અર્થશાસ્ત્ર-3 : સંસ્કૃત ભાષામાં ‘અર્થ’ એટલે ધન અથવા સંપત્તિ. અર્થને લગતું શાસ્ત્ર તે અર્થશાસ્ત્ર. એ પ્રાચીન વિદ્યા છે અને અર્વાચીન વિજ્ઞાન છે. આ વિદ્યાશાખામાં ભારતનું પ્રદાન બે હજાર વર્ષથી વધારે જૂનું છે.
પશ્ચિમના જગતમાં અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાની શરૂઆત અઢારમી સદીમાં થઈ. ઈ. સ. 1776માં બ્રિટિશ અર્થશાસ્ત્રી ઍડમ સ્મિથે (1723-90) ‘ધ વેલ્થ ઑવ્ નેશન્સ’ નામનું પુસ્તક લખ્યું ત્યારથી થઈ. તેમાં દેશની સંપત્તિ વધારનારાં પરિબળોની ચર્ચા કરાઈ છે. ત્યારબાદ મૂડીવાદી અર્થતંત્રના સિદ્ધાંતોનો વિકાસ થયો. પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાન્તિ સાથે મૂડીવાદ પૂર્ણ સ્વરૂપે વિકસ્યો અને તેનાં અનિષ્ટો પણ જન્મ્યાં. 1867માં કાર્લ માર્ક્સે (1818-83) ‘Das Kapital’ નામના પુસ્તકમાં મૂડીવાદી વ્યવસ્થાની ટીકા કરી. 1929 પછીની વિશ્વની મંદીમાં મૂડીવાદી તંત્ર તૂટી પડવાની તૈયારીમાં હતું, ત્યારે 1936માં લૉર્ડ જૉન મેનાર્ડ કેઇન્સે (1883-1946) ‘ધ જનરલ થિયરી ઑવ્ એમ્પ્લૉયમેન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ નામના પુસ્તકમાં સક્રિય સરકારી નીતિ વડે રોજગારી વધારવાનો માર્ગ સૂચવ્યો. અમેરિકામાં આ પ્રયોગ સફળ થયો. આ ત્રણ અર્થશાસ્ત્રીઓનું કાર્ય અર્થશાસ્ત્રના ઇતિહાસની પગદંડી પરનાં સીમાચિહ્નો સમાન છે.
અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે. માનવીની વર્તણૂકને લગતું વિજ્ઞાન તે સામાજિક વિજ્ઞાન. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર વગેરે પદાર્થોના ગુણધર્મ અને તેના નિયમોનાં શાસ્ત્રો છે. પદાર્થોને લગતાં શાસ્ત્ર ચોક્કસ સ્વરૂપનાં હોય છે અને તેના નિયમોને ગણિતશાસ્ત્રનાં સમીકરણો દ્વારા ચોક્કસપણે દર્શાવી શકાય છે. માનવીને લગતું શાસ્ત્ર એટલું ચોક્કસ સ્વરૂપનું ન હોય, કારણ કે માનવી પદાર્થ નથી. તેથી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં અપવાદ હોઈ શકે.
પદાર્થવિજ્ઞાનમાં પ્રયોગો થઈ શકે છે. અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતો તારવવા માટે પ્રયોગો થઈ શકતા નથી. તેથી તે વધુ મુશ્કેલ વિજ્ઞાન છે. પ્રયોગશાળામાં યોગ્ય તાપમાને, યોગ્ય બળ વાપરી, યોગ્ય પ્રમાણમાં પદાર્થો લઈ પ્રયોગો કરી શકાય છે. આર્થિક નિયમો અને સિદ્ધાંતો શોધવા વાસ્તવિક જગતનું અવલોકન કરવું પડે અને તર્કશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ, વસ્તુઓના ભાવ બમણા થવાથી ગ્રાહકો ઉપર શી અસર થશે તેનો અભ્યાસ કરવા માટે પ્રયોગ થઈ શકે નહિ. ખગોળશાસ્ત્રમાં પણ આ જ મુશ્કેલી છે. ગ્રહો અને ઉપગ્રહોના નિયમો શોધવા મંગળ કે શુક્રની ગતિમાં ફેરફાર કરી પ્રયોગ થઈ શકતો નથી.
અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. કેટલાક તેને સંપત્તિના અભ્યાસનું શાસ્ત્ર કહે છે. કેટલાક તેને સામાન્ય માનવીના અર્થાર્જન અને ઉપભોગનું શાસ્ત્ર કહે છે. બીજી એક વ્યાખ્યા મુજબ, તે માનવીની એવી પ્રવૃત્તિઓનું વિજ્ઞાન છે કે જેમાં લેવડદેવડનો સમાવેશ થતો હોય. તેને વસ્તુઓનાં ઉત્પાદન, વહેંચણી અને ઉપભોગનું શાસ્ત્ર પણ કહે છે. બ્રિટિશ અર્થશાસ્ત્રી રૉબિન્સની વ્યાખ્યા મુજબ, તે સીમિત સાધનો વડે માનવીની અસંખ્ય ઇચ્છાઓને સંતોષવાના પ્રયત્નોનું શાસ્ત્ર છે. જે વસ્તુઓ અને સેવાઓની અછત હોય અને જે માનવીની ઇચ્છાઓને સંતોષી શકે તે આર્થિક વસ્તુઓ અને આર્થિક સેવાઓ કહેવાય. ડૉક્ટર, શિક્ષક, વકીલ વગેરેની સેવાઓની અછત છે, માટે તે આર્થિક સેવા કહેવાય. આર્થિક વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય હોય છે. બાકીની વસ્તુઓનું મૂલ્ય હોતું નથી. હવા ઉપયોગી છે પણ તેની અછત નથી તેથી તેનું મૂલ્ય નથી. આર્થિક વસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદન, વહેંચણી અને ઉપભોગના શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહી શકાય. માનવી અને સમાજ આવી વસ્તુઓ અને તેને ઉત્પાદન કરનારાં સાધનોની કેવી રીતે પસંદગી કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. અસંખ્ય વસ્તુઓનું ઉત્પાદન કરવાનું શક્ય છે. પણ ઉત્પાદનનાં સાધનો સીમિત છે તેથી કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું તેની પસંદગી ઉત્પાદકે અને સમાજે કરવાની રહે છે. અનેક વસ્તુઓ ઉપલબ્ધ હોય પણ ગ્રાહક પાસે ખરીદવાનું સાધન (આવક) સીમિત છે, તેથી પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વસ્તુઓનું ઉત્પાદન કરીને ઉપભોગ હાલ કરવો કે ભવિષ્યમાં તેની પણ પસંદગી કરવી પડે. ખનિજ તેલનો જથ્થો સીમિત હોય તો વર્તમાન ઉપભોગ એ ભવિષ્યના વપરાશના ભોગે થાય છે. ગ્રાહક ઉધાર નાણાં લઈ આજે ખર્ચ કરે તો ભવિષ્યના ઉપભોગમાં કાપ મૂકવો પડે. તે જ રીતે આજે બચત કરી કાલે વાપરવામાં પણ પસંદગીનો પ્રશ્ન છે.
અત્યાર સુધી અર્થશાસ્ત્રમાં આર્થિક વસ્તુઓ (અને સેવાઓ)ના ઉત્પાદન પર જ ભાર મૂકવામાં આવ્યો છે. વસ્તુઓનું ઉત્પાદન જેમ વધુ તેમ માનવીની વધુ ઇચ્છાઓ સંતોષી શકાય. આર્થિક પ્રગતિની આ પારાશીશી માનવીમાં આવી છે. પરંતુ હવે માનવીના જીવનની ગુણવત્તાના પ્રશ્નો પણ મહત્વના બન્યા છે. વસ્તુઓનું ઉત્પાદન થાય પણ પ્રદૂષણ વધે, કુદરતી સંપત્તિનો નાશ થાય, ઝૂંપડપટ્ટી જેવાં અનિષ્ટો ઊભાં થાય : આ બધાંની બાદબાકી કરીએ તો જ સાચી આર્થિક પ્રગતિ માપી શકાય.
અર્થશાસ્ત્રના બે મુખ્ય વિભાગ છે : (1) આર્થિક સ્થિતિનું વર્ણન અને (2) આર્થિક વિશ્લેષણ. આર્થિક સ્થિતિના વર્ણનમાં સંસ્થાઓ, બજારો, બનાવો વગેરેનું આંકડા સાથે વર્ણન કરવામાં આવે છે. તેમાં હકીકતોની રજૂઆત હોય છે. દાખલા તરીકે ખેતરોમાં ઉત્પાદન, આયાતનિકાસ, વસ્તુઓના ભાવ વગેરેનાં અવલોકનો રજૂ થાય છે. આ રજૂઆતને વિજ્ઞાન કહેવાય નહિ. વિજ્ઞાનમાં પરિસ્થિતિનાં કારણો સમજવાનો પ્રયત્ન થાય છે. કાર્ય-કારણનો સંબંધ શોધવામાં આવે છે. આને આર્થિક વિશ્લેષણ કહેવાય. ભાવો વધે છે એ વર્ણન કહેવાય. શા માટે વધે છે તેની તપાસનું શાસ્ત્ર મહત્વનું છે. આર્થિક વિશ્લેષણ થયા બાદ આર્થિક નીતિનું ક્ષેત્ર શરૂ થાય છે. કોઈ આર્થિક બનાવનાં કારણોની સમજ આવ્યા બાદ તે સ્થિતિ બદલવા કઈ નીતિ ઉપયોગી નીવડશે તે જાણી શકાય. દા.ત., કૃષિક્ષેત્રના ઉત્પાદનને અસર કરતાં પરિબળોનો અભ્યાસ કર્યા પછી ઉત્પાદન વધારવાની નીતિ ઘડી શકાય.
કોઈ પણ આર્થિક પરિસ્થિતિ અને ઘટનાઓને અસર કરતાં પરિબળો અનેક હોય છે. કેટલાંક પરિબળો વધુ મહત્વનાં હોય છે અને કેટલાંક ઓછા મહત્વનાં હોય છે. વાસ્તવિક જગત ખૂબ જટિલ હોય છે. આર્થિક સિદ્ધાંતનું કાર્ય એ છે કે આ જટિલ સ્થિતિમાંથી બિનજરૂરી અને ઓછી મહત્વની હકીકતો કાઢી નાખી તેને સમજાવવા માત્ર મહત્વનાં પરિબળોને ચોક્કસતાથી દર્શાવવાં. આ રીતે સિદ્ધાંતો અમુક અંશે અવાસ્તવિક છે, કારણ કે તેમાંથી અમુક હકીકતો દૂર કરી પરિસ્થિતિ અથવા ઘટનાને સરળ સ્વરૂપ આપવામાં આવ્યું હોય છે. સિદ્ધાંતના કાર્ય-કારણના સંબંધને ગાણિતિક સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય. દાખલા તરીકે, કોઈ વસ્તુની માંગને અસર કરતાં અસંખ્ય પરિબળો હોય. વસ્તુની કિંમત, ગ્રાહકની આવક અને સંપત્તિ, ફૅશન, વસ્તુની જાહેરાત તથા પ્રચાર વગેરે મહત્વનાં પરિબળોના કાર્ય-કારણના સંબંધને સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત એ એક પરિકલ્પના (hypothesis) છે. તે સનાતન સત્ય નથી. અર્થશાસ્ત્રની સમજ અને સૂઝ જેટલી વધુ સારી તેમ સિદ્ધાંત વધુ વાસ્તવિક બને છે.
