અર્ધલશ્કરી દળો : દેશની આંતરિક શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતાં સશસ્ત્ર દળો. દેશના સંરક્ષણની જવાબદારી ઉઠાવતા લશ્કર (જેમાં પાયદળ, હવાઈ દળ તથા નૌકાદળનો સમાવેશ થાય છે) ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારની ફરજો અદા કરે છે. સરકારને તેની જરૂરિયાત જણાતાં ભારતમાં આવાં દળોની શરૂઆત સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં કરવામાં આવેલી હતી. કારણ કે સ્વાતંત્ર્ય પછી તે ચાલુ રહેવા પામ્યાં એટલું જ નહિ, પણ તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે.
આમાં સૌથી વધુ જાણીતું દળ તે સી.આર.પી.એફ. (Central Reserve Police Force) છે, જેની શરૂઆત 1939માં કરવામાં આવેલી. 1949થી આ દળને કેન્દ્રીય ગૃહખાતા નીચે મૂકવામાં આવ્યું છે. આ દળો સૌપહેલાં સિંધ પ્રાંતમાં હૂર સામે મૂકવામાં આવેલાં. આ દળનું મુખ્ય કાર્ય આંતરિક સલામતી ઉપરાંત હુલ્લડો અને અનવસ્થાના પ્રસંગોએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યોને મદદરૂપ થવાનું છે. પશ્ચિમ બંગાળના નક્સલવાદીઓ સામે, નાગાલૅન્ડ તથા મિઝોરમમાં બળવાખોરો સામે તથા વિંધ્યપ્રદેશ(મધ્યપ્રદેશ)માં ડાકુઓ સામે આ દળોએ કામ કરેલું.
પરંતુ સરહદો પર રોજબરોજ નજર રાખવા માટે, 1965ના યુદ્ધ પછી એક વિશિષ્ટ દળની જરૂર જણાતાં, તે જ વર્ષે બી.એસ.એફ. (Border Security Force) શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહખાતા નીચે કાર્ય કરતું આ દળ દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની ચોકી કરે છે અને ત્યાં બનતા ગુનાઓ અને પગપેસારા ઉપર ધ્યાન રાખે છે. લડાઈના સમયે આ દળો લશ્કરી સેવા પણ આપી શકે છે, તેમજ આંતરિક કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ઉપયોગી બની શકે છે.
1969માં સી.આઇ.એસ.એફ. (Central Industrial Security Force) શરૂ કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારની માલિકી તળેના ઉદ્યોગો તથા જાહેર સાહસો ઉપર દેખરેખ રાખવાનું અને તેનું રક્ષણ કરવાનું છે. આ દળ પણ ગૃહખાતા હસ્તક રાખવામાં આવ્યું છે. જરૂર પડ્યે રાજ્યો તેનો લાભ લઈ શકે છે.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં રેલવેની માલમિલકતના રક્ષણ માટે જી.આર.પી. (Government Railway Police) અગર રેલવે પોલીસનું દળ શરૂ કરવામાં આવ્યું હતું. 1957 પછી તેને આર.પી.એફ. (Railway Protection Force) એવું નામ આપવામાં આવ્યું છે. તેનું મુખ્ય કાર્ય રેલવેની માલમિલકત તેમજ રેલવે-ઉતારુઓનું રક્ષણ કરવાનું છે.
1962માં ચીન સાથેના સરહદી યુદ્ધ બાદ આઇ.ટી.બી.પી. (Indo-Tibetan Border Police) દળ શરૂ કરવામાં આવ્યું જેની મુખ્ય ફરજ જમ્મુ–કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરહદો ઉપર ચોકી-પહેરો રાખવાનું અને દૂરની સરહદો જ્યાં સરકારની વહીવટી સેવાઓ સરળતાથી પહોંચી શકતી નથી ત્યાં સુવિધાઓ પૂરી પાડવાનું છે. આ દળો પ્રાથમિક સારવાર અને તેની તાલીમ પણ આપે છે. પૂર અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિ વખતે રાહતકાર્યોમાં પણ તેમની મદદ લેવાય છે.
દેવવ્રત પાઠક