અર્ધકીમતી ખનિજો (semiprecious minerals) : મૂલ્યવાન રત્નોની સરખામણીમાં ઓછાં કીમતી રત્નો-ઉપરત્નો. મૂલ્યવાન રત્નોમાં હીરા, પન્ના, માણેક, નીલમ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરત્નોમાં અર્ધકીમતી ખનિજો જેવાં કે પોખરાજ, સ્પિનેલ (બેલાસ રૂબી, સ્પિનેલ રૂબી અને રૂબી સેલી), ઝરકૉન (હાયાસિન્થ અને જારગૉન), ઍક્વામરીન, બેરિલ, ક્રાયસોબેરિલ (ઍલેક્ઝાન્ડ્રાઇટ અને કૅટ્સ આઇ), ટુર્મેલિન (રૂબેલાઇટ અને ઇન્ડિકોલાઇટ), ગાર્નેટ (પાયરોપ અને આલ્મેન્ડાઇન), ચંદ્રમણિ, ઍમેઝોન સ્ટોન (ફેલ્સ્પારનો રત્નપ્રકાર), રૉક-ક્રિસ્ટલ અને ઍમેથિસ્ટ, જેડ-જેડાઇટ (સિંગ–એ ચશ્મ, જેડ તરીકે લેખાતી સર્પેન્ટાઇનની જાત), અકીકના સામાન્ય નામ હેઠળ ઓળખાતાં કૅલસિડોની સિલિકાનાં કાર્નેલિયન, બ્લડસ્ટોન, ઑનિક્સસારડૉનિક્સ, જાસ્પર જેવાં વિવિધ સિલિકા સ્વરૂપો તેમજ આયોલાઇટ અથવા કૉર્ડિરાઇટ જેવાં રંગવિકારી ખનિજો, કાયનાઇટ, રહોનાઇટ (મૅંગેનીઝ સિલિકેટ), અપેટાઇટ, ટર્ક્વૉઇઝ વગેરેનો સમાવેશ થાય છે.

આ પૈકીનાં મોટાભાગનાં ઉપરત્નો અગ્નિકૃત ખડકોના ઘટકો તરીકે મળી આવે છે, પરંતુ ક્યારેક ખવાણની ક્રિયામાં મૂળ ખડકોમાંથી મુક્ત બની, વહનક્રિયાને કારણે સ્થાનાંતરિત થઈને નદીજન્ય કાંપમય પ્રદેશોમાં પરિણામી પેદાશ તરીકે પણ મળી આવે છે.

જે ખનિજો વિશિષ્ટપણે નીચેના ગુણધર્મો ધરાવતાં હોય તેમને કીમતી કે અર્ધકીમતી ખનિજોની કક્ષામાં મૂકી શકાય. પૂર્ણ (ક્યારેક આંશિક) સ્ફટિકમયતા, સુંદર રંગ, આકર્ષક દેખાવ, જરૂરી કઠિનતા, પારદર્શકતા (ક્યારેક પારભાસકતા), તેજસ્વી ચમક, ઉત્કૃષ્ટ ચળકાટ ગ્રહણક્ષમતા, નકશીકામ કે ઘાટગ્રહણક્ષમતા, અનોખી પ્રકાશીય અસર – અપકિરણશક્તિ, ટકાઉપણું અને વિરલ પ્રાપ્તિ. ઉપરના ગુણધર્મો રત્નોમાં વિશેષત: જોવા મળે છે, જ્યારે અર્ધકીમતી ખનિજોમાં તે ઓછા પ્રમાણમાં હોય છે. રત્નો કે ઉપરત્નોનું વજન મોટાભાગે કૅરેટના એકમમાં થતું હોય છે. (એક કૅરેટ = 200 મિગ્રા.)

મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા