અર્ડટમાન, ગુન્નાર (જ. 18 નવેમ્બર 1897, સ્વિડન; અ. 17 ફેબ્રુઆરી 1973) : જગતભરમાં પરાગરજવિજ્ઞાન અથવા પદ્મરેણુવિદ્યા(palynology)ના પ્રમુખ આર્ષ દ્રષ્ટા. તેઓ સ્વિડનમાં બ્રોમ્મા–સ્ટૉકહોમની પરાગરજવિજ્ઞાનની પ્રયોગશાળાના મદદનીશ તરીકે જોડાઈને છેવટે અધ્યક્ષ બન્યા હતા.
ઈ. સ. 1957માં તેમણે ભારતમાં વ્યાખ્યાનો આપેલાં તે વખતે પોતાનાં સંશોધનોની રૂપરેખા આપી હતી. સંશોધનમાં તેમનાં પત્ની ગુન્ની સાથીદાર હતાં.
પુંકેસરમાં ઉત્પન્ન થતી પરાગરજ કે રેણુ એ સપુષ્પ વનસ્પતિની નરજન્યુજનક અવસ્થા છે. તે એકકોષીય છે, પણ ત્રણ કોષકેન્દ્રો ધરાવે છે. તેમાંથી બે પુંજન્યુઓ બને છે. પરાગરજને બે દીવાલો હોય છે : બાહ્ય કવચ (exine) અને અંત:-આવરણ (intine). પ્રો. ગુન્નારનું કાર્યક્ષેત્ર ફક્ત બાહ્ય કવચ (exine) પૂરતું જ મર્યાદિત છે. તેમાં અંત:સ્થિત જીવરસ વિશેના અભ્યાસનો સમાવેશ થતો નથી. કુળ અને ઉપકુળ, પ્રજાતિ-જાતિની ઓળખ, પ્રજાતિનું વર્ગીકરણ, જાતિઓનું વિભાજન અને એક જ ગોત્રમાં કરાયેલાં કુળોનાં વર્ગીકરણોમાં આનુવંશિક સંબંધો સમજવા પરાગરજ અને તેનાં ફક્ત બાહ્ય કવચનાં લક્ષણો અગત્યનો ભાગ ભજવે છે તેમ તેમનાં સંશોધનોએ પુરવાર કર્યું છે.
અશ્મીની પરાગરજ ઉપર પણ તેમણે સંશોધન કરેલું છે. પૃથ્વીના આરંભથી આધુનિક કાળ સુધીમાં જે તે વિસ્તારમાંથી મળી આવેલ પરાગરજ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ બાંધી આપીને પ્રાગૈતિહાસિક કાળમાં વનસ્પતિ તેમજ હવામાનમાં થયેલા પ્રાકૃતિક ફેરફારોનો ચોક્કસ મેળ તેમણે સૌપ્રથમ સાધી બતાવ્યો છે.
બાહ્ય કવચ સ્પોરૉપોલેનિન (sporopolennin) નામના સૌથી વધારે પ્રતિરોધક શક્તિ ધરાવતા પદાર્થોનું બનેલું છે અને તેની ખાંચોમાં પરખ-પ્રોટીનો ભરાયેલાં હોય છે તેવું તેમણે બતાવ્યું છે.
તેમના ગ્રંથો ‘પૉલન મૉફૉર્લૉજી ઍન્ડ પ્લાન્ટ ટૅક્સૉનૉમી’, ‘ઍન ઇન્ટ્રોડક્શન ટુ પ્લાન્ટ ઍનાલિસિસ’ ક્રૉનિકા બૉટાનિકા શ્રેણીમાં પ્રસિદ્ધ થયેલાં છે. તેમણે આશરે 250 સંશોધનપત્રો પ્રસિદ્ધ કરેલાં છે.
સરોજા કોલાપ્પન