અલ્ અઅ્શા (જ. 570 પહેલા, મન્ફુઆ, યમામા, અરબસ્તાન; અ. 625) : અરબી કવિ. મૂળ નામ મૈમૂન બિન કૈસ. અટક કુનિય્યત અબૂ બસીર. ઇલકાબ ‘અલ્ અઅ્શા’. વતન નજદનો ઉચ્ચપ્રદેશ. તે એક ધંધાદારી ભાટ પ્રકારનો કવિ હતો. અરબસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી હાથમાં વીણા લઈ ફરે અને પૈસા આપનારનાં ગુણગાન ગાય. કટાક્ષકાર અને વ્યંગચિત્રકાર તરીકે પણ તેની ખ્યાતિ ફેલાઈ હતી. વર્ણનશક્તિમાં અજોડ ગણાતા આ કવિને પ્રાચીન અરબ કવિઓમાં ચોથું સ્થાન મળેલું છે.
અઅ્શાએ હૈરાના રાજા અલ અસ્વદની પ્રશંસામાં સુંદર કસીદાઓની રચના કરી છે. ઈરાની સમ્રાટ નૌશીરવાન(ઈ. સ. 5315-79)ના દરબારમાં જઈ તેની પ્રશંસામાં કસીદા કાવ્યનું વાચન કરી તેમણે ભેટ-સોગાદ મેળવેલી. હઝરત મુહમ્મદસાહેબ(ઈ. સ. 5706-32)ની પ્રશંસામાં એક કસીદાકાવ્ય લઈને તે મદીના જતો હતો, પરંતુ મક્કાના સરદાર અબૂ સુફૈયાએ તેને સો ઊંટ આપી પાછો વાળી દીધેલો. તે લાંબું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યો હતો.
અઅ્શાની કવિતા સંગીતમય હોવાથી તેને ‘અરબની ઝાંઝ’ કહેવામાં આવે છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