અરલ સમુદ્ર : મધ્ય એશિયામાં દરિયાઈ સપાટીથી 53 મીટરની ઊંચાઈએ આવેલો સમુદ્ર. તેનું ભૌગોલિક સ્થાન 45o ઉ.અ. અને 60o પૂ.રે. છે. અરલ સમુદ્રનો અર્થ “ટાપુઓનો સમુદ્ર” થાય છે. આ સમુદ્રમાં આશરે 1100 ટાપુઓ આવેલાં છે. તે ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની સરહદોની લગભગ વચ્ચે છે. વિશ્વમાં તે ભૂમિબંદિસ્ત જળવિસ્તારોમાં ચોથા ક્રમે સૌથી મૌટો (68,000 ચો.કિમી.) ગણાય છે. 2014માં ઉત્તર અરલ ભાગમાં ઊંડાઈ આશરે 9 મીટર અને દક્ષિણ અરલ ભાગમાં ઊંડાઈ 15 મીટર (2005) હતી.
આ સમુદ્રને અમૂદરિયા, સી દરિયા અ ભૂગર્ભજળ દ્વારા જળપુરવઠો પ્રાપ્ત થતો હતો. પરંતુ રશિયાએ 1960થી દરિયા નદીના જળનો ઉપયોગ સિંચાઈ માટે કરવા મંડ્યો ત્યારથી આ સમુદ્રને જળનો જળપુરવઠો સ્થગિત થઈ ગયો. 1997ના વર્ષમાં તેના કુલ વિસ્તારમાં 10% જેટલો ઘટાડો થઈ જવાથી આ સમુદ્ર ચાર વિભાગમાં વહેંચાઈ ગયો. આ સમુદ્ર સુકાવવાથી કહેવાય છે કે “પર્યાવરણીય આપત્તિઓમાંની એક ગણાય છે”.
અરલ સમુદ્ર સુકાઈ જવાથી તેની પારિસ્થિતિકી લગભગ નાશ પામી છે. અહીં મત્સ્ય પ્રવૃત્તિ, જળ પરિવહન પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ છે. થોડું ઘણું જળ જોવા મળે છે. તે ઉપરોક્ત પ્રવૃત્તિઓ માટે પૂરતું નથી, ભૂમિ પ્રદૂષિત અને ક્ષારીય બની ગઈ છે. આ સમુદ્રના કિનારાના ભાગમાં વસવાટ કરતા લોકો જળના અભાવે વિવિધ રોગોથી પીડાય છે. ખેતીકીય પ્રવૃત્તિ વરસાદના પાણી પર જ આધારિત રહે છે. પશુપાલન પ્રવૃત્તિ પણ નામશેષ થઈ ગઈ છે. આ પ્રદેશમાં 44 લાખ લોકો વસે છે. તેઓને વર્તમાન પરિસ્થિતિમાં સ્થળાંતર કરવા મજબૂર થવું પડ્યું છે.
આ અરલ સમુદ્રના અસ્તિત્વને ટકાવવા યુનેસ્કોના સહકારથી 2000ના વર્ષથી કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, તજિકિસ્તાન, કિર્ગિઝસ્તાન અને તુર્કમેનિસ્તાન દેશોએ જવાબદારી સ્વીકારી છે. આ દેશોએ વિવિધ યોજનાઓને અમલમાં મૂકી છે.
નીતિન કોઠારી