અલી મુહમ્મદખાન (જ. ઈ. 1700 આસપાસ, સંભવત: બુરહાનપુર, જિ. નિમાઇ, મધ્યપ્રદેશ) : પ્રસિદ્ધ ફારસી ઇતિહાસકાર અને ગુજરાતના દીવાન. મૂળ નામ મીર્ઝા મુહમ્મદ હસન. પિતાનું નામ મુહમ્મદ અલી. ઔરંગઝેબ(ઈ. સ. 1658-1707)ના સમયમાં શાહજાદા જહાંગીરશાહની જાગીરના વકાયેઅ-નિગાર (reporter) તરીકે નિમાયેલા પોતાના પિતાની સાથે ઈ. સ. 1708માં તેઓ અમદાવાદ આવેલા. ઈ. સ. 1744માં પિતાના મૃત્યુ પછી કાપડબજારના અધીક્ષક તરીકે તેમની નિમણૂક થયેલી તેમજ અલી મુહમ્મદખાન ખિતાબ મળેલો. ઈ. સ. 1746માં ગુજરાતના સૂબાના દીવાન (વડા મહેસૂલ અધિકારી) નિમાયા. ઈ. સ. 1750માં ખાન ખિતાબના સ્થાને ખાનબહાદુરનો માનાર્હ ખિતાબ વાપરવાનો અધિકાર પ્રાપ્ત થયો. ઈ. સ. 1755માં ગુજરાતમાં મરાઠાઓ સત્તા ઉપર આવ્યા ત્યાં સુધી બાદશાહી દીવાન તરીકે તેમણે કામગીરી બજાવી હતી.
અલી મુહમ્મદખાનની ખ્યાતિ વિશેષ કરીને તેની ઇતિહાસકૃતિ ‘મિરાતે અહમદી’ને કારણે છે. ઈ. સ. 1761 પછીનાં થોડાં વર્ષોમાં લખાયેલો આ ઇતિહાસ હિંદુસ્તાનના ફારસી સાહિત્યમાં નવી ભાત પાડે છે. તેમાં ગુજરાતના હિંદુ રાજાઓના સમયથી લઈને ઈ. સ. 1761 સુધીના ગુજરાતના ઇતિહાસનું આલેખન થયું છે. તેમાં નિરૂપિત રાજ્ય-દફતરખાનાની વિવિધ પ્રકારની સામગ્રી તથા સરકારી નોંધોને આધારે રચેલો મુઘલ રાજ્યકાળ દરમ્યાનનો ઇતિહાસ અતિમૂલ્યવાન લેખાય છે. તેમાં સંખ્યાબંધ શાહી ફરમાનો, પરવાનાઓ, દસ્તુરૂલ-અમલો વગેરે મૂળ સ્વરૂપમાં ઉતારવામાં આવ્યાં છે.
‘મિરાતે અહમદી’ની પુરવણી અઢારમી સદીના ગુજરાત ગૅઝેટિયરની ગરજ સારે છે. અમદાવાદ તેમજ બીજાં શહેરોના ઇતિહાસ, સંતો વગેરે ઉપરાંત સમગ્ર ગુજરાતની ભૌગોલિક, આર્થિક, સામાજિક તથા ખેતીવિષયક માહિતી તેમજ હિંદુસ્તાનનાં ધર્મો, પંથો, રીતરિવાજો, ધર્મસ્થાનો, નદીઓ, કુંડો, તળાવો, પર્વતો, ખનિજો અને વિવિધ પેદાશો વગેરેનું યથાર્થ વર્ણન તેમાં કરવામાં આવ્યું છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