જ્યારે કોઈ આર્થિક પરિસ્થિતિ, વર્તણૂક કે ઘટનાને સમજાવવા માટે સિદ્ધાંતો ઉપયોગમાં લેવાય, ત્યારે આર્થિક મૉડેલ (નિદર્શન) બને છે. આર્થિક મૉડેલ સામાન્ય રીતે ગાણિતિક સ્વરૂપમાં હોય છે. અનેક સમીકરણો દ્વારા જુદા જુદા આર્થિક, ટૅકનિકલ અને અન્ય સંબંધોને દર્શાવવામાં આવે છે. દરેક પરિબળને એક ચલરાશિ (variable) વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે, કોઈ વસ્તુનું બજારનું મૉડેલ લઈએ. આ મૉડેલમાં વસ્તુની માંગનું સમીકરણ, વસ્તુના પુરવઠાનું સમીકરણ અને માંગ = પુરવઠો તેવું સમતુલાનું સમીકરણ. અહીં માંગનો સિદ્ધાંત અને પુરવઠાનો સિદ્ધાંત ગાણિતિક રૂપમાં રજૂ કરવામાં આવે છે. આ મૉડેલમાં ત્રણ સમીકરણો છે.
અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને ગાણિતિક રૂપમાં રજૂ કરવાના શાસ્ત્રને ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર (mathematical economics) કહેવાય છે. સામાન્ય અર્થશાસ્ત્રમાં તર્કનો ઉપયોગ થાય છે. તર્ક બે પ્રકારના હોય છે : (1) નિગમન તર્ક (deductive logic) અને (2) વ્યાપ્તિ તર્ક (inductive logic). અર્થશાસ્ત્રમાં નિગમન તર્કનો ઉપયોગ થાય છે. અમુક ધારણાઓ પરથી તર્ક વડે અનુમાનો અથવા આર્થિક સિદ્ધાંતો તારવવામાં આવે છે. દાખલા તરીકે, ઉત્પાદકનો પુરવઠાનો સિદ્ધાંત. અહીં ધારણા એવી કરીએ કે ઉત્પાદક અધિકતમ નફો મેળવવા ઇચ્છે છે. આ ધારણા પૂર્ણ કરવા ઉત્પાદકની વર્તણૂક કેવી હશે તે તર્ક વડે અથવા ગાણિતિક પદ્ધતિ વડે મેળવી શકાય. આ વર્તણૂક ઉપરથી પુરવઠાનો સિદ્ધાંત પણ મેળવી શકાય. અહીં વાસ્તવિક જગતના અવલોકનની જરૂર નથી. તર્કશક્તિથી સિદ્ધાંતો મેળવવામાં આવે છે.
આ સિદ્ધાંતો વાસ્તવિક છે કે નહિ તે ચકાસવા અર્થમિતિશાસ્ત્ર (econometrics) ઉપયોગી છે. પહેલાં આર્થિક સિદ્ધાંતને ગાણિતિક રૂપમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ વાસ્તવિક જગતમાંથી જરૂરી અવલોકનો વડે આંકડા એકત્રિત કરવામાં આવે છે. સંખ્યાકીય પદ્ધતિઓ(statistical methods)નો ઉપયોગ કરી આર્થિક સિદ્ધાંતની યથાર્થતા ચકાસવામાં આવે છે.
અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર (microeconomics), (2) સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર (macroeconomics), અને (3) આર્થિક વિકાસનું અર્થશાસ્ત્ર. જેમ સૂક્ષ્મદર્શક યંત્ર વડે એકાદ સૂક્ષ્મ સજીવ કે નિર્જીવનું અવલોકન કરવામાં આવે છે તેમ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં એક ગ્રાહક, એક પેઢી, એક મજૂર વગેરેનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આવા આર્થિક એકમની વર્તણૂકનો સિદ્ધાંત તારવતા પહેલાં તેના ધ્યેય અંગે ધારણા કરવામાં આવે છે. ત્યારબાદ નિગમન તર્કથી સિદ્ધાંત તારવવામાં આવે છે. એક વસ્તુના બજારનો અભ્યાસ પણ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રનો વિષય બને છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર અર્થતંત્ર અંગેના સિદ્ધાંતો મેળવાય છે. સમગ્ર અર્થતંત્રનું મૉડેલ તૈયાર કરવા માટે પહેલાં મહત્વનાં આર્થિક પરિબળો પસંદ કરવામાં આવે છે. હજારો ચલરાશિમાંથી મહત્વના થોડા પસંદ કરવા પડે. દાખલા તરીકે, દેશનું કુલ ઉત્પાદન, રોજગારી, ભાવસપાટી વગેરે. કેટલાક નીતિવિષયક ચલરાશિઓ પણ પસંદ કરવામાં આવે છે. દાખલા તરીકે, કુલ સરકારી ખર્ચ, નાણાનો જથ્થો વગેરે. આવા મહત્વના ચલરાશિઓ વચ્ચેના અનેક સંબંધોને સમીકરણો દ્વારા પણ દર્શાવી શકાય. આવાં સમીકરણોના સમૂહને ગાણિતિક મૉડેલ કહેવાય. અર્થમિતિશાસ્ત્રની પદ્ધતિઓ વડે આ સમગ્રલક્ષી મૉડેલની વાસ્તવિકતા ચકાસી શકાય છે.
આર્થિક સિદ્ધાંતોની ત્રીજી શાખા આર્થિક વિકાસનું અર્થશાસ્ત્ર છે. આર્થિક વિકાસ એક ખાસ પ્રકારની પ્રક્રિયા છે. તેમાં આર્થિક સંસ્થાઓ અને બજારોનું રૂપાંતર થાય છે. કૃષિપ્રધાન અર્થતંત્રનું ઔદ્યોગિકીકરણ થાય છે. ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ (specialisation) થાય છે અને બજારો વચ્ચે સંબંધો વિકસે છે. સામાજિક અને રાજકીય પરિબળો પણ આર્થિક વિકાસની ગતિને અસર કરે છે. બચતો, મૂડીરોકાણ અને ઉત્પાદનનો વૃદ્ધિદર ઊંચો જાય છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ વાસ્તવિક આવક વધે છે. આર્થિક વિકાસની સાથે આર્થિક અસમાનતાઓ પણ ઘટવી જોઈએ. આ સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ કરતી શાખાને આર્થિક વિકાસનું અર્થશાસ્ત્ર કહે છે.
ઍડમ સ્મિથે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનો પાયો નાખ્યો. તેમણે રાષ્ટ્રની સંપત્તિમાં વૃદ્ધિ કરતાં પરિબળો વિશે પુસ્તક લખ્યું. શ્રમના વિભાજન, વિશિષ્ટીકરણ અને બજારોના વિકાસથી આર્થિક પ્રગતિ થાય છે. તેમના મત પ્રમાણે બજાર-વ્યવસ્થા અદભુત છે. જાણે કે કોઈ અદૃશ્ય હાથ (invisible hand) સમગ્ર તંત્રને સરળતાથી ચલાવે છે. ઈ. સ. 1798માં રૉબર્ટ માલ્થસે વસ્તીવધારા વિશે પુસ્તક પ્રકાશિત કર્યું. તેમના સિદ્ધાંત મુજબ, અન્નનું ઉત્પાદન જે દરે વધે છે તેના કરતાં વસ્તીનો વધારો ઝડપી છે. તેથી વસ્તીવધારો અટકાવવા પગલાં લેવાં જોઈએ. જો માનવી સ્વેચ્છાએ પગલાં નહિ લે તો કુદરત તેનું કામ કરશે અને વિનાશથી વસ્તીવધારો અટકશે. અઢારમી સદીમાં પ્રસ્થાપિત કરેલા વિચારો આજે પણ કેટલા આધુનિક છે ! ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં કાર્લ માર્ક્સે મૂડીવાદી અર્થતંત્રની સમીક્ષા કરી. તેમના મત પ્રમાણે મૂડીનું માળખું એવી રીતે બદલાશે કે નફાનો દર ઘટતો જશે. તેથી તેમણે આગાહી કરી કે મૂડીવાદી અર્થતંત્ર ભાંગી પડશે. આર્થિક તંત્રનો ઇતિહાસ જો વિરોધાભાસી હોય, તો પછી તેની વિરોધી વિચારસરણી પેદા થાય. બંનેનો સંઘર્ષ થાય અને તેમાંથી નવી પદ્ધતિ પેદા થાય. આવો ક્રમ ચાલ્યા જ કરે છે. કાર્લ માર્ક્સે દુનિયાભરના મજૂરોને એલાન આપ્યું કે તેઓ સંગઠિત થાય, માત્ર તેમનાં બંધનની બેડીઓ જ દૂર થશે. આજે દુનિયાની ત્રીજા ભાગની વસ્તી સામ્યવાદી તંત્રમાં જીવે છે તે વિચારસરણીનો પાયો કાર્લ માર્ક્સે નાખ્યો.
