અદૃષ્ટ : પુણ્ય કે પાપરૂપ ભાગ્ય. તે ચક્ષુ આદિ ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાતું નથી તેથી તે અદૃષ્ટ કહેવાય છે. પ્રત્યેક જીવે વિવિધ પ્રકારના સુખદુ:ખાત્મક અનુભવો કરવા પડે છે. આ અનુભવો ઉત્પત્તિવિનાશશીલ છે, અનિયત છે, અનિશ્ચિત સમયે થનારા છે અને કાદાચિત્ક છે તેથી તે અનિત્ય છે, અને તેથી તે કાર્ય છે. તેમનું કારણ હોવું જોઈએ. એ કારણ પ્રત્યક્ષ અનુભવથી જાણી શકાતું નથી, કેમ કે તે ઇન્દ્રિયોનો વિષય નથી. તે અનુમિતિગમ્ય પણ નથી, કેમ કે તેનાં અન્વય-વ્યતિરેકનાં દૃષ્ટાંતો નથી. તે માત્ર અર્થાપત્તિથી જ જાણી શકાય છે. આ કારણ તે જ અદૃષ્ટ. શુભ કર્મોનું શુભ અને અશુભ કર્મોનું અશુભ અદૃષ્ટ નિર્માણ થાય છે. શુભ અદૃષ્ટ તે પુણ્ય અને અશુભ અદૃષ્ટ તે પાપ. વિહિત કે નિષિદ્ધ કર્મો કર્યાથી તે તે કર્મ પૂર્ણ થતાં જ અવિલંબે તેમનું શુભાશુભ ફળ મળતું નથી, પણ કાલાન્તરે મળે છે. તેથી કર્મ અને તેના ફળનો કાર્યકારણભાવસંબંધ ગ્રહણ કરવામાં વચલા સમયગાળાનું વિઘ્ન આવે છે. કાર્યકારણની વચ્ચે અદૃષ્ટની કલ્પના કરવાથી કાર્યને પરિણામે અદૃષ્ટ, અને અદૃષ્ટને પરિણામે સુખદુ:ખાત્મક ફલ એમ અવિચ્છિન્ન કાર્યકારણસંબંધ ગ્રહણ કરી શકાય છે.
પુણ્ય અને પાપ એમ બે પ્રકારનું અદૃષ્ટ છે. આ બેય અદૃષ્ટના પ્રારબ્ધ, ફલદાનોન્મુખ અને સંચિત એમ ત્રણ પ્રકાર છે. દેહાદિની ઉત્પત્તિના કારણરૂપ અદૃષ્ટ તે પ્રારબ્ધ. અનેક સંચિતોમાંનું જે અદૃષ્ટ ફલ આપવા જેટલું પરિપક્વ થયું હોય તે ફલદાનોન્મુખ, અને તે બે સિવાયનું તે સંચિત અદૃષ્ટ. પ્રારબ્ધ સિવાયના અદૃષ્ટનો શુદ્ધ જ્ઞાનથી ક્ષય થાય. અન્યથા ભોગવ્યા સિવાય તેનો ક્ષય ન થાય. કર્મનાશા નદીના જલનો સ્પર્શ કરવાથી, કરતોયા નદીને ઓળંગવાથી કે ગંડકી નદીમાં તરવાથી પુણ્ય અદૃષ્ટનો ક્ષય થાય છે, અને પ્રાયશ્ચિત્ત કરવાથી પાપ અદૃષ્ટનો ક્ષય થાય છે, એમ હિન્દુ ધર્મશાસ્ત્રનું વિધાન છે. અન્યથા ભોગવ્યા વિના શુભાશુભ અદૃષ્ટનો ક્ષય થતો નથી. કાલ વડે પણ અભુક્ત અદૃષ્ટનો નાશ થતો નથી. ન્યાય અને વૈશેષિક દર્શન અનુસાર અદૃષ્ટ એ આત્માનો ધર્મ છે. વેદાન્ત, સાંખ્ય અને યોગદર્શનો અનુસાર તે બુદ્ધિનો ધર્મ છે. કેટલીક સ્મૃતિઓમાં અદૃષ્ટ માત્ર પુણ્યાત્મક જ હોવાનું કહ્યું છે. અદૃષ્ટ એ જ અપૂર્વ.
નટવરલાલ યાજ્ઞિક