અય્યર, ઉળળૂર પરમેશ્વર (જ. 6 જૂન 1877; અ. 15 જૂન 1949, તિરુવનંતપુરમ) : મલયાળમ લેખક. એમણે એમ.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી સરકારના વિવિધ વિભાગોમાં નોકરી કરી હતી. છેલ્લે ત્રાવણકોર વિશ્વવિદ્યાલયના પ્રાચ્ય ભાષાવિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. એમના કાવ્યસંગ્રહોમાં ‘વંચીશગીતિ’, ‘મંગળમંજરી’ (સ્તોત્રગ્રન્થ); ‘વર્ણભૂષણમ્ કાવ્ય’, ‘પિંગળા’, ‘ભક્તિદીપિકા’, ‘ચિત્રશાળા’, ‘તારાહારમ્ કિરણાવલી’, ‘રત્નમાલા’, ‘મણિમંજૂષા’, ‘હૃદયકૌમુદી’, ‘તરંગિણી’ તથા ‘ઉમાકેરલમ્’ મુખ્ય છે. છેલ્લી કૃતિ મહાકાવ્ય છે. ‘પિંગળા’માં કથાકાવ્યો છે. ‘ભક્તિદીપિકા’માં ભક્તિકાવ્યો છે. ‘ચિત્રશાળા’માં સ્ત્રીઓનાં પદ્યાત્મક રેખાચિત્રો છે. ‘તારાહારમ્ કિરણાવલી’માં પ્રકૃતિકાવ્યો છે. એ રીતે એમની કવિતામાં વિષય અને નિરૂપણરીતિનું વૈવિધ્ય જોવા મળે છે.
અક્કવુર નારાયણન્