અમાગેટના પ્રયોગો : વાયુઓ ઉપર અતિ ઉચ્ચ દબાણની અસરના અભ્યાસ માટે ફ્રેંચ વિજ્ઞાની અમાગેટે કરેલા પ્રયોગો. બૉઇલે ચોક્કસ જથ્થાના વાયુના અચળ તાપમાને કદ અને દબાણ વચ્ચેનો સંબંધ ગણિતની ભાષામાં PV = K (અચળાંક) તરીકે રજૂ કર્યો. બૉઇલ કરતાં વધુ ઊંચાં દબાણ વાપરીને ઍન્ડ્રૂઝે સાબિત કર્યું કે સામાન્ય વાયુઓ આ નિયમને અનુસરતા નથી. અમાગેટે 3,000 વાતાવરણ જેટલું અતિ ઉચ્ચ દબાણ વાપરીને વાયુઓની વર્તણૂકનો અભ્યાસ કર્યો. આ માટે વિશિષ્ટ પ્રકારની પ્રાયોગિક ગોઠવણ જરૂરી હતી. તેણે હજારેક ફૂટ લાંબી લોખંડની મજબૂત નળીના ઉપરના છેડે પ્રાયોગિક વાયુ ભરેલી કેશનળી જોડી અને નળીનો નીચેનો છેડો કોલસાની ઊંડી ખાણમાં મૂકેલા પાત્રમાં રાખ્યો. આમ, ખાણની ઊંડાઈ બરોબર પારાની ઊંચાઈ જેટલું દબાણ મેળવી શકાયું. આ ઉપરાંત યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને અમાગેટે 3,000 વાતાવરણના દબાણ સુધી પ્રયોગો કર્યા હતા. જુદા જુદા નિયત તાપમાને વાયુના આવા ઊંચા દબાણ અને તેના કદનાં મૂલ્યો મેળવી PV વિરુદ્ધ Pના સમતાપી આલેખો, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયૉક્સાઇડ માટે દોર્યા. દા.ત., કાર્બન ડાયૉક્સાઇડમાં જુદા જુદા દબાણે PVની કિંમત નીચે પ્રમાણે આવે છે.
P | 1 | 50 | 100 | 200 | 500 | 1000 |
PV | 1 | 0.92 | 0.49 | 0.5 | 1.02 | 1.81 |
આ ઉપરથી તેમણે તારવણી કરી કે ઊંચા દબાણે અને નીચા તાપમાને વાયુઓ બૉઇલનો નિયમ અનુસરતા નથી, એટલે કે તેઓ આદર્શ વાયુ તરીકે વર્તતા નથી.
મનુપ્રસાદ શંભુપ્રસાદ મહેતા