આ બધું બતાવે છે કે અન્ય પ્રાચીન આરબ ખગોળશાસ્ત્રીઓની સરખામણીમાં મધ્યયુગ ગાળાના યુરોપના વૈજ્ઞાનિકોમાં અલ-બત્તાની સહુથી વધુ જાણીતો હતો; એટલું જ નહિ, પણ એનાં નિરીક્ષણો-કોષ્ટકોની ઘણી જ માંગ રહેતી હતી. એણે કરેલાં ચંદ્રગ્રહણોનાં નિરીક્ષણો એટલાં તો પરિશુદ્ધ (accurate) છે કે એ બધાંના સંદર્ભો છેક અઢારમી સદીમાં થઈ ગયેલા ડનથોર્ન (Dunthorne) નામના ખગોળશાસ્ત્રીએ પણ વારંવાર આપેલા છે.
સુશ્રુત પટેલ