અમૃતસેન (જ. 1814; અ. 1894) : જયપુર ઘરાનાના જાણીતા સિતારવાદક. તેઓ તાનસેનના વંશજ હતા. પિતા રહીમસેને તેમને ફક્ત સિતારવાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યા અને તે વિશે પૂરેપૂરું જ્ઞાન આપ્યું. તેમણે જયપુરનરેશ રામસિંહ આગળ આઠ દિવસ કેવળ કલ્યાણ રાગ જ સંભળાવ્યો. અમૃતસેન વિલાસી જીવનથી દૂર, કલાસાધનામાં મગ્ન અને પરોપકારી હતા. મહારાજા રામસિંહે તેમને જાગીર વગેરે બધી સુવિધાઓ આપી હતી. જયપુરનરેશના મૃત્યુ બાદ તેઓ દિલ્હી ગયા. અલવરનરેશ મહારાજ શિવદાનસિંહે તેમને દિલ્હીથી બોલાવી સન્માન અને સંપત્તિ આપી પોતાને ત્યાં રાખ્યા. જીવનના અંતમાં તેઓ જયપુર આવી વસ્યા. અમૃતસેને તેમના જીવનકાળ દરમ્યાન સિતારવાદનની કલાને ચરમોત્કર્ષ પર પહોંચાડી હતી. તેમણે કીર્તિ અને ધનની પ્રાપ્તિ સારા પ્રમાણમાં કરી હતી. તેમની શિષ્યપરંપરા વિશાલ છે. આજે પણ જયપુરના સિતારવાદક પોતાને અમૃતસેનના ઘરાનાના ગણાવતાં ગર્વ અનુભવે છે.
કૃષ્ણવદન જેટલી