અમાનત લખનવી (જ. 1 જાન્યુઆરી 1815, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 1 જાન્યુઆરી 1858, લખનૌ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ સાહિત્યકાર. મૂળ નામ આગા હસન અમાનત. પિતા મીર આગા રિઝવી. બાળપણથી કાવ્ય રચવાનો શોખ હતો. ‘અમાનત’ તખલ્લુસ રાખેલું. લખનૌના નવાબી વાતાવરણમાં તેમણે મરસિયા કહેવાનું શરૂ કર્યું. ઝુન્નુલાલ ‘મિયાંદિલગીર’ની પાસેથી કવિતાની બાબતમાં માર્ગદર્શન મેળવ્યું. મરસિયા ઉપરાંત તેમણે ગઝલો પણ લખી છે; પરંતુ તેમની મોટી સિદ્ધિ ‘ઇન્દ્રસભા’ કાવ્યનાટક છે, જે લખનૌની સંસ્કૃતિ તથા લોકલઢણને રજૂ કરતી ઉત્તમ સાહિત્યરચના છે. ઉર્દૂ નાટકસાહિત્યની તે સર્વપ્રથમ રચના હોવાનું મનાય છે. તેની અનેક આવૃત્તિઓ સંપાદિત થતી રહી છે. ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં અમાનતનું નામ ‘ઇન્દ્રસભા’ના કારણે કાયમી સ્થાન પામ્યું છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા