અમૃતરાજ, વિજય (જ. 14 ડિસેમ્બર 1953, ચેન્નઈ) : ભારતના એક શ્રેષ્ઠ ટેનિસ-ખેલાડી. ઊંચાઈ 190 સેમી., જે ભારતના અત્યાર સુધીના કોઈ પણ ટેનિસ-ખેલાડી કરતાં વધુ છે. વજન 72 કિગ્રા. તે જમણેરી ખેલાડી છે. અનેક વાર તે ભારતીય ટેનિસમાં રાષ્ટ્રીય વિજેતા બન્યા છે. તેમણે ભારતને ડેવિસ કપમાં વિશ્વમાં મહત્વનું સ્થાન અપાવ્યું છે. 1981માં તેમનો વિશ્વક્રમ (world ranking : ATP) 21મો હતો. ભારત તરફથી ફક્ત રમેશ કૃષ્ણનનો વિશ્વક્રમ 1988ના માર્ચમાં 20મો આવ્યો છે. એ સિવાય અત્યાર સુધીમાં 21મા સ્થાનની પહેલાં કોઈ પણ ભારતીય ખેલાડી આવી શક્યો નથી.
1981ની સાલમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડી અને તાલીમબાજ રૉય એમરસન પાસે તાલીમ મેળવ્યા પછી વિજયે દુનિયાના સર્વોચ્ચ ટેનિસ-ખેલાડીઓને કોઈ કોઈ વાર હરાવ્યા છે. તેથી તેઓ ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ટેનિસ-ખેલાડી ગણાય છે.
1981માં મૉન્ટ્રિયલ(કૅનેડા)માં સૌપ્રથમ વાર તે સમયના વિશ્વના સર્વોચ્ચ ખેલાડી જૉન મેકેનરો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તે જ વર્ષે વિમ્બલ્ડન સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલ્સમાં અમેરિકાના જિમી કૉનોર્સ સાથે રમતાં બે સેટથી આગળ હતા અને પછી પાંચ સેટમાં – રસાકસીભરી મૅચમાં – અંતે હારી ગયેલા. તે જ વર્ષે યુ. એસ. ઓપન ચૅમ્પિયનશિપમાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચીને તે સૅલિસબરીમાં ફાઇનલ્સમાં પ્રવેશ્યા હતા – જ્યાં ઑરેન્ટેસ, સૉલોમન અને ડિબ્સ જેવા ધરખમ ખેલાડીઓને હરાવ્યા હતા. 1981માં તેમના ભાઈ આનંદ સાથે ડબલ્સમાં – કોલમ્બસ(યુ. એસ.)માં વિશ્વની શ્રેષ્ઠ જોડી બૉબ લટ્ઝ અને સ્ટૅન સ્મિથને પરાજય આપ્યો હતો.
તેઓ 1973 અને 1974માં સિંગલ્સમાં – યુ. એસ. ઓપન ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ્સ સુધી પહોંચ્યા હતા. બિયૉન બૉર્ગને તેમણે અત્યાર સુધીમાં ત્રણ વખત હરાવ્યો છે. જિમી કૉનોર્સને પાંચ વખત, ઇઆન લૅન્ડલને બે વખત, ઈલી નાસ્તાસેને ત્રણ વખત અને આર્થર ઍશ, જૉન ન્યૂકૉમ્બ, સ્ટૅન સ્મિથ અને યાનિક નોઆ જેવા દુનિયાના ઉચ્ચ કોટિના ખેલાડીઓને એક એક વખત હરાવ્યા છે. વિમ્બલ્ડનની સિંગલ્સ સ્પર્ધામાં પણ બે વખત તેઓ ક્વાર્ટર ફાઇનલ્સ સુધી પહોંચ્યા હતા. વિજય અમૃતરાજે ડેવિસ કપ ટુર્નામેન્ટમાં 1974 અને 1987માં ભારતને બે વખત ફાઇનલ્સમાં પહોંચાડીને ગૌરવાન્વિત સ્થાન અપાવ્યું છે.
ભારત સરકારે 1974માં તેમને અર્જુન ઍવૉર્ડ આપ્યો હતો.
સુરેશ મશરુવાળા