અમીન, રમણભાઈ (જ. 13 મે 1913, વડોદરા; અ. 8 એપ્રિલ, 2000) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. ખાનદાન પરિવારમાં જન્મ. પિતાનું નામ ભાઈલાલભાઈ અને માતાનું નામ ચંચળબા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ત્યારબાદ મિકૅનિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ પશ્ચિમ જર્મની ગયા અને ત્યાંની દાર્મસ્ટૅડ (Darmstadt) યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કરી ભારત પાછા આવ્યા અને તરત જ એલેમ્બિક વર્કશૉપનો હવાલો સંભાળ્યો. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને લીધે ટૂંકસમયમાં જ તેમણે એલેમ્બિક લૅબોરેટરીમાં કેટલાંક અભિનવ યંત્રોની રૂપરેખા (design) બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી. રાસાયણિક ઇજનેરી તથા કાચવિજ્ઞાનપ્રવિધિમાં પણ તેમને ઊંડો રસ હતો. પરિણામે તેમણે ઘણા નવા ઉપક્રમો શરૂ કર્યા તથા તેમાં નવીનીકરણ પર ભાર મૂક્યો.
ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યા પછીનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન તેમણે ઔષધનિર્માણક્ષેત્ર વિકસાવવા પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું; પરંતુ ત્યારબાદ દવાઓ માટે કાચની બાટલીઓ, બરણીઓ અને અન્ય પાત્રોની જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ તેમ તેમ તે પૂરી કરવા માટે તેમણે વડોદરા ખાતે એલેમ્બિક ગ્લાસ ઇન્ડસ્ટ્રિઝની સ્થાપના કરી. રમણભાઈના નેજા હેઠળની એલેમ્બિક કેમિકલ્સ તથા એલેમ્બિક ગ્લાસ ઇન્ડસ્ટ્રિઝ – આ બંનેમાં દેશી કૌશલ તથા દેશી જાણકારી(know-how)ના ઇસ્તેમાલ પર તેમણે ભાર મૂક્યો. ઉપરાંત, એલેમ્બિક કેમિકલ્સમાં સંશોધન અને વસ્તુવિકાસ દ્વારા બજાર અને વ્યવસ્થાપનક્ષેત્રે તેમણે નવા વિચારો, નવી કાર્યશૈલીઓ અને નવી પ્રક્રિયાઓ દાખલ કરવાની પહેલ કરી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં દવાઓના વેચાણ અને વિતરણ માટે તેમણે એક સુગ્રથિત જાળ (net) ઊભી કરી. આથો ચડાવવાની પ્રક્રિયા દ્વારા પેનિસિલિનના ઉત્પાદનની સ્વદેશી પદ્ધતિ વિકસાવવા માટે તેમને 1966માં સર પી. સી. રે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વૈવિધ્યપૂર્ણ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાની સાથોસાથ રમણભાઈ અમીને ઘણાં સામાજિક અને વ્યાવસાયિક સંગઠનોને પણ જરૂરી ઉત્તેજન આપ્યું છે. મધ્ય ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ અને ફેડરેશન ઑવ્ ગુજરાત મિલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝના સ્થાપનાકાળથી રમણભાઈ તેમની સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમના પ્રોત્સાહનને કારણે જ વડોદરા ખાતે વડોદરા પ્રૉડક્ટિવિટી કાઉન્સિલ અને વડોદરા મૅનેજમેન્ટ ઍસોસિયેશન જેવી સંસ્થાઓ સ્થપાઈ છે અને તે ક્રમશ: વિકાસ પામી છે. વડોદરા સિટિઝન્સ કાઉન્સિલના તેઓ પ્રથમ ચૅરમૅન હતા. તેઓ 1949થી ‘ફિક્કી’ (ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી)ની કારોબારીના સભ્ય અને 1966-67ના વર્ષ માટે તેના પ્રમુખ ચૂંટાયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે