અલ્ગોન્ક્વિન રેડિયો ઑબ્ઝર્વેટરી : કૅનેડાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલ-સંચાલિત ઑન્ટારિયોના અલ્ગોન્ક્વિન પાર્ક ખાતે આવેલી રેડિયો-વેધશાળા. એના રેડિયો-ટેલિસ્કોપનો વ્યાસ 46 મીટર (150 ફૂટ) છે અને તે 3 સેમી. સુધીની તરંગ-લંબાઈ ઉપર કામ કરી શકે છે. કૅનેડાનું આ મોટામાં મોટું રેડિયો-ટેલિસ્કોપ છે.
પ્રકાશનાં મોજાંની સરખામણીમાં રેડિયો-મોજાંની તરંગ-લંબાઈ વધુ લાંબી હોવાથી રેડિયો-ટેલિસ્કોપની વિભેદન-ક્ષમતા (resolving power) પ્રકાશકીય દૂરબીન કરતાં હમેશાં ઊતરતી હોય છે. એની વિભેદન-ક્ષમતા વધારવા માટે કેટલાક ઉપાયો અજમાવાય છે. આવો એક ઉપાય તે રેડિયો-ટેલિસ્કોપની ‘ડિશ’(ઍન્ટેના)નું કદ વધારવાનો છે. બીજો રસ્તો એકથી વધુ ‘ડિશ’ને જોડવાનો છે; પણ કૅનેડાની આ વેધશાળાના વૈજ્ઞાનિકોએ 1967માં આ માટે એક નવી જ પદ્ધતિ વિકસાવી, જેને પરિણામે આ વેધશાળાના રેડિયો-ટેલિસ્કોપની વિભેદન-ક્ષમતા 0.001 ચાપ-વિકલા (arc-second) જેટલી સાધી શકાઈ. આ પદ્ધતિ હવે અન્ય દેશોમાં પણ વ્યાપકપણે પ્રયોજાવા લાગી છે. આ પદ્ધતિ ‘વેરી લૉન્ગ બેઝ લાઇન ઇન્ટરફેરોમેટ્રી’ (VLBI) કહેવાય છે.
આ પદ્ધતિમાં એકમેકથી અત્યંત દૂર આવેલા બે કે બેથી વધુ રેડિયો-ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે; જેમ કે, કૅનેડાનું આ રેડિયો-ટેલિસ્કોપ કૅનેડાના છેક પશ્ચિમ કાંઠે આવેલા બ્રિટિશ કોલંબિયામાં પેન્ટિક્ટોન ખાતેની વેધશાળાના એક બીજા રેડિયો-ટેલિસ્કોપ સાથે મળીને નિરીક્ષણો કરે છે. તેવી જ રીતે, એનું અનુસંધાન છેક ઑસ્ટ્રેલિયામાં આવેલી સાઉથ વેલ્સ ખાતેની પાર્કિસ વેધશાળા સાથે પણ થયેલું છે. આમ તો, આ ત્રણેય સ્થળનાં રેડિયો-ટેલિસ્કોપ એકમેકથી સ્વતંત્રપણે કામગીરી બજાવે છે. એટલે કે એ બધાં વચ્ચે ‘કેબલ’ દ્વારા કોઈ દેખીતું જોડાણ નથી, પણ એ બધા કોઈ એક જ નિર્ધારિત સમયે, અંતરીક્ષસ્થિત કોઈ એક જ રેડિયો-સ્રોતમાંથી આવતા રેડિયો-તરંગોને ઝીલીને એને ચુંબકીય ટેપ ઉપર અંકિત કરી લે છે. જુદે જુદે સ્થળે સઘળી ઘટનાઓ તથા નિરીક્ષણોનું કાલૈક્ય (synchronism) જળવાઈ રહે તે માટે ઘણી જ ચોકસાઈ રખાય છે અને એને માટે અત્યંત સૂક્ષ્મ પરમાણુ-ઘડિયાળ તથા વિશિષ્ટ કમ્પ્યૂટરની મદદ લેવામાં આવે છે. પાછળથી આ બધી ચુંબકીય ટેપને ભેગી કરી, ‘પ્રોસેસ’ કરીને પછી એક ખાસ ઉપકરણમાં એકીસાથે ‘વગાડવામાં’ આવે છે. આમ કરવાથી વિવિધ સ્થળોએ એકીસમયે ઝિલાયેલા રેડિયો-તરંગો અંદરોઅંદર અથડાઈને સહાયક (constructive) તેમજ વિનાશક (destructive) – એમ બંને પ્રકારનાં વ્યતિકરણ (interference) રચે છે, જેની ભાત(pattern)ના યોગ્ય પૃથક્કરણ પરથી અંતરીક્ષસ્થિત રેડિયો-સ્રોત અંગે પુષ્કળ માહિતી સાંપડે છે. આ પદ્ધતિની મદદથી કૅનેડાની આ વેધશાળામાં ક્વાસર (Quasars) વિશે સારું એવું સંશોધન થયું છે.
સુશ્રુત પટેલ