1890માં આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું પુસ્તક પ્રકાશિત કર્યું, તેમાં તેમણે બજારતંત્રના સિદ્ધાંતો ખૂબ વ્યવસ્થિત રીતે રજૂ કર્યા. માંગ અને પુરવઠાનાં પરિબળો વડે બજારતંત્ર ચાલે છે. તેમાં ગ્રાહક અને ઉત્પાદકની વર્તણૂકના તર્કશક્તિથી મેળવેલા સિદ્ધાંતોનું પ્રદાન બતાવ્યું, એથી માર્શલને સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રના પિતા ગણી શકાય. તે જ રીતે જૉન કેઇન્સ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પિતા ગણાય. તેમણે 1936માં પ્રકાશિત કરેલા પુસ્તકમાં રાષ્ટ્રીય આવક અને રોજગારી નિર્ધારિત કરનારાં પરિબળોના સિદ્ધાંતો આપ્યા. કેઇન્સ પહેલાંના અર્થશાસ્ત્રીઓ (જે. બી. સે, નટ્ વિકસેલ વગેરે) માનતા કે બજારતંત્રમાં હરીફાઈથી પૂર્ણ રોજગારીની સ્થિતિ સ્થપાશે. કેઇન્સે રજૂઆત કરી કે અર્થતંત્રમાં બેરોજગારીની સ્થિતિ પણ સામાન્ય બની શકે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે, જો વેતનદર ખૂબ નીચા જાય તો પૂર્ણ રોજગારીની સ્થિતિ સ્થપાય. કેઇન્સે એવો સિદ્ધાંત આપ્યો કે બેરોજગારીનું કારણ અસરકારક માંગનો અભાવ છે. જો સરકાર વધુ ખર્ચ કરી માંગ પેદા કરે તો મંદી દૂર થાય. આ સિદ્ધાંત વિકસતા દેશો માટે યોગ્ય નથી, કારણ કે આવા દેશોમાં બેરોજગારી જુદા પ્રકારની છે. ત્યાં માળખાગત બેકારી દૂર કરવા ઉત્પાદનનાં સાધનોમાં વૃદ્ધિ થાય અને તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે જરૂરી છે. આધુનિક અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમૅન બેરોજગારી દૂર કરવાની કેઇન્સે સૂચવેલી સરકારી નીતિ સાથે સહમત નથી. તેમના મત પ્રમાણે સરકાર સક્રિય નીતિ વડે અર્થતંત્રમાં વધુ અસ્થિરતા લાવશે. તેથી સરકારે માત્ર હરીફાઈ વધે અને બજારો વિકસે તેવા જ પ્રયત્નો કરવા જોઈએ. નાણાંનો વૃદ્ધિદર સ્થિર હોવો જોઈએ. તેનાથી અર્થતંત્ર આપમેળે સ્થિર થશે.
અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો કૃષિઅર્થશાસ્ત્ર, ઔદ્યોગિક અર્થશાસ્ત્ર, વ્યાપારનું અર્થશાસ્ત્ર, નાણાકીય અર્થશાસ્ત્ર વગેરે અનેક શાખાઓમાં પ્રયોગ થયો છે. કૃષિઅર્થશાસ્ત્રમાં કૃષિઉત્પાદન, જમીનની સમસ્યાઓ, ખેતમજૂરોના પ્રશ્નો, સિંચાઈ અને જમીનસુધારણા, ઉત્પાદનખર્ચનો અભ્યાસ, મૂડીસર્જન, કૃષિક્ષેત્રે ધિરાણ વગેરે અનેક વિષયો આવરી લેવામાં આવે છે. કૃષિવિજ્ઞાન અને કૃષિઅર્થશાસ્ત્રમાં તફાવત છે. કૃષિવિજ્ઞાન એ કૃષિપેદાશ અંગેનો ટૅકનિકલ અભ્યાસ છે. કૃષિઅર્થશાસ્ત્રમાં આર્થિક સમસ્યા મહત્વની છે. ઉત્પાદનનાં સાધનોનો બુદ્ધિયુક્ત પ્રયોગ થવો જોઈએ. ન્યૂનતમ ખર્ચે અધિકતમ ઉત્પાદનનું ધ્યેય હોવું જોઈએ. આ બંને શાસ્ત્રો સંબંધિત છતાં જુદાં છે. ઉદ્યોગો અંગેની ટૅકનિકલ વિગતોનું વિજ્ઞાન અને ઔદ્યોગિક અર્થશાસ્ત્ર પણ જુદાં છે. તે જ રીતે વન વિશેનું અર્થશાસ્ત્ર, અને ઝાડના પ્રકાર, તેની ઊંચાઈ, આયુષ્ય વગેરે ટૅકનિકલ વિગતો જુદી છે.
ઔદ્યોગિક અર્થશાસ્ત્રમાં મૂડીના પ્રશ્નો, ઔદ્યોગિક શ્રમની સમસ્યાઓ, ઉત્પાદન ખર્ચ, ઔદ્યોગિક માળખું અને હરીફાઈ, ઉત્પાદનનું મૂલ્યનિર્ધારણ, આંતર-ઉદ્યોગસંબંધો, ઔદ્યોગિક ધિરાણ વગેરે પ્રશ્નોનો સમાવેશ થાય છે. શ્રમને લગતા અર્થશાસ્ત્રમાં રોજગારીના પ્રશ્નો, વેતનદર, હડતાળ અને મજૂરમંડળ(trade union)નો પ્રભાવ, શ્રમજીવીઓનું શિક્ષણ અને સ્થળાંતર વગેરે પ્રશ્નો મહત્વના છે. નાણાકીય અર્થશાસ્ત્રમાં અર્થતંત્રમાં નાણાના પ્રભાવનો અભ્યાસ થાય છે. નાણાંનાં પરિણામ અને ઉત્પાદન તથા ભાવસપાટી વચ્ચેનો સંબંધ મહત્વનો છે. વ્યાજનો દર અને બૅન્કના ધિરાણને નિયંત્રણમાં લઈ કેન્દ્રીય બૅન્ક નાણાકીય નીતિનો અમલ કરે છે. સરકાર બજેટમાં સરકારી ખર્ચ અને વેરામાં ફેરફારો કરી રાજકોષીય નીતિનો અમલ કરે છે. વેરાઓની ઉત્પાદન, બચત વગેરે ઉપરની અસરનું અર્થશાસ્ત્ર જુદું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના નાણાકીય સંબંધોનો અભ્યાસ પણ થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના અર્થશાસ્ત્રમાં દેશવિદેશના વ્યાપારને લગતા સિદ્ધાંતોનો અભ્યાસ થાય છે. વિદેશી વ્યાપારની સમતુલાને અસર કરતાં પરિબળો મહત્વનાં છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિનિમયદરોના સિદ્ધાંતો પણ વિકસ્યા છે.
અર્થશાસ્ત્રની આધુનિક શાખાઓમાં કેળવણી, સ્વાસ્થ્ય, પર્યાવરણ વગેરેને લગતા આર્થિક પ્રશ્નોનો પણ અભ્યાસ કરવામાં આવે છે.
રઘુવીર મોદી