અલક (અલટ, અલ્લટ) (અગિયારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ના સહલેખક મનાતા વિદ્વાન. ‘કાવ્યપ્રકાશ’ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. એના રચયિતા મમ્મટ તો છે જ, પણ તે સાથે સહલેખક તરીકે ‘અલક’ છે તેવું વિધાન ‘કાવ્યપ્રકાશ’ની ‘સંકેત’ ટીકાના લેખક માણિક્યચંદ્ર તથા કાશ્મીરી વિદ્વાન રાજાનક આનંદ જેવા કરે છે. આ રીતે કાવ્યપ્રકાશના બે લેખકો છે. એક જ કૃતિના બે લેખકો હોય તેવી અલંકારશાસ્ત્રની રચના ‘નાટ્યદર્પણ’ છે. તેના ગુણચંદ્ર અને રામચંદ્ર એમ બે લેખકો, તો સંસ્કૃતમાં ‘કાદંબરી’ના લેખક બાણભટ્ટ અને તેના પુત્ર એમ બંને છે તે વાત જાણીતી છે.
અલકના નામ વિશે થોડો મતભેદ છે. લોલ્લટ, મમ્મટ, કલ્લટ, ભલ્લટ આદિ કાશ્મીરી પંડિતોની માફક અલ્લટ કે અલટસૂરિ (સૂરિ = વિદ્વાન) એવું નામ આ વિદ્વાનનું હોવું જોઈએ એવો એક મત છે. તો કુન્તક, શંકુક, લંકક, મંખક જેવા કાશ્મીરી વિદ્વાનોની માફક અલક એવા નામની પણ પૂરી શક્યતા છે.
ભગવતીપ્રસાદ પંડ્યા