અર્સ, દેવરાજ (જ. 20 ઑગસ્ટ 1915, મૈસૂર, કર્ણાટક; અ. 6 જૂન 1982, બૅંગાલુરુ, કર્ણાટક) : કર્ણાટક રાજ્યના અગ્રણી રાજકીય નેતા તથા પૂર્વ મુખ્ય પ્રધાન. રાજ્યના મૈસૂર જિલ્લાના હાંસુર તાલુકાના કલ્લાહાલીના વતની. કુટુંબનો પરંપરાગત વ્યવસાય ખેતી, તેથી મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી કુટુંબના વ્યવસાયમાં જોડાવાના હેતુથી વતન પાછા ફર્યા, પરંતુ 1941માં તે વખતના મૈસૂર રાજ્યની પ્રતિનિધિ સભામાં ચૂંટાયા ત્યારથી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં સક્રિય ભાગ લીધો. આઝાદી પછી મૈસૂર રાજ્યમાં પ્રજાકીય સરકારની સ્થાપનાની લડતમાં અગ્રેસર ભાગ લીધો.
સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં હાંસુર મતદાર વિભાગમાંથી મૈસૂર વિધાનસભામાં ચૂંટાયા અને મૃત્યુ સુધી વિધાનસભામાં તે મતદાર વિભાગનું પ્રતિનિધિત્વ કર્યું (1952-82). રાજ્યમાં વાહનવ્યવહાર તથા પર્યટન (1957-62) અને પશુપાલન, સૂચના તથા માહિતી, મત્સ્ય-ઉદ્યોગ, રેશમ-ઉછેરના મંત્રી (1962-68) રહ્યા. 1969માં ઇન્ડિયન સિલ્ક બૉર્ડના ચેરમેન નિમાયા.
1969માં રાષ્ટ્રીય કૉંગ્રેસમાં ભાગલા પડ્યા ત્યારે તેઓ ઇન્દિરા ગાંધી જૂથમાં જોડાયા. 1970માં રાજ્યના તે પક્ષના પ્રમુખ બન્યા. 1971ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આ પક્ષને રાજ્યની બધી (27) બેઠકો પર વિજય મળ્યો. જેનો જશ દેવરાજ અર્સને આપવામાં આવે છે. 1972માં વિધાનસભા માટેની ચૂંટણીમાં એમના પક્ષને બહુમતી પ્રાપ્ત થતાં તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. 1977ની ચૂંટણીમાં ફરી, પક્ષને બહુમતી મળતાં, તેઓ મુખ્ય પ્રધાનપદ પર ચાલુ રહ્યા. 1980માં રાજ્ય વિધાનસભામાં પૂરતી બહુમતીના અભાવે તેઓએ વિરોધ પક્ષમાં બેસવાનું પસંદ કર્યું અને વિરોધ પક્ષના નેતા બન્યાં.
તેમના નેતૃત્વ હેઠળ કર્ણાટક રાજ્યમાં સમાજકલ્યાણ તથા જમીનસુધારણાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ થઈ હતી. પછાત વર્ગ માટે આરક્ષણની વ્યવસ્થા એ તેમના કાર્યકાળની ખાસ સિદ્ધિ ગણાય છે. મકાનવિહોણાઓ માટે નિવાસ, નાના ખેડૂતોને રક્ષણ અને વેઠપ્રથાની નાબૂદી જેવા કાર્યક્રમોને કારણે નબળા તથા પછાત વર્ગના લોકોમાં તેઓએ ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
કે. એન. મુનેગૌડા