અરવિન્દન્ (જ. 23 જાન્યુઆરી 1935, કોટ્ટાયમ, ત્રાવણકોર; અ. 15 માર્ચ 1991, ત્રિવેન્દ્રમ, કેરાલા) : કેરળના અગ્રણી ફિલ્મ-દિગ્દર્શક. ચેન્નઈ ચિત્રશાળામાં ચિત્રકળાનો અભ્યાસ કરી, જાણીતા પત્રકાર ‘ચો’ના સાપ્તાહિક ‘તુગલખ’માં વ્યંગચિત્રકાર તરીકે જોડાયા. એમને જેટલી ચિત્રકળા પ્રિય હતી, તેટલું જ હિન્દુસ્તાની સંગીત પણ પ્રિય હતું. એમાં પણ શાસ્ત્રીય તાલીમ લઈને, કુશળતા પ્રાપ્ત કરેલી. પછી ધીરે ધીરે ફિલ્મમાં પણ રસ જાગ્યો. આંતરસૂઝને કારણે ફિલ્મમાં દિગ્દર્શન તરફ વળ્યા. તે પૂર્વે એ વિશે બધી જાણકારી પ્રાપ્ત કરી. એમને પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના તજ્જ્ઞોનો સહકાર મળ્યો. તેઓ ચેન્નઈમાં રહેતા હોવા છતાં મૂળ તો મલયાળમભાષી, એટલે એમણે મિત્રોના સહકારથી 1974માં એમનું પ્રિય ચિત્ર ‘ઉત્તરાયણમ્’ (દિશાપરિવર્તન) મલયાળમમાં ઉતાર્યું. એમાં એમણે સાંપ્રત સમયમાં માનવજીવનમાં મૂલ્યોનો જે હ્રાસ થઈ રહ્યો છે, તેનું નિરૂપણ કર્યું. એમની એ ફિલ્મને 1974ના ફિલ્મોત્સવમાં દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો. એ ફિલ્મની વિશેષતા, એના સંગીતનું માધુર્ય હતી. એ પછી તેઓ કેરળમાં સ્થિર થયા. 1976માં એમણે બીજું ચિત્ર ‘ચિદમ્બરમ્’ તૈયાર કર્યું. એમાં એક અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા પાત્રના આંતરજગતની વાત છે. ત્રીજા ચિત્ર ‘એસ્થાયન’માં એમણે કેરળની લોકકથાને વર્તમાન સંદર્ભમાં દર્શાવી છે. એમાં પણ એમને 1979ના ફિલ્મોત્સવનો પુરસ્કાર પ્રાપ્ત થયો. 1982માં એમાંના ‘પોકડુવેઇલ’(વણાટ)માં એક કિશોરી નાનપણમાં એની થતી ઉપેક્ષાને કારણે સમાજથી કેવી વિખૂટી પડી જાય છે અને માનસિક રોગની ભોગ બને છે તેનું મનોવૈજ્ઞાનિક દૃશ્યકલ્પ નિરૂપણ કર્યું છે. તેને 1982ના ફિલ્મોત્સવમાં ઉત્તમ છબીકલાનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1990માં પદ્મશ્રીથી તેઓ સન્માનીત થયા હતા.
કેતન મહેતા