અમેરિકન ચલચિત્ર : 1889માં જ્યૉર્જ ઇસ્ટમૅન તથા હનીબલ ગુડવિનના સંયુક્ત પ્રયત્નોને પરિણામે પ્રથમ સેલ્યુલૉઇડની ફિલ્મ તૈયાર થઈ. 1 ફેબ્રુઆરી 1893ના રોજ વેસ્ટ ઑરેન્જમાં ટૉમસ એડિસને બ્લૅક મારિયા ફિલ્મનિર્માણગૃહ (સ્ટુડિયો) તૈયાર કર્યું, જે જગતનું પ્રથમ ફિલ્મનિર્માણગૃહ હતું. તેમાં શરૂઆતમાં નાની ફિલ્મ તૈયાર થવા લાગી. 1896થી વિટાસ્કોપની સહાય વડે અમેરિકામાં અનેક સ્થળે નાની ફિલ્મો પ્રદર્શિત થવા માંડી.

વીસમી સદીની શરૂઆતમાં ફિલ્મનાં વિવિધ અંગોપાંગો વિશે અનેક પ્રયોગો થવા માંડ્યા. એડવિન એસ. પૉર્ટર દિગ્દર્શિત ‘ધ ગ્રેટ ટ્રેન રૉબરી’ એ પહેલી લાંબી પૂર્ણ કથા નિરૂપતી ફિલ્મ 1903માં પ્રદર્શિત થઈ. એ ફિલ્મમાં નિકટ છાયાચિત્રણ (close-up) પહેલી વાર પ્રેક્ષકો સમક્ષ રજૂ થયું; પણ એ તરકીબના પ્રભાવશાળી પ્રયોગ રૂપે તો ડેવિડ ગ્રિફિથે ‘રામોના’ (1905); ‘આફ્ટર મૅની ઇયર્સ’ (1908); ‘ફૉર લવ ઑવ્ ગોલ્ડ’ અને ‘ધ બર્થ ઑવ્ નેશન’ (1915) વગેરે ચિત્રોમાં એમના તકનીકકૌશલનો પરિચય આપ્યો. ગ્રિફિથે કૉન્સ્ટન્સ ટેલવિઝ તથા મેરી પ્રિકફર્ડ જેવી નટીઓની અભિનયશક્તિનો પરિચય કરાવ્યો.

1913માં એક જગતપ્રસિદ્ધ સિનેતારકનો ઉદય થયો. એ હતો ચાર્લી ચૅપ્લિન. ગ્રિફિથે મેરી પ્રિક્ફર્ડ, ચાર્લી ચૅપ્લિન, ડગલાસ ફેરબક્સ વગેરે કલાકારોના સહકારથી ‘યુનાઇટેડ આર્ટિસ્ટ્સ’ – એ ફિલ્મ-સંસ્થા સ્થાપી અને એના દ્વારા ઉત્તમ ચલચિત્રોનું નિર્માણ કર્યું.

1906માં જી. એ. સ્મિથે પ્રથમ રંગીન ચલચિત્ર રજૂ કર્યું. 1971માં ‘ધ ગલ્ફ બિટ્વીન’ એ પ્રથમ બહુરંગી ચલચિત્ર તૈયાર થયું.

અમેરિકામાં 1927 સુધી મૂંગી ફિલ્મો હતી. એ વર્ષમાં ‘ધ ઝાઝ સિંગર’ એ પ્રથમ બોલપટ તૈયાર થયું. અને ત્યારથી ફિલ્મઉદ્યોગની પ્રગતિનો એક નવો તબક્કો શરૂ થયો. એ બોલપટના નિર્માતા વૉર્નર બ્રધર્સ હતા. એ સમયે વૉલ્ટ ડિઝનીએ ‘સ્નોવ્હાઇટ ઍન્ડ સેવન ડ્વાફ્ર્સ’ નામનું લાંબું વ્યંગચિત્ર તૈયાર કર્યું, જે ફિલ્મઉદ્યોગના વિકાસનું મહત્વનું સોપાન બન્યું. ગ્રિફિથ પછી અમેરિકન ચિત્રપટમાં સતત પ્રયોગશીલ રહી, ઉત્કૃષ્ટ પ્રકારની ફિલ્મો બનાવનારા આલ્ફ્રેડ હિચકૉક અને ડેવિડ લીન હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી પણ ચલચિત્રની દિશામાં સફળ પ્રયોગો થતા રહ્યા, જેમાં એક પ્રયોગ ત્રિપરિમાણી ચિત્રનો છે. 1952માં ‘બ્વાના ડેવિલ’ ત્રિપરિમાણી ચલચિત્ર તૈયાર થયું. એ પદ્ધતિને નૈસર્ગિક દૃશ્ય (natural vision) એવું નામ અપાયું છે. પૅરેમાઉન્ટ ફિલ્મ સંસ્થાએ ‘પૅરાવિઝન’ પદ્ધતિ શોધી કાઢી, પણ એથી પ્રેક્ષકોની આંખ પર વિપરીત અસર થઈ અને એમાં પ્રગતિ થઈ શકી નહિ; પણ ત્યાંથી વિશાળ પડદા-પ્રક્રિયા(wide screen process)એ મૂળ નાખ્યાં. 1953માં ‘રૉબ’  એ પ્રથમ સિનેમાસ્કોપ ચિત્રપટ તૈયાર થયું. તે પછી ‘વિસ્ટાવિઝન’, ‘પૉરેફિરલ વિઝન’, ‘વેરિયોસ્કોપ’ જેવી તકનીકનું નિર્માણ થયું.

અમેરિકન ચિત્રોમાં જે અભિનયકારોએ પોતાની ઉત્તમ અદાકારીથી વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી તેમાં હતા : રેમન નૉવેરો, ડગલાસ ફેરબક્સ, ચાર્લી ચૅપ્લિન, ક્લાર્ક ગેબલ, મેરી કૂપર, પૉલ મુનિ, રોનાલ્ડ કૉલમૅન, સ્પેન્સર ટ્રેસી, કેરી ગ્રૅન્ટ, ગ્રેગરી પૅક, માર્લન બ્રૅન્ડો; અભિનેત્રીઓમાં ગ્રેટા ગારબો, માર્લિન ડેટ્રિચ, ગ્રિય ગાર્સન, બેટી ડેવિસ, ઑડ્રી હેપબર્ન, મૅરિલિન મન્રો અને એલિઝાબેથ ટેલર. 1948 આસપાસ પૉલ રૉબસન નામના હબસી ગાયકે પોતાના સંગીતથી, તો સિડની પોઇટિયર હબસી અભિનેતાએ અભિનયકૌશલથી અમેરિકન ફિલ્મજગતમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું.

ઐતિહાસિક દૃષ્ટિએ અમેરિકન ચલચિત્રે વિશ્વમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે; પણ નવાં અમેરિકન ચલચિત્રો કથાદૃષ્ટિએ નબળાં હોય છે. માત્ર યાંત્રિક તરકીબોથી એ પ્રેક્ષકોને આંજી નાખનારાં હોય છે એવી ટીકા થતી હોય છે.

કેતન મહેતા