અમીન, નાનુભાઈ (જ. 27 નવેમ્બર 1919, વડોદરા; અ. 27 માર્ચ 1999, વડોદરા) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તથા બિનપરંપરાગત ઊર્જાક્ષેત્રે અને પર્યાવરણક્ષેત્રે તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. પિતા ભાઈલાલભાઈ અને માતા ચંચળબા. પિતા વડોદરા રાજ્યના અગ્રગણ્ય ઉદ્યોગપતિ હતા. નાનુભાઈ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા, તેથી વડોદરા રાજ્યની સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ અને ત્યાં જ ન્યૂ એરા બૉઇઝ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ ઉચ્ચ ગુણાંકથી પ્રાપ્ત કર્યા પછી તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ત્યાં તેમણે મૅસેચુસૅટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી 1949માં એસ. બી.(ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)ની ડિગ્રી અને 1943માં સુવિખ્યાત કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમ. એસ.(ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)ની ડિગ્રી મેળવી હતી. આમ યંત્રવિદ્યાક્ષેત્રે ઉચ્ચ સ્તરનું શિક્ષણ મેળવીને તેઓ સ્વદેશ પાછા ફર્યા અને પિતાના ચાલુ ઔદ્યોગિક સાહસમાં જોડાયા. આ સમય દરમિયાન તેમણે યંત્રો અને યંત્રોના છૂટા ભાગોનું ઉત્પાદન કરવા માટે જ્યોતિ લિમિટેડ નામની કંપની શરૂ કરી અને તેઓ કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. માત્ર આ કંપનીની જ પ્રગતિથી તેમણે સંતોષ માન્યો ન હતો, પરન્તુ પોતાની બહુમુખી પ્રતિભાનો લાભ અન્ય ક્ષેત્રોને પણ આપ્યો હતો.
1961માં ઇટાલી ગયેલા ભારત સરકારના ઉદ્યોગ મિશનના સભ્ય, 1964માં પશ્ચિમ એશિયાના દેશોમાં ગયેલા ભારતીય ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળના સભ્ય, 1980માં વિશ્વબૅન્કની પુન-ઊર્જાક્ષેત્રના તજજ્ઞોની સમિતિના વિશેષજ્ઞ, ભારત સરકારની પાવરડ્રિવન પમ્પ્સ ઍન્ડ ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જિન્સ માટેની વિકાસ પરિષદના અધ્યક્ષ, ભારત સરકારના આયોજન પંચના ઇલેક્ટ્રિકલ પાવર ઇક્વિપમેન્ટના કાર્યકારી જૂથના સભ્ય અને ગુજરાત સરકારની ઊર્જાવિકાસ સંસ્થાના અધ્યક્ષ તરીકે વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ક્ષેત્રમાં તેમણે મહત્વનું કાર્ય કર્યું હતું. વળી રિન્યૂએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભવિદ્યાનગરના તેઓ અધ્યક્ષ હતા. તે ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની અનેક સમિતિઓ અને બિન-સરકારી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર રહીને સમાજ, શિક્ષણ અને ઉદ્યોગક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
1985માં તેમને વિશ્વગુર્જરી પુરસ્કાર અને 1987માં ગ્લોબલ એનર્જી સોસાયટી ફૉર ઇરેડિકેશન ઑવ્ પૉવર્ટી ઍન્ડ હંગર યુ.એસ.એ.નો ‘એનર્જી ફૉર મૅનકાઇન્ડ’નો પુરસ્કાર મળ્યા હતા.
જયન્તિલાલ પો. જાની