અલીઅકબરખાં (જ. 14 એપ્રિલ 1922, શિવપુર, બંગાળ; અ. 18 જૂન 2009, કેલિફૉર્નિયા, અમેરિકા) : ભારતના પ્રસિદ્ધ સરોદવાદક. નાનપણથી જ ઘરમાં સંગીતમય વાતાવરણ હોવાથી સંગીત પ્રત્યે અભિરુચિ કેળવાયેલી. પિતા અલાઉદ્દીનખાં પાસેથી સંગીતશિક્ષણ મેળવ્યું. તેમણે નટ, મંજરી અને ગૌરી – આ ત્રણ રાગોના મિશ્રણથી ‘ગૌરીમંજરી’ નામની એક વિશેષ રચના તૈયાર કરી છે. તેમણે તબલાં અને મૃદંગનું શિક્ષણ કાકા આફતાબઉદ્દીન પાસેથી મેળવ્યું હતું. તેઓ ચન્દ્રનન્દન, જોગિયા, કાલિંગડા, પહાડી, ઝિંઝોટી, લલિત, અહીરભૈરવ, હેમન્ત વગેરે રાગો સુરીલી શૈલીમાં ગાતા હતા. તેમણે કલકત્તા અને કૅલિફૉર્નિયામાં ‘અલી અકબર કૉલેજ ઑવ્ મ્યૂઝિક’ની સ્થાપના કરી છે. ઈ. સ. 1967માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબ આપ્યો છે. તેમને તાલમાં ત્રિતાલ અને રૂપક તથા રાગમાં ચન્દ્રનન્દન, ગૌરીમંજરી, દરબારી કાન્હડા અને પીલુ વિશેષ પ્રિય છે.
કૃષ્ણવદન જેટલી

