અમીરહુસેનખાં (1899–1969) : ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલાને એકલ વાદ્યવાદનનો દરજ્જો અપાવનાર તથા સેંકડો તબલાગતોનો આવિષ્કાર કરનાર ભારતના અગ્રણી તબલાનવાજ. પિતા અહમદ બખ્શ નામવંત સારંગીવાદક હતા. તબલામાં ફસ્નખાબાદ શૈલીનું નામ રોશન કરનાર ઉસ્તાદ મુનીરખાંસાહેબ અમીરહુસેનખાંના મામા હતા. નાની ઉંમરમાં સારંગીવાદક પિતા સાથે સંગત કરનાર અમીરહુસેનખાંનું તબલાવાદન સાંભળીને મુનીરખાંસાહેબ એટલા બધા ખુશ થયા કે તેમણે પોતે પોતાના ભાણેજને તબલાવાદનની રીતસરની તાલીમ આપવાનું નક્કી કર્યું. કોલ્હાપુર ખાતે ઉસ્તાદ અલ્લાદિયાખાંસાહેબના માનમાં આયોજિત જાહેર સત્કાર સમારંભમાં અમીરહુસેનખાંએ અપ્રતિમ તબલાવાદન રજૂ કર્યું, જે તેમનો સર્વપ્રથમ એકલ તબલાવાદન-કાર્યક્રમ હતો. પુણે ખાતે આયોજિત ‘સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવ’માં અમીરખાંનું તબલાવાદન સાંભળીને ભારતના અગ્રણી તબલાવાદક અહમદજાન થિરકવાસાહેબ એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે તેમના ખિસ્સામાં જેટલી ચલણી નોટો હતી તે બધી જ નોટોની અમીરખાં પર જાહેરમાં વર્ષા કરી. ઉત્કૃષ્ટ એકલ તબલાવાદક હોવા ઉપરાંત અમીરહુસેનખાંસાહેબે દેશના અગ્રણી ગાયકો સાથે કરેલી તબલાસંગતને કારણે પણ તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો. આ ગાયકોમાં ઉસ્તાદ અબ્દુલકરીમખાંસાહેબ, ઉસ્તાદ વિલાયતહુસેનખાંસાહેબ, ઉસ્તાદ અમીરખાંસાહેબ, ઉસ્તાદ ખાદિમહુસેનખાંસાહેબ, બેગમ અખ્તર, બેગમ અખ્તરીબાઈ જેવાં દિગ્ગજોનો સમાવેશ થાય છે. બેગમ અખ્તરીબાઈનો તો હંમેશ આગ્રહ રહેતો કે તેમના ગાયન દરમિયાન અમીરહુસેનખાંસાહેબે જ તબલા પર સંગત કરવી જોઈએ. લખનઉના તબલાના એક જાણીતા કારીગર સત્તારખાંએ બનાવેલી તબલાંની એક જોડી એક જાહેર કાર્યક્રમમાં બેગમ અખ્તરીબાઈએ અમીરહુસેનખાંને ભેટ આપી ત્યારે કાર્યક્રમમાં હાજર વિશાળ શ્રોતાવર્ગે તેને વધાવી હતી.

અમીરહુસેનખાં

ગાયન-વાદનને વ્યવસાય તરીકે સ્વીકારનાર અમીરહુસેનખાં કુરેશી જમાતના નબીરા હતા. આ જમાતના રિવાજ મુજબ જે નબીરો પગડબંધ સમારંભ પછી લોકનિયુક્ત થાય છે તે માનાર્થે ‘ચૌધરી’ તરીકે ઓળખાય છે. જમાતની પંચાયત મારફત પરસ્પરના વિવાદોનું નિરાકરણ કરવાની સત્તા તે ધરાવે છે. અમીરહુસેનખાંનો પગડબંધ સમારંભ 1960માં મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને તે પ્રસંગે ઉસ્તાદ બડે ગુલામઅલીખાંસાહેબ અને ઉસ્તાદ અમીરખાંસાહેબ જેવા સંગીતક્ષેત્રના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

સમયાંતરે અમીરહુસેનખાંનો પુત્ર અને ફરૂખાબાદ ઘરાનાનો ખલિફા પાપામિયાં ખાનદાની બંદિશીના વારસદાર તરીકે ખ્યાતિ પામ્યો, જોકે કમનસીબે ભરણપોષણ માટે તેમને નાછૂટકે ભંગારના વ્યવસાય પર નિભાવ કરવો પડ્યો.

વર્ષ 2006ના મધ્યમાં અરવિંદ મુળગાંવકરે અમીરહુસેનખાં-સાહેબનું ચરિત્ર મરાઠીમાં પ્રકાશિત કર્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે