અમૃતલહરાં (1936) : પંજાબી કવિતાસંગ્રહ. જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા પંજાબી લેખિકા અમૃતા પ્રીતમનો આ બીજો કાવ્યસંગ્રહ છે. એમનો પ્રથમ સંગ્રહ ‘ઠંડિયા કિરણો’ 1935માં પ્રગટ થયો હતો. એમની આ કાવ્યરચનાઓમાં નારીહૃદયની વેદના ઉગ્ર વાણીમાં રજૂ થઈ છે. નારીમુખે જે વાણી ઉચ્ચારાવી છે, તેની પંજાબી વિવેચકોએ બહુ કડક શબ્દોમાં ટીકા કરી હતી, પરંતુ અમૃતા પર તેની જરાય અસર ન થઈ. તેમને તો નારીની અવદશાનું દાહક શબ્દોમાં નિરૂપણ કરવું હતું, જે તે સફળતાથી કરી શક્યાં છે. આર્થિક વિવશતાને કારણે નારીને પોતાનો દેહ અણગમતા પુરુષને આપવો પડે છે. તે નારી એમના ‘અન્નદાતા’ નામના કાવ્યમાં કહે છે, ‘અન્નદાતા ! હું માંસની ઢીંગલી છું, રમી લે, રમાડી લે. લોહીનો હું પ્યાલો છું, પી લે, પિવડાવી લે.’ હૃદય સોંસરી ઊતરી જાય એવી વાણીને લીધે આ દ્વિતીય સંગ્રહથી જ અમૃતા અગ્રગણ્ય પંજાબી કવયિત્રી તરીકે સ્થાન પામ્યાં છે.

ગુરુબક્ષસિંહ