અય્યર જી. સુબ્રમણ્ય

January, 2001

અય્યર, જી. સુબ્રમણ્ય (જ. 19 જાન્યુઆરી 1855, તિરૂવડી, જિ. તાંજાવુર; અ. 18 એપ્રલ 1916, મદ્રાસ પ્રેસીડન્સી ઈન્ડિયા) : પ્રખર દેશભક્ત, અગ્રગણ્ય પત્રકાર તથા નીડર સમાજસુધારક. મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ. પિતા ગણપતિ અય્યર જિલ્લા મુન્સિફ કૉર્ટમાં વકીલાત કરતા હતા. તેર વર્ષની વયે પિતાનું અવસાન થયું છતાં શિક્ષણ ચાલુ રાખ્યું. મૅટ્રિકની પરીક્ષા 1869માં તથા બી.એ.ની 1877માં પાસ કરી. થોડો સમય શિક્ષક તરીકે સેવાઓ આપ્યા પછી ‘ધી આર્યન ફ્રી હાઈસ્કૂલ’ નામની પોતાની શાળાની સ્થાપના કરી.

મિત્રોના સહકારથી 1878માં ‘હિંદુ’ સાપ્તાહિકની શરૂઆત કરી. તેને મળેલ આવકાર અને લોકપ્રિયતાને લીધે એપ્રિલ, 1889માં ‘હિંદુ’નું દૈનિકમાં રૂપાંતર કરવામાં આવ્યું. 1898માં તેના સંચાલકપદેથી મુક્ત થયા, છતાં લાંબા સમય સુધી તે દૈનિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થતા હતા. 1882માં તેમણે તમિળ ભાષામાં ‘સ્વદેશમિત્રન્’ નામનું વૃત્તપત્ર શરૂ કર્યું હતું. 1899માં તેનું પણ દૈનિકમાં રૂપાંતર કરવામાં આવ્યું. 1882થી 1907 સુધીનાં પચીસ વર્ષ તેમણે આ વૃત્તપત્રની માવજત કરી. 1902માં તેમણે ‘United India’ નામનું બીજું અર્થકારણને લગતું સામયિક શરૂ કર્યું, જેને ‘હિંદુ’ તથા ‘સ્વદેશમિત્રન્’ જેટલો જ આવકાર અને લોકપ્રિયતા સાંપડ્યાં. પત્રકારત્વની સ્વતંત્રતા પર તરાપ મારવાનો સરકારે જ્યારે જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ત્યારે આ નીડર પત્રકારે તેનો કટ્ટર વિરોધ કર્યો હતો.

જી. સુબ્રમણ્ય અય્યર ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સંસ્થાપકોમાંના એક હતા. સંસ્થાની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ ધરાવતા હતા. રાજકારણમાં તેઓ ઉદારમતવાદી હોવા છતાં સુબ્રમણ્ય ભારતી તથા બિપિનચંદ્ર પાલ જેવા કટ્ટરવાદી નેતાઓનાં કાર્યોના તેઓ પ્રશંસક હતા.

1904માં પ્રકાશિત ‘Economic Aspects of British Rule in India’ નામના તેમના પુસ્તકમાં ભારતના અર્થતંત્રની પડતીનાં કારણોનું તેમણે સચોટ અને ઊંડું વિશ્લેષણ કર્યું છે. ભારતના ખેડૂતોની ગરીબી અને હાડમારીથી વાકેફ હોવાને લીધે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના બારમા અધિવેશનમાં તેમણે કાયમી જમાબંદીની ભારપૂર્વક હિમાયત કરી હતી. ભારતના અર્થતંત્રની હાલાકી અંગે તેમના વિચારો અને અભિપ્રાયોની સરકારે કદર કરી હતી. 1886માં જાહેર સેવા આયોગ સમક્ષ તથા 1897માં વેલ્બી કમિશન સમક્ષ તેમણે જુબાની આપી હતી.

બ્રિટિશ શાસનની સખત ટીકા તથા સ્વરાજ અને સ્વદેશીના પ્રચારને કારણે જુલાઈ 1908માં જી. સુબ્રમણ્ય અય્યરની ધરપકડ કરવામાં આવી, પરંતુ પ્રજામાં વિરોધનો વંટોળ ઊભો થતાં તેમની સામેનો કેસ સરકારને પાછો ખેંચવો પડ્યો હતો.

જી. સુબ્રમણ્ય અય્યર સક્રિય સમાજસુધારક પણ હતા. આ બાબતમાં તેઓ સ્વામી વિવેકાનંદ તથા સિસ્ટર નિવેદિતાથી પ્રભાવિત થયા હતા. મદ્રાસ સોશિયલ રિફૉર્મ ઍસોસિયેશનના સંસ્થાપકોમાંના એક સુબ્રમણ્ય અય્યરે વિધવાવિવાહ, સ્ત્રીકેળવણી તથા જ્ઞાતિપ્રથાની નાબૂદીની જોરદાર હિમાયત કરી હતી. તેમની પોતાની વિધવા પુત્રીનાં તેમણે પુનર્લગ્ન કરાવ્યાં હતાં. તેમણે કરેલી આ પહેલની શિક્ષિત સમાજમાં સારી છાપ પડી હતી. તેનું બીજાઓએ અનુકરણ કર્યું હતું. આ પ્રકારની પ્રવૃત્તિનો એ સમયમાં એટલો પ્રબળ પ્રભાવ પડેલો કે સુપ્રસિદ્ધ નવલકથાકાર સુબ્રમણ્ય ભારતીએ તેમની જાણીતી સામાજિક નવલકથા ‘ચંદ્રિકાયિન કથાઈ’માં તેમને પાત્ર રૂપે ઉતાર્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે